વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, આ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 4 થી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર વધારીને 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 35000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે.
India New Zealand FTA: તહેવારોની સિઝનમાં ભારતીય અર્થવ્યવસ્થા અને નિકાસકારો માટે એક ખૂબ જ ઐતિહાસિક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર વધારવા માટે થયેલી એક મોટી ડીલ હવે અમલમાં આવવા જઈ રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 20 ઓક્ટોબર 2026 એટલે કે દશેરાના પવિત્ર દિવસથી લાગુ કરવામાં આવશે. નવી દિલ્હીમાં યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલે સાથે મળીને આ ઐતિહાસિક સમજૂતીની અંતિમ તારીખ પર મહોર મારવામાં આવી છે.
100 ટકા ટેક્સ ફ્રી: શું થશે સસ્તું?
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, હવે ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા 100 ટકા સામાન પર કોઈપણ પ્રકારની કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. પહેલા ન્યૂઝીલેન્ડમાં ભારતની કાર, ઓટો પાર્ટ્સ (કોમ્પોનન્ટ્સ), કાલીન (કાર્પેટ), સિરામિક અને કાપડ પર 10 ટકા સુધીનો ભારે ટેક્સ લાગતો હતો. જે 20 ઓક્ટોબરથી આ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
પરિણામે, ન્યૂઝીલેન્ડના બજારોમાં ભારતીય કાર, ઓટો પાર્ટ્સ અને પરંપરાગત ઉદ્યોગોનો સામાન ખૂબ જ સસ્તો થઈ જશે, જેનાથી વેચાણ વધશે.
વેપારને 35000 કરોડ રૂપિયા સુધી લઈ જવાનું લક્ષ્ય
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, આ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 4 થી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર વધારીને 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 35000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે. અત્રે નોંધનીય છે કે, જુલાઈ 2026 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. છેલ્લા 4 દાયકામાં કોઈ ભારતીય પીએમનો આ પહેલો પ્રવાસ હતો. પીએમ મોદીના આ પ્રવાસે જ બંને દેશોના રાજકીય સંબંધોને મજબૂત કર્યા અને આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં મોટી ભૂમિકા ભજવી.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને પણ વ્યક્ત કરી ખુશી
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ આ ડીલનું ભવ્ય સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ કરવાનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરી બતાવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો વેપાર 2023-24 ના 873 મિલિયન ડોલરથી વધીને 2024-25 માં 1.3 બિલિયન ડોલર થઈ ગયો છે, જે સીધો 49% નો અધધ વધારો દર્શાવે છે.