આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના કામદારોને રિટાયરમેન્ટ પછી નાણાકીય સ્થિરતા આપવાનો છે.
Atal Pension Yojana: ભારતમાં અટલ પેન્શન યોજના એક મજબૂત સામાજિક સુરક્ષા યોજના તરીકે ઉભરી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર 2025માં અત્યાર સુધીમાં 39 લાખ નવા લોકો આ યોજના સાથે જોડાયા છે અને કુલ 8 કરોડથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રિટાયરમેન્ટ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે, જેની ગેરંટી સરકાર આપે છે.
અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજનાની શરૂઆત 9 મે 2015ના રોજ થઈ હતી અને તે 1 જૂન, 2015થી લાગૂ કરવામાં આવી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના કામદારોને રિટાયરમેન્ટ પછી નાણાકીય સ્થિરતા આપવાનો છે. 18થી 40 વર્ષની ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી, દર મહિને 1000થી 5000 રૂપિયા સુધીનું ગેરંટીડ પેન્શન મળે છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ
ન્યૂનતમ રોકાણ સમયગાળો: 20 વર્ષ
લાયક વ્યક્તિઓ: જેઓ ઇન્કમ ટેક્સની શ્રેણીમાં નથી આવતા (1 ઓક્ટોબર, 2022થી નિયમ લાગૂ)
યોગદાન: માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો-ડેબિટ દ્વારા ચૂકવણી
પેન્શનની રકમ: ઉંમર અને યોગદાનના આધારે નક્કી થાય છે
સંચાલન: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)
કેટલું રોકાણ કરવું પડશે?
જો તમે 1000 રૂપિયાનું માસિક પેન્શન ઇચ્છો છો, તો તમારે ઉંમરના આધારે નીચે મુજબનું યોગદાન આપવું પડશે.
* 19 વર્ષની ઉંમરે: 46 રૂપિયા/મહિને
* 24 વર્ષની ઉંમરે: 70 રૂપિયા/મહિને
* 29 વર્ષની ઉંમરે: 106 રૂપિયા/મહિને
* 34 વર્ષની ઉંમરે: 165 રૂપિયા/મહિને
* 39 વર્ષની ઉંમરે: 264 રૂપિયા/મહિને
આ યોગદાન 60 વર્ષની ઉંમર સુધી નિયમિત ચૂકવવું પડે છે. 60 વર્ષની ઉંમરે આ યોજના દ્વારા લગભગ 1.7 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થાય છે.
પેન્શનની ગેરંટી અને નોમિનીનો લાભ
જો ખાતાધારકનું 60 વર્ષની ઉંમર પછી અવસાન થાય, તો તેમના જીવનસાથીને સમાન માસિક પેન્શન મળવાનું ચાલુ રહે છે. જો બંને (ખાતાધારક અને જીવનસાથી)નું અવસાન થાય, તો નોમિનીને સંપૂર્ણ ફંડની રકમ પરત કરવામાં આવે છે.
પેમેન્ટમાં વિલંબ થાય તો શું?
જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય અને નિર્ધારિત તારીખે ચૂકવણી ન થાય, તો 100 રૂપિયા દીઠ 1 રૂપિયાનો માસિક દંડ લાગે છે. આ દંડ ઓછો રાખવામાં આવ્યો છે જેથી લોકો નિયમિત યોગદાન આપી શકે. અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે તમે તમારી નજીકની બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી શકો છો. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના લોકો માટે એક આદર્શ વિકલ્પ છે, જે ઓછા રોકાણમાં લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના ભારતના કરોડો લોકો માટે નિવૃત્તિ પછીની ચિંતાઓ ઘટાડવાનો એક વિશ્વસનીય રસ્તો બની છે.