China Energy Market: ચીનની કંપનીઓ કોલસાથી ચમકાવે છે કિસ્મત, શું ઓઇલની લેશે જગ્યા?
China Energy Market: ચીનનું કેમિકલ સેક્ટર કોલસાના ઉપયોગથી બદલાઈ રહ્યું છે. કોલસાથી કેમિકલ બનાવતી કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે, જ્યારે ઓઇલ આધારિત કંપનીઓ નુકસાનમાં છે. શું આ બદલાવ ઓઇલને બદલશે?
કોલસાની કિંમતો છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે, જેનો ફાયદો કોલસા આધારિત કેમિકલ કંપનીઓને મળી રહ્યો છે.
China Energy Market: ચીનનું કેમિકલ સેક્ટર હાલમાં એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે કોલસાની ઘટતી કિંમતો. કોલસાથી કેમિકલ બનાવતી કંપનીઓ મોટો નફો કમાઈ રહી છે, જ્યારે ઓઇલ આધારિત કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ નુકસાનનો સામનો કરી રહી છે. આ બદલાવના કારણે એવો સવાલ ઉભો થાય છે કે શું કોલસો ઓઇલનું સ્થાન લઈ લેશે?
કોલસા આધારિત કંપનીઓનો દબદબો
ચીનની સૌથી મોટી કોલસા આધારિત કેમિકલ કંપની નિંગ્ઝિયા બાઓફેંગ એનર્જી ગ્રૂપે 2025ની પહેલી છમાહીમાં 73%ની નફાકારક વૃદ્ધિ નોંધાવી છે. આ ઉપરાંત, ચીન શેનહુઆ એનર્જીના ઇનર મંગોલિયા સ્થિત કેમિકલ પ્લાન્ટે તેના નફામાં લગભગ 20 ગણો વધારો નોંધાવ્યો છે. બીજી બાજુ, ઓઇલ રિફાઇનરીની દિગ્ગજ કંપની સિનોપેકને 2025ની પહેલી છમાહીમાં તેના કેમિકલ યુનિટમાં 4.5 બિલિયન યુઆન (આશરે 630 મિલિયન ડોલર)નું નુકસાન થયું છે, જે 2024ના 3.6 બિલિયન યુઆનના નુકસાન કરતાં વધુ છે.
કોલસાની સસ્તી કિંમતોનો ફાયદો
કોલસાની કિંમતો છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે, જેનો ફાયદો કોલસા આધારિત કેમિકલ કંપનીઓને મળી રહ્યો છે. આ સેક્ટર આગામી 5 વર્ષમાં 520 બિલિયન યુઆનના વિસ્તરણની યોજના ધરાવે છે, જેનાથી તેમની ઉત્પાદન ક્ષમતા એક તૃતીયાંશ વધી શકે છે. આ ઉપરાંત ચીનની વિદેશી ઓઇલ પર નિર્ભરતા ઘટશે, કારણ કે ચીન પોતાનો મોટા ભાગનો કોલસો સ્વદેશમાં જ ઉત્પન્ન કરે છે, જ્યારે ઓઇલની આયાત કરવી પડે છે.
પર્યાવરણ પર અસર
આ બદલાવનો એક નકારાત્મક પાસું પણ છે. કોલસાથી કેમિકલ બનાવવાની પ્રક્રિયા ઓઇલની તુલનામાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલ મુજબ, 2024માં કોલસા આધારિત કેમિકલ સેક્ટરે 690 મિલિયન ટન CO2નું ઉત્સર્જન કર્યું, જે પરંપરાગત પ્લાન્ટની તુલનામાં 440 મિલિયન ટન વધુ છે. આ પર્યાવરણીય પડકાર ચીનના નીતિ નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.
સરકારની નીતિઓની રાહ
ઓઇલ આધારિત કેમિકલ કંપનીઓ સરકાર તરફથી નવી નીતિઓની આશા રાખે છે, જેમાં નાની ફેક્ટરીઓ બંધ કરવી, જૂની ફેક્ટરીઓને અપગ્રેડ કરવી અને એડવાન્સ મટિરિયલ્સમાં રોકાણનો સમાવેશ થાય છે. પરંતુ જ્યાં સુધી કોલસો સસ્તો રહેશે, ત્યાં સુધી આ બદલાવને રોકવું મુશ્કેલ લાગે છે.