મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારતની વાર્તાઓ એકતા, પ્રેરણા અને સમૃદ્ધિની ક્ષમતા ધરાવે છે, જે ઉજ્જવળ ભવિષ્યની આશા જગાડે છે. ભારતનો મનોરંજન અને સાંસ્કૃતિક ઉદ્યોગ માત્ર ‘સોફ્ટ પાવર’ નથી, પરંતુ તે વાસ્તવિક શક્તિ છે. 5,000 વર્ષથી વધુ જૂની ભારતીય સંસ્કૃતિની વિરાસતમાં રામાયણ, મહાભારતથી લઈને ડઝનબંધ ભાષાઓમાં લોકકથાઓ અને ગ્રંથો સુધીનો કાલાતીત વાર્તાઓનો વિશાળ ખજાનો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ આગામી દાયકામાં ત્રણ ગણાથી વધુ ગ્રોથ પામીને 100 અબજ ડોલરનો બનવાની ક્ષમતા ધરાવે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ આગામી દાયકામાં ત્રણ ગણાથી વધુ ગ્રોથ પામીને 100 અબજ ડોલરનો બનવાની ક્ષમતા ધરાવે છે. આ ગ્રોથ લાખો નોકરીઓનું સર્જન કરશે અને વિવિધ સેક્ટર્સ પર તેની વ્યાપક અસર પડશે. ‘વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ’ (WAVES 2025)ના ઉદ્ઘાટન સત્રમાં બોલતાં અંબાણીએ કહ્યું કે, હાલમાં ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ 28 અબજ ડોલરનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સ્ટોરી કહેવાની પરંપરા અને ડિજિટલ ટેક્નોલોજીનું સંયોજન દેશ માટે અનોખું છે, જે આર્થિક અને વ્યૂહાત્મક તકો ઊભી કરે છે.
વડાપ્રધાન મોદીનો આભાર
WAVES 2025 કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ વડાપ્રધાનનો આભાર માનતાં કહ્યું, “આજે તમારી હાજરીથી અમે ખરેખર ગૌરવ અને આભાર અનુભવીએ છીએ. અમે તમારી અસાધારણ જવાબદારીઓથી વાકેફ છીએ, ખાસ કરીને તાજેતરમાં પહેલગામમાં થયેલા નિર્દય આતંકવાદી હુમલા બાદ. તેમ છતાં, તમારું અહીં આગમન આશા, એકતા અને અડગ સંકલ્પનો મજબૂત સંદેશ આપે છે. અમે અહીં એકઠા થયેલા તમામ લોકો પીડિત પરિવારો પ્રતિ હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદીજી, શાંતિ, ન્યાય અને માનવતાના દુશ્મનો સામેની આ લડાઈમાં 145 કરોડ ભારતીયોનો સંપૂર્ણ સમર્થન તમારી સાથે છે. તેમનો પરાજય નિશ્ચિત છે, અને ભારતની જીત પણ નિશ્ચિત છે.”
ટેક્નોલોજીનો મહત્વનો ટેકો
અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક અગ્રણી ડિજિટલ દેશ બની ગયો છે. વાર્તા કહેવાની કળા અને ડિજિટલ ટેક્નોલોજીનું મિશ્રણ ભારતને વિશિષ્ટ બનાવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ‘ઈમર્સિવ ટેક્નોલોજી’ (ડિજિટલ દુનિયામાં જીવંત અનુભવ આપતી ટેક્નોલોજી) જેવાં સાધનો ભારતીય વાર્તાઓને વધુ આકર્ષક બનાવી શકે છે અને તેને તાત્કાલિક વિવિધ ભાષાઓ, દેશો અને સંસ્કૃતિઓના દર્શકો સુધી પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે આ સાધનોમાં નિપુણતા મેળવીને ભારતના પ્રતિભાશાળી યુવા સર્જકો હિટ ફિલ્મો દ્વારા વૈશ્વિક મનોરંજન ઉદ્યોગ પર રાજ કરી શકે છે.
વાર્તાઓનો અમૂલ્ય ખજાનો
મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારતની વાર્તાઓ એકતા, પ્રેરણા અને સમૃદ્ધિની ક્ષમતા ધરાવે છે, જે ઉજ્જવળ ભવિષ્યની આશા જગાડે છે. ભારતનો મનોરંજન અને સાંસ્કૃતિક ઉદ્યોગ માત્ર ‘સોફ્ટ પાવર’ નથી, પરંતુ તે વાસ્તવિક શક્તિ છે. 5,000 વર્ષથી વધુ જૂની ભારતીય સંસ્કૃતિની વિરાસતમાં રામાયણ, મહાભારતથી લઈને ડઝનબંધ ભાષાઓમાં લોકકથાઓ અને ગ્રંથો સુધીનો કાલાતીત વાર્તાઓનો વિશાળ ખજાનો છે. આ વાર્તાઓ વિશ્વભરના લોકોના હૃદયને સ્પર્શે છે, કારણ કે તેમાં સાર્વભૌમિક માનવીય મૂલ્યો, ભાઈચારો, કરુણા, સાહસ, પ્રેમ, સૌંદર્ય અને પ્રકૃતિની સંભાળનો સમાવેશ થાય છે.
વૈશ્વિક સ્તરે ભારતીય વાર્તાઓ
અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ દેશ ભારતની વાર્તા કહેવાની ક્ષમતા સાથે સરખામણી કરી શકે નહીં. તેમણે કહ્યું, “આવો, મોટા આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા સાથે આપણી વાર્તાઓને વૈશ્વિક સ્તરે લઈ જઈએ, જેથી વિભાજિત દુનિયાને વધુ સારી બનાવી શકીએ.” તેમણે ઉમેર્યું કે પ્રાચીન ભારત આધુનિક ટેક્નોલોજીની શક્તિથી અભૂતપૂર્વ કાયાપલટનો અનુભવ કરી રહ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી ભારતીય વાર્તાઓ વૈશ્વિક દર્શકો સુધી પહોંચી શકે છે અને દેશની સાંસ્કૃતિક અને આર્થિક શક્તિને વધારી શકે છે.