કેન્યામાં બેંક ઓફ બરોડાને મોટો ફટકો: ગુજરાતી ઉદ્યોગપતિને 2210 કરોડ ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ
Bank of Baroda Kenya: કેન્યામાં બેંક ઓફ બરોડા મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. નાયરોબી હાઈકોર્ટે ગુજરાતી ઉદ્યોગપતિ અશોક શાહની કંપનીને 2210 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આખો વિવાદ.
નાયરોબીની હાઈકોર્ટે બેંક ઓફ બરોડાને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અશોક રૂ૫શી શાહની માલિકીની કંપની 'ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક લિમિટેડ'ને 2210 કરોડ એટલે કે લગભગ 2.996 અબજ કેન્યા શિલિંગ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Bank of Baroda Kenya: ભારતની અગ્રણી સરકારી બેંકોમાંની એક, બેંક ઓફ બરોડા વિદેશી ધરતી પર એક મોટી કાનૂની અને નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. યુએઈમાં એનએમસી હેલ્થ (NMC Health)ના કેસમાં 5700 કરોડનું મોટું સેટલમેન્ટ કર્યા બાદ, હવે બેંકને પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં મોટો ઝટકો લાગ્યો છે.
નાયરોબીની હાઈકોર્ટે બેંક ઓફ બરોડાને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અશોક રૂ૫શી શાહની માલિકીની કંપની 'ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક લિમિટેડ'ને 2210 કરોડ એટલે કે લગભગ 2.996 અબજ કેન્યા શિલિંગ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાએ બેંકના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
શું છે આખો વિવાદ?
આ સમગ્ર મામલો નાયરોબીના ઈસ્ટર્ન બાય-પાસ પાસે બની રહેલા એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્કે પોતાના વેરહાઉસ ડેવલપમેન્ટ માટે બેંક ઓફ બરોડા (કેન્યા) લિમિટેડ પાસેથી કોમર્શિયલ લોન લીધી હતી. નિયમ મુજબ, કંપનીએ પોતાની પ્રોજેક્ટની જમીન બેંક પાસે ગીરવે (મોર્ગેજ) મૂકી હતી. પરંતુ સમય જતાં બંને પાર્ટીઓ વચ્ચે સંબંધો બગડ્યા અને મામલો કોર્ટમાં પહોંચ્યો.
કંપનીએ બેંક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
* બેંકે જમીનના અગત્યના ટાઇટલ દસ્તાવેજો પોતાની પાસે રોકી રાખ્યા.
* પ્રોપર્ટીના ઉપયોગમાં ફેરફાર કરવા માટે જોઈતી મંજૂરીઓમાં જાણીજોઈને વિલંબ કર્યો.
* કંપનીનો દાવો છે કે બેંકની આડોડાઈને કારણે તેમનો રોકડ પ્રવાહ ખોરવાઈ ગયો અને પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ શક્યો નહીં.
કોર્ટે કેમ આપ્યો 'ડિફોલ્ટ જજમેન્ટ'?
શરૂઆતમાં, ડેવલપરે બેંકને પ્રોજેક્ટનો કબજો લેતી અટકાવવા કોર્ટ પાસે સ્ટે માંગ્યો હતો. પરંતુ આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે બેંક ઓફ બરોડાએ કોર્ટે આપેલી સમયમર્યાદામાં પોતાનો બચાવ પક્ષ રજૂ જ ન કર્યો.
બેંકની આ કાનૂની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે હાઈકોર્ટે બેંક વિરુદ્ધ 'ડિફોલ્ટ જજમેન્ટ' સંભળાવી દીધો. જસ્ટિસ પીટર મુલ્વાએ બેંકની કામગીરી પર સવાલ ઉઠાવતા આ ચુકાદો રદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરિણામે, કોર્ટે કંપનીના નુકસાન પેટે 2.996 અબજ કેન્યા શિલિંગના દાવાને મંજૂરી આપી દીધી.
બેંકની મુશ્કેલીઓમાં સતત વધારો
ચુકાદો આવ્યા બાદ પણ મામલો શાંત નથી પડ્યો. બેંકે વિવાદાસ્પદ રીતે એડમિનિસ્ટ્રેટર્સની નિમણૂક કરી છે, જેને લઈને કોર્ટના આદેશોના ભંગનો નવો વિવાદ શરૂ થયો છે અને કાનૂની લડાઈ હજુ પણ નાયરોબી હાઈકોર્ટમાં ચાલી રહી છે.
તાજેતરમાં એનએમસી હેલ્થના $600 મિલિયન (આશરે 5700 કરોડ) ના સેટલમેન્ટ બાદ કેન્યાનો આ 2210 કરોડનો નવો ફટકો બેંક ઓફ બરોડા માટે ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમ બેંકના વિદેશી જોખમ સંચાલન અને આંતરરાષ્ટ્રીય કાનૂની બાબતોને સંભાળવાની નીતિ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.