આદિત્ય બિરલા ગ્રુપે વાયર અને કેબલ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 1800 કરોડના રોકાણ અને ભરૂચના હાઇ-ટેક પ્લાન્ટ સાથે 'UltraVolt' બ્રાન્ડ લોન્ચ કરી. જાણો કંપનીનો ભવિષ્યનો પ્લાન.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, વાયર અને કેબલ ઇન્ડસ્ટ્રી ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
ભારતીય વાયર અને કેબલ માર્કેટમાં એક મોટો બદલાવ આવવાની તૈયારી છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના નેતૃત્વવાળા આદિત્ય બિરલા ગ્રુપે આ સેક્ટરમાં મોટી એન્ટ્રી કરી છે. કંપનીએ 'અલ્ટ્રાવોલ્ટ' બ્રાન્ડ નામથી પોતાનો નવો વાયર અને કેબલ બિઝનેસ શરૂ કર્યો છે. આ મોટા પ્રોજેક્ટ માટે શરૂઆતમાં જ 1800 કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચમાં હાઇ-ટેક પ્લાન્ટ, 5 વર્ષમાં ટોપ 2 માં આવવાનો ટાર્ગેટ
આ નવો બિઝનેસ ગ્રુપની મુખ્ય કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ગુજરાતના ભરૂચમાં એક અત્યાધુનિક હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પોતાની જંગી ઉત્પાદન ક્ષમતાના આધારે, લોન્ચ થતાની સાથે જ 'અલ્ટ્રાવોલ્ટ' દેશની બીજી સૌથી મોટી વાયર કંપની બની ગઈ છે. કંપનીનો ટાર્ગેટ આગામી 5 વર્ષમાં આ સેક્ટરની ટોચની 2 કંપનીઓમાં સામેલ થવાનો છે. નોંધનીય છે કે, સિમેન્ટ અને બિલ્ડિંગ પ્રોડક્ટ્સ બાદ છેલ્લા 3 વર્ષમાં બિરલા ગ્રુપનો આ ચોથો નવો મોટો બિઝનેસ છે.
કુમાર મંગલમ બિરલાએ શું કહ્યું?
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, વાયર અને કેબલ ઇન્ડસ્ટ્રી ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, "આગામી એક દાયકામાં 10 કરોડથી વધુ નવા ઘરો બનવા જઈ રહ્યા છે. આ ઉપરાંત પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ અને ઝડપથી વધી રહેલા ડેટા સેન્ટર્સના કારણે આ સેક્ટરમાં મોટો ઉછાળો આવશે. નવા બિઝનેસ શરૂ કરવા એ હવે અમારા ગ્રુપના DNAનો એક અભિન્ન ભાગ બની ગયું છે."
ગામડે-ગામડે પહોંચવા માટે બનાવ્યું મજબૂત નેટવર્ક
કંપનીએ લોન્ચિંગ સાથે જ દેશભરમાં પોતાનો માલ પહોંચાડવા માટે એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શરૂઆતમાં જ દેશના 500 થી વધુ જિલ્લાઓ અને 6000 થી વધુ પિનકોડ સુધી નેટવર્ક ફેલાવવામાં આવશે. 1 લાખથી વધુ રિટેલ વેપારીઓ સુધી પહોંચ બનાવવાનો ટાર્ગેટ છે. 'અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ' ના 5000 થી વધુ આઉટલેટ્સ દ્વારા પણ પ્રોડક્ટ્સનું વેચાણ વધારવામાં આવશે. અલ્ટ્રાવોલ્ટના ડિરેક્ટર દિલીપ ગૌડના જણાવ્યા અનુસાર, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ઝડપી સપ્લાય આપવા માટે દેશભરમાં 20 થી વધુ વેરહાઉસ ઊભા કરવામાં આવ્યા છે.
ઘરથી લઈને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેના કેબલ્સ મળશે
અલ્ટ્રાવોલ્ટના CEO શ્રીરામ રંગરાજનના જણાવ્યા મુજબ, કંપની ગ્રાહકોની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને કામ કરશે. શરૂઆતના તબક્કામાં હોમ વાયર્સ, ફ્લેક્સિબલ વાયર્સની સાથે સાથે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેના કેબલ્સ બજારમાં મુકવામાં આવ્યા છે. ભવિષ્યમાં કંપની ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝના ક્ષેત્રમાં પણ પોતાનો વ્યાપ વધારવાની પૂરી તૈયારી કરી રહી છે.