ગ્લોબલ છટણી વચ્ચે યુવાનો માટે ખુશખબર: Deloitte ભારતમાં 50,000 નવી નોકરીઓ આપશે, AI ટ્રેનિંગ પર રહેશે ખાસ ફોકસ
આખી દુનિયામાં છટણીનો માહોલ છે ત્યારે દિગ્ગજ કંપની Deloitte ભારતમાં 50,000 નવી નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. જાણો કંપનીના AI ટ્રેનિંગ અને સ્કીલિંગ પ્લાન વિશે.
કંપનીના આયોજન પર નજર કરીએ તો, કંપનીએ તેના 30,000 કર્મચારીઓને અગાઉથી જ AI ની ટ્રેનિંગ આપી દીધી છે.
અત્યારે આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. પણ આવા કપરા સમયે ભારતીય જોબ માર્કેટ માટે એક બહુ જ સારા સમાચાર આવ્યા છે. જાણીતી કન્સલ્ટન્સી ફર્મ Deloitteએ પોતાની વિસ્તરણ યોજનાના ભાગરૂપે ભારતમાં 50,000 નવા પ્રોફેશનલ્સની ભરતી કરવાની મોટી જાહેરાત કરી છે.
છટણીના બદલે સ્કીલિંગ અને નવી ભરતી પર ભાર
ડેલૉયટ સાઉથ એશિયાના COO નીતિન કિનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કંપની AI ને એવા ટૂલ તરીકે નથી જોતી જે માણસોની નોકરી ખાઈ જાય. તેમણે કહ્યું કે, અમને નથી લાગતું કે નોકરીઓ ખતમ કરવી એ સાચો રસ્તો છે. અમારું પૂરું ધ્યાન અમારા કર્મચારીઓને નવી ટેકનોલોજી શીખવવા પર છે, જેથી તેઓ ભવિષ્યની જટિલ સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકે.
કંપનીના આયોજન પર નજર કરીએ તો, કંપનીએ તેના 30,000 કર્મચારીઓને અગાઉથી જ AI ની ટ્રેનિંગ આપી દીધી છે. બાકીના સ્ટાફને પણ કંપનીના પોતાના ઇન્ટરનલ પ્લેટફોર્મ દ્વારા આ નવા બદલાવ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડેલૉયટ પોતાની કુલ કમાણીનો 9% હિસ્સો નવી સ્કીલ શીખવવા, ટ્રેનિંગ અને ઇનોવેશન પાછળ ખર્ચી રહી છે.
ડેલૉયટ માટે ભારત છે ગ્લોબલ ટેલેન્ટનું સૌથી મોટું હબ
ડેલૉયટ માટે ભારતનું માર્કેટ કેટલું મહત્વનું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, કંપનીના આખી દુનિયાના કુલ કર્મચારીઓમાંથી ત્રીજા ભાગના કર્મચારીઓ માત્ર ભારતમાં જ કામ કરે છે. આ ઉપરાંત, કંપની ભવિષ્યની લેટેસ્ટ ટેકનોલોજી પર કામ કરવા માટે ભારતમાં એક 'ક્વોન્ટમ સેન્ટર ઓફ એક્સેલન્સ'શરૂ કરવાનું પણ આયોજન કરી રહી છે.
AI અપનાવવામાં ભારતીય કંપનીઓને કઈ વાતનો ડર છે?
નીતિન કિનીએ ભારતીય કંપનીઓની એ ચિંતા વિશે પણ વાત કરી કે તેઓ શા માટે AI નો પૂરો ઉપયોગ કરતા ડરે છે. મોટી કંપનીઓને સૌથી મોટી ચિંતા પોતાના સંવેદનશીલ ડેટાની સુરક્ષાને લઈને છે. AI ટૂલ્સનો જેટલો ઉપયોગ કરો તેટલા પૈસા ચૂકવવા પડે છે, જેનાથી કંપનીઓનું બજેટ અનિશ્ચિત બની જાય છે. આ જ કારણે મોટી કંપનીઓ તેને મોટા પાયે લાગુ કરતા ખચકાય છે.
ફાસ્ટ કાર અને સારી બ્રેકનું ઉદાહરણ
નીતિન કિનીએ AIના ઉપયોગની સરખામણી કારની સ્પીડ અને તેની સેફ્ટી સાથે કરી છે. તેઓ કહે છે કે, "જેમ કોઈ ફાસ્ટ કાર ચલાવવા માટે તેમાં પાવરફુલ બ્રેક હોવી જરૂરી છે, તેવી જ રીતે ઝડપી ઇનોવેશનની સાથે મજબૂત સુરક્ષા સિસ્ટમ હોવી પણ એટલી જ જરૂરી છે." તેમનું માનવું છે કે ભારતે AI અને સાયબર સિક્યોરિટીને અલગ-અલગ જોવાના બદલે એકસાથે ડેવલપ કરવા જોઈએ.
ડેલૉયટની આ 50,000 નવી નોકરીઓની જાહેરાત સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની ભારતને માત્ર એક વર્કફોર્સનું હબ નહીં, પરંતુ એક ગ્લોબલ ટેકનિકલ લીડર તરીકે સ્થાપિત કરવા માંગે છે. છટણીના આ સમયમાં ડેલૉયટનો આ નિર્ણય ભારતના હજારો યુવાનો માટે રોજગારીની શાનદાર તકો ઊભી કરશે.