IT શેરો ધરાવતા રોકાણકારો સાવધાન: AIના કારણે મોટું સંકટ, અનુજ સિંઘલે આપી ‘વેચવાની' સલાહ
Indian IT Sector: શું તમારા પોર્ટફોલિયોમાં IT શેરો છે? AI ના કારણે ભારતીય IT કંપનીઓ પર અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે. જાણીતા એક્સપર્ટ અનુજ સિંઘલે રોકાણકારોને શું ચેતવણી આપી અને શા માટે અત્યારે ખરીદી ન કરવી જોઈએ? જાણો વિગતે.
Indian IT Sector: શું તમારા પોર્ટફોલિયોમાં IT શેરો છે? AI ના કારણે ભારતીય IT કંપનીઓ પર અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે.
Indian IT Sector: ભારતીય શેરબજારમાં વર્ષોથી રોકાણકારોની પહેલી પસંદ રહેલા IT સેક્ટર માટે હાલનો સમય અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસે ભારતીય IT કંપનીઓ સામે ‘કરો યા મરો' જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. બજારના દિગ્ગજ એક્સપર્ટ્સનું માનવું છે કે આ માત્ર કામચલાઉ મંદી નથી, પરંતુ અસ્તિત્વનું સંકટ છે.
અનુજ સિંઘલની સ્પષ્ટ સલાહ: ‘રૅલી આવે એટલે નીકળી જાઓ'
CNBC-આવાઝના મેનેજિંગ એડિટર અને જાણીતા માર્કેટ એક્સપર્ટ અનુજ સિંઘલે રોકાણકારોને IT શેરો અંગે ચેતવણી આપી છે. તેમની સલાહ છે કે અત્યારે IT શેરોમાં ખરીદી કરવાનો કે SIP શરૂ કરવાનો કોઈ જ અર્થ નથી. ઘણા રોકાણકારોને એમ લાગે છે કે ભાવ ઘટ્યા છે તો ‘બોટમ ફિશિંગ' (સસ્તા ભાવે ખરીદી) કરી લઈએ, પરંતુ અનુજ સિંઘલના મતે આ સમય તે માટેનો નથી.
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, "IT શેરોમાં જ્યારે પણ ઉછાળો (Rally) આવે, ત્યારે તમારી ફસાયેલી પોઝિશન્સમાંથી નીકળી જવું જોઈએ. અહીંથી મોટો પૈસો કમાવવો હોય તો તે શોર્ટ સાઈડ (વેચવા પર) પર જ બનશે. વેલ્યુએશન સસ્તા છે એવું માનીને ખરીદી કરવાની ભૂલ ન કરશો."
એન્થ્રોપિક: માત્ર 2700 કર્મચારીઓ અને માર્કેટ કેપ ભારતીય કંપનીઓથી વધારે!
ભારતીય IT કંપનીઓ હજારો-લાખો કર્મચારીઓ ધરાવે છે, પરંતુ અમેરિકાની એક નાની કંપની તેમને હંફાવી રહી છે. ‘એન્થ્રોપિક' (Anthropic) નામની આ કંપનીમાં માત્ર 2700 કર્મચારીઓ કામ કરે છે. છતાં નવાઈની વાત એ છે કે, એન્થ્રોપિકનું માર્કેટ કેપ ભારતની ટોચની 5 IT કંપનીઓના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધારે થઈ ગયું છે.
એડલવાઈસના પ્રેસિડન્ટ અજય શર્માએ અનુજ સિંઘલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એન્થ્રોપિકનું વેલ્યુએશન 380 અબજ ડોલર જેટલું છે. દુનિયામાં અત્યારે માત્ર 5 કંપનીઓ જ એવી છે જે ગ્લોબલ લેવલે AI બનાવી રહી છે (4 અમેરિકાની અને 1 ચીનની). આ બદલાવ ભારતીય IT સર્વિસ કંપનીઓ પર બહુ ભારે પડી શકે છે.
Nvidiaનો તોતિંગ ગ્રોથ અને ભારત સામે પડકાર
એક તરફ ભારતીય IT કંપનીઓ 1-2 ટકાના ગ્રોથ માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ અમેરિકન ટેક દિગ્ગજ Nvidia એ ચોંકાવનારા પરિણામો આપ્યા છે. Nvidia ની આવક વાર્ષિક ધોરણે 73% વધીને 68.13 અબજ ડોલર થઈ છે. કંપનીનો EPS (શેર દીઠ કમાણી) પણ 1.62 ડોલર રહ્યો છે, જે અંદાજ કરતાં ઘણો સારો છે.
અનુજ સિંઘલ પ્રશ્ન ઉઠાવે છે કે, "જ્યારે Nvidia જેવી કંપની એટલા મોટા બેઝ પર પણ 73%નો ગ્રોથ બતાવી રહી હોય, તો કોઈ વિદેશી રોકાણકાર (FII) શા માટે 1-2% ગ્રોથ કરતી ભારતીય કંપનીમાં પૈસા રોકશે?"
ભવિષ્ય શું છે?
નિષ્ણાતોના મતે ભારતીય IT મોડલ હવે ખતમ થવા જઈ રહ્યું છે. જો કંપનીઓ પોતાને ધરમૂળથી બદલશે નહીં તો તેમનું ટકી રહેવું મુશ્કેલ છે. ભવિષ્યમાં આ સેક્ટરમાંથી માત્ર 2 કે 3 કંપનીઓ જ બચશે જે સારું પ્રદર્શન કરી શકશે. તેથી, અત્યારે આંખ બંધ કરીને આખા IT સેક્ટરમાં રોકાણ કરવાનો (બાસ્કેટ અપ્રોચ) કોઈ ફાયદો નથી.
જો તમારી પાસે IT શેરો છે, તો બજારના ઉછાળે નફો બુક કરવો અથવા નુકસાન ઘટાડીને નીકળવું અત્યારે શાણપણ ભર્યું પગલું ગણી શકાય.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.