ભારતનો માસ્ટરસ્ટ્રોક: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે EU સાથે થશે 'મધર ઓફ ઓલ ડીલ', 26 જાન્યુઆરીએ ઐતિહાસિક જાહેરાત! | Moneycontrol Gujarati
Get App

ભારતનો માસ્ટરસ્ટ્રોક: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે EU સાથે થશે 'મધર ઓફ ઓલ ડીલ', 26 જાન્યુઆરીએ ઐતિહાસિક જાહેરાત!

India EU Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થવા જઈ રહ્યો છે. ટ્રમ્પના 50% ટેરિફ સામે આ 'મધર ઓફ ઓલ ડીલ' ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. જાણો 26 જાન્યુઆરીએ શું મોટી જાહેરાત થઈ શકે છે.

અપડેટેડ 02:02:14 PM Jan 21, 2026 પર
Story continues below Advertisement
યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થવા જઈ રહ્યો છે, તે કોઈ સામાન્ય કરાર નથી. આ ડીલના કારણે ભારત અને યુરોપના મળીને કુલ 200 કરોડ લોકોનું બજાર એકબીજા સાથે જોડાઈ જશે.

India EU Trade Deal: વૈશ્વિક રાજકારણ અને વેપાર જગતમાં ભારત માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર આકરા ટેક્સ લાદી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતે યુરોપિયન યુનિયન (EU) સાથે મિત્રતાનો હાથ મજબૂત કર્યો છે. દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ભારત સાથેના વેપાર કરારને લઈને મોટી જાહેરાત કરી છે.

આ કરારને નિષ્ણાતો 'મધર ઓફ ઓલ ડીલ્સ' એટલે કે તમામ સોદાઓની જનેતા ગણાવી રહ્યા છે. ચાલો જાણીએ આ ડીલ ભારત માટે કેમ આટલી મહત્વની છે અને તેનાથી સામાન્ય માણસને શું ફરક પડશે.

શું છે આ 'મધર ઓફ ઓલ ડીલ'?

યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થવા જઈ રહ્યો છે, તે કોઈ સામાન્ય કરાર નથી. આ ડીલના કારણે ભારત અને યુરોપના મળીને કુલ 200 કરોડ લોકોનું બજાર એકબીજા સાથે જોડાઈ જશે. સૌથી મોટી વાત એ છે કે, આ કરાર વિશ્વની કુલ જીડીપી (GDP)ના ચોથા ભાગને (1/4) આવરી લેશે. યુરોપિયન કમિશનના પ્રમુખે સ્પષ્ટ કહ્યું છે કે, "અમે એક ઐતિહાસિક વેપાર સમજૂતીની ખૂબ જ નજીક છીએ. આ ડીલ યુરોપને દુનિયાના સૌથી ઝડપથી વિકસતા ભારતીય બજાર સાથે જોડશે."

ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે 440 વૉલ્ટનો ઝટકો


આ ડીલનો સમય ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% જેટલો આકરો ટેરિફ લગાવ્યો છે. જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણાઓ થોડી મુશ્કેલીમાં મુકાઈ છે. આવી સ્થિતિમાં, યુરોપ સાથેની આ ડીલ ભારત માટે એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો ભારત અને EU વચ્ચે આ કરાર થઈ જાય, તો ટ્રમ્પ ભારત પર જે દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના પર પાણી ફરી વળશે. ભારત માટે આ એક મોટી કુટનીતિક જીત સાબિત થશે.

26મી જાન્યુઆરીએ મોટી જાહેરાતની શક્યતા

આ ઐતિહાસિક કરારની સત્તાવાર જાહેરાત માટે હવે ગણતરીના દિવસો બાકી હોવાનું મનાય છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભારતના 77માં ગણતંત્ર દિવસ (Republic Day)ની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન આ મેગા ડીલ પર સત્તાવાર મહોર વાગી શકે છે. આ ઉપરાંત 2026-2030 માટે બંને દેશો વચ્ચેનો રણનૈતિક એજન્ડા પણ નક્કી કરવામાં આવશે.

ડિફેન્સ અને ટેકનોલોજીમાં ભારતને ફાયદો

આ કરાર માત્ર સામાનની લે-વેચ પૂરતો સીમિત નથી. તેમાં નીચે મુજબના મહત્વના ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે:

સંરક્ષણ (Defense): ભારતીય કંપનીઓને યુરોપના 'સિક્યોરિટી એક્શન ફોર યુરોપ' (SAFE) પ્રોગ્રામમાં ભાગ લેવાની તક મળશે.

ટેકનોલોજી અને ઉર્જા: ઉર્જા સુરક્ષા, કાચો માલ અને ડિજિટલ ક્ષેત્રે યુરોપ અને ભારત સાથે મળીને કામ કરશે.

જિયોપોલિટિક્સ: રશિયા-યુક્રેન યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત અને યુરોપ એકબીજાના સહયોગી બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને EU વચ્ચે FTA માટેની વાતચીત છેક 2007માં શરૂ થઈ હતી, જે વચ્ચે અટકી ગઈ હતી અને જૂન 2022માં ફરી શરૂ થઈ હતી. હવે તે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે.

આ પણ વાંચો-Budget 2026: પરિણીત યુગલો માટે ખુશખબર! મોદી સરકાર આપી શકે છે મોટું 'ટેક્સ ગિફ્ટ', જાણો શું છે જોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2026 2:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.