LIC Bonus Issue: શેરધારકોની થશે ચાંદી! 1 શેર પર મળશે 1 શેર ફ્રી, જાણો ક્યારે આવશે બોનસ અને અત્યાર સુધી કેવી રહી શેરની ચાલ
LIC Bonus Issue: LIC એ તેના શેરધારકો માટે 1:1 બોનસ શેરની મોટી જાહેરાત કરી છે. જાણો ક્યારે શેરધારકોના ખાતામાં ફ્રી શેર જમા થશે, શું છે રેકોર્ડ ડેટ અને કંપનીના લેટેસ્ટ નાણાકીય પરિણામોની વિગતો.
LIC Bonus Issue: LIC એ તેના શેરધારકો માટે 1:1 બોનસ શેરની મોટી જાહેરાત કરી છે.
LIC Bonus Issue: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના શેરધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. શેરબજારમાં લિસ્ટિંગ થયાના લગભગ ચાર વર્ષ બાદ, LIC એ પહેલીવાર તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપવાની જાહેરાત કરી છે. 13 એપ્રિલના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
1 પર 1 શેર મળશે ફ્રી
LIC દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, કંપની 1:1ના રેશિયોમાં બોનસ શેર આપશે. આનો અર્થ એ છે કે જે રોકાણકારો પાસે LIC નો 1 શેર હશે, તેમને વધારાનો 1 શેર મફતમાં મળશે. જોકે, કંપનીએ હજુ સુધી આ બોનસ ઈશ્યુ માટેની ‘રેકોર્ડ ડેટ' જાહેર કરી નથી, પરંતુ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 12 જૂન 2026 સુધીમાં બોનસ શેર શેરધારકોના ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે.
કંપની પાસે હાલમાં મજબૂત રિઝર્વ ફંડ છે. ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ, LIC ના રિઝર્વ એન્ડ સરપ્લસમાં 1.46 લાખ કરોડ (14,64,40,57,68,371) રૂપિયા જમા છે.
કેવી છે LICની આર્થિક તબિયત?
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માં LIC એ શાનદાર દેખાવ કર્યો છે.
ચોખ્ખો નફો: વાર્ષિક ધોરણે 17.4% વધીને 12,930.44 કરોડ રૂપિયા થયો છે.
પ્રીમિયમ આવક: કંપનીની નેટ પ્રીમિયમ આવક પણ 17.4%ના ઉછાળા સાથે 1,25,988.15 કરોડ રૂપિયા પર પહોંચી છે.
કુલ આવક: વાર્ષિક 2,01,994 કરોડ રૂપિયાથી વધીને 2,33,984 કરોડ રૂપિયા નોંધાઈ છે.
નવો બિઝનેસ: નવા બિઝનેસ પ્રીમિયમમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળી છે, જે 7,285 કરોડથી વધીને 10,605 કરોડ રૂપિયા થયો છે.
લિસ્ટિંગથી અત્યાર સુધી શેરની સફર
LICનો આઈપીઓ (IPO) 17 મે 2022ના રોજ માર્કેટમાં આવ્યો હતો. રોકાણકારોને 949 રૂપિયાના ભાવે શેર ફાળવવામાં આવ્યા હતા, પરંતુ લિસ્ટિંગ 8% ડિસ્કાઉન્ટ સાથે નબળું રહ્યું હતું.
રેકોર્ડ લો: 29 માર્ચ 2023ના રોજ શેર 530.20 રૂપિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
રેકોર્ડ હાઈ: ત્યારબાદ શેરમાં રિકવરી આવી અને 1 ઓગસ્ટ 2024ના રોજ તે 1,221.50 રૂપિયાની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
હાલની સ્થિતિએ શેર તેના ઈશ્યુ પ્રાઈસ (949)થી લગભગ 15.25% નીચે અને રેકોર્ડ હાઈથી 34.16% નીચે ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ તેના સૌથી નીચલા સ્તર (530.20)થી અત્યાર સુધીમાં 51.69%ની રિકવરી નોંધાવી ચૂક્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 0.71%ના વધારા સાથે 804.25 રૂપિયા પર બંધ થયો હતો.
LIC દ્વારા બોનસ શેરની જાહેરાત લાંબા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, શેર હાલમાં તેની ઉચ્ચતમ સપાટીથી નીચે છે, પરંતુ કંપનીના મજબૂત ત્રિમાસિક પરિણામો અને વિશાળ રિઝર્વ ફંડ રોકાણકારોનો ભરોસો વધારી રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.