'બેંકો ફિટ અને ઇકોનોમી હિટ...'અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, કહ્યું- 'ભારતને પોતાની તાકાત પર ગર્વ હોવો જોઈએ' | Moneycontrol Gujarati
Get App

'બેંકો ફિટ અને ઇકોનોમી હિટ...'અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, કહ્યું- 'ભારતને પોતાની તાકાત પર ગર્વ હોવો જોઈએ'

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશની બેંકો સારી સ્થિતિમાં છે અને ઇકોનોમી એકદમ મજબૂત છે.

અપડેટેડ 05:14:24 PM Nov 02, 2026 પર
Story continues below Advertisement
નાણામંત્રીએ કહ્યું કે, દેશનો સતત વિકસી રહેલો મધ્યમ વર્ગ અને તેની વધતી જતી ખરીદ શક્તિ (Purchasing Power) એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની આર્થિક સ્થિતિને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતના બજારો અને અર્થવ્યવસ્થાની મજબૂતી પાછળ અહીંના લોકોની અથાગ મહેનત, વિશાળ સ્થાનિક બજાર અને મધ્યમ વર્ગની વધતી જતી ખરીદ શક્તિનો સૌથી મોટો હાથ છે.

નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ભારતે પોતાની આર્થિક તાકાત અને ક્ષમતાઓ પર વધુ ભરોસો રાખવાની તેમજ આશાવાદી બનવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલમાં દેશની બેંકો ખૂબ જ સારી સ્થિતિમાં છે અને ભારતીય અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે મજબૂત બની રહેલી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણની 5 મોટી વાતો

1. રાજકીય સ્થિરતા અને મજબૂત સપ્લાય ચેન

નાણામંત્રીએ જણાવ્યું કે, દેશમાં રહેલી રાજકીય સ્થિરતા અને ગરીબી દૂર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સતત પ્રયાસો ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. દેશમાં સમયસર મળી રહેલા ઈંધણનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ભારતની સપ્લાય ચેન સંપૂર્ણપણે વ્યવસ્થિત અને મજબૂત છે.


2. મધ્યમ વર્ગની વધતી ખરીદ શક્તિ

સીતારમણે કહ્યું કે દેશનો સતત વિકસી રહેલો મધ્યમ વર્ગ અને તેની વધતી જતી ખરીદ શક્તિએ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ તાકાત જ દરેક વૈશ્વિક પડકારોની વચ્ચે પણ દેશની આર્થિક ગતિને જાળવી રાખે છે.

3. 2047 સુધીમાં 'તમામ માટે વીમો' સરકારનું મુખ્ય લક્ષ્ય

નાણામંત્રીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, વર્ષ 2047 સુધીમાં દેશના દરેક નાગરિક સુધી વીમાનું સુરક્ષા કવચ પહોંચાડવું એ સરકારનો મુખ્ય ટાર્ગેટ છે. સામાન્ય લોકોને પોસાય તે માટે સરકારી યોજનાઓ હેઠળ વીમાનું પ્રીમિયમ ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમાજના દરેક વર્ગને સરળતાથી લોન મળી રહે તે નાણાકીય સમાવેશની મુખ્ય પ્રાથમિકતા છે.

4. AI ના યુગમાં યુવાનોના સ્કિલિંગ પર ખાસ ભાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં બદલાતી જતી કામ કરવાની પદ્ધતિ અંગે નાણામંત્રીએ ચિંતા વ્યક્ત કરવાની સાથે તેનો ઉકેલ પણ સૂચવ્યો હતો. તેમણે કહ્યું કે, ભવિષ્યના પડકારોને પહોંચી વળવા અને AI આધારિત નવી નોકરીઓ માટે દેશના યુવાનોને તૈયાર કરવા માટે તેમના સ્કિલિંગ (કૌશલ્ય વિકાસ) પર વિશેષ ધ્યાન આપવાની તાતી જરૂર છે.

5. બોન્ડ યીલ્ડ પર SBI રિસર્ચનો રિપોર્ટ

આ દરમિયાન SBI રિસર્ચના એક રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, વ્યાજ દરોમાં સંભવિત વધારાની શક્યતાઓ હોવા છતાં, માર્ચ મહિના સુધીમાં ભારતનું 10-વર્ષીય બોન્ડ યીલ્ડ નરમ પડીને 6.75% થી 7% ની રેન્જમાં આવી શકે છે.

આ પણ વાંચો-SIP Calculator: માત્ર 2,000ની માસિક SIP થી 10, 15 અને 20 વર્ષમાં કેટલા લાખનું ફંડ બનશે? સમજો સંપૂર્ણ ગણતરી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 5:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.