દીપિન્દર ગોયલની નવી હેલ્થ-ટેક કંપની 'Temple' ને મળ્યું 5.4 કરોડ ડોલરનું ફંડ, જાણો નોકરી માટેની અજીબોગરીબ શરતો
Deepinder Goyal Zomato Founder: ઝોમેટો (Eternal) ના ફાઉન્ડર દીપિન્દર ગોયલની નવી હેલ્થ-ટેક કંપની 'Temple' એ 5.4 કરોડ ડોલરનું ફંડિંગ મેળવ્યું છે. જાણો કંપનીનું વિઝન અને નોકરી માટેની ખાસ શરતો.
Deepinder Goyal Zomato Founder: ઝોમેટો (Eternal) ના ફાઉન્ડર દીપિન્દર ગોયલની નવી હેલ્થ-ટેક કંપની 'Temple' એ 5.4 કરોડ ડોલરનું ફંડિંગ મેળવ્યું છે
Temple startup: ઝોમેટો (Zomato)ના ફાઉન્ડર દીપિન્દર ગોયલે હવે હેલ્થ-ટેક સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમની નવી સ્ટાર્ટઅપ કંપની 'Temple' એ ફંડિંગના પહેલા જ રાઉન્ડમાં 5.4 કરોડ ડોલરનું મોટું ફંડ એકઠું કરી લીધું છે. ગોયલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખુશખબર શેર કરી હતી. આ ફંડિંગ બાદ કંપનીની વેલ્યુએશન 19 કરોડ ડોલર આંકવામાં આવી રહી છે.
નોકરી માટે રાખી અજીબોગરીબ શરતો
ફંડિંગની જાહેરાતના થોડા કલાકો પહેલાં જ દીપિન્દર ગોયલે તેમની નવી કંપની માટે એક ભરતીની પોસ્ટ મૂકી હતી, જેણે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. તેમણે 'ટેમ્પલ' માટે એવા ઉમેદવારો માંગ્યા છે જેઓ એન્જિનિયર અને સાયન્ટિસ્ટ હોવાની સાથે-સાથે એથલીટ (રમતવીર) પણ હોય!
આટલું જ નહીં, નોકરી માટે એક ખાસ શરત એ પણ રાખી છે કે અરજી કરનાર પુરુષોના શરીરમાં 16 ટકાથી ઓછું બોડી ફેટ હોવું જોઈએ. અરજી કરનાર મહિલાઓમાં 26 ટકાથી ઓછું બોડી ફેટ (શરીરની ચરબી) હોવું જોઈએ. તેમની આ અનોખી શરત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે અને લોકો આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
મિત્રો અને પરિવાર પાસેથી મળ્યું ફંડ
સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોયલે જણાવ્યું હતું કે, "Temple એ ફંડિંગનો પોતાનો પહેલો રાઉન્ડ પૂરો કરી લીધો છે. આ 5.4 કરોડ ડોલરનું ફંડ મિત્રો અને પરિવારજનો પાસેથી મળ્યું છે.’
Eternalના મોટા પદો પરથી આપ્યું રાજીનામું
અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, દીપિન્દર ગોયલે 1 ફેબ્રુઆરી, 2026થી Eternalના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગેની જાહેરાત તેમણે જાન્યુઆરી મહિનામાં જ કરી દીધી હતી. હવે Eternalના બોર્ડે તેમને કંપનીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટર પદ માટે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. તેમની જગ્યાએ હવે Blinkitના અલ્બિન્દર સિંહ ઢીંડસા કંપનીના નવા CEO બનશે.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જ ઝોમેટોનું નામ બદલીને ‘એટરનલ' (Eternal) રાખવામાં આવ્યું હતું. આજે ઝોમેટો, બ્લિંકઇટ, ડિસ્ટ્રિક્ટ, હાઇપરપ્યોર અને ફીડિંગ ઇન્ડિયા - આ બધી જ બ્રાન્ડ્સ Eternal હેઠળ કામ કરે છે.
શા માટે છોડ્યું CEO પદ?
જાન્યુઆરીમાં પોતાના રાજીનામાની જાહેરાત કરતી વખતે ગોયલે નવી પ્લાનિંગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હાલમાં હું કેટલાક નવા આઈડિયાઝ તરફ આકર્ષાયો છું, જેમાં ઘણું રિસ્ક અને નવા એક્સપેરિમેન્ટ સામેલ છે. આવા પ્રયોગો Eternal જેવી પબ્લિક કંપનીની બહાર રહીને કરવા વધુ યોગ્ય છે."
તેમનું માનવું છે કે જો આ આઈડિયા કંપનીના વ્યાપમાં આવતા હોત તો તેઓ ત્યાં જ કામ કરત, પરંતુ અત્યારે Eternal એ પોતાના મૂળ બિઝનેસ અને નવા ગ્રોથ એરિયા પર પૂરા અનુશાસન સાથે ફોકસ કરવું જોઈએ. આથી જ તેમણે પોતાનો નવો રસ્તો પસંદ કર્યો છે.
દીપિન્દર ગોયલની આ નવી સફર દર્શાવે છે કે તેઓ હંમેશા કંઈક નવું અને પડકારજનક કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે હેલ્થ-ટેક સેક્ટરમાં તેમની આ નવી કંપની 'Temple' કેવો કમાલ કરી બતાવે છે.