ખાદ્ય પેકેટ પર હવે મીઠું, ખાંડ અને ચરબી માટે અલગ વોર્નિંગ લેબલ, સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડના પેકેટ પર હાઈ સોલ્ટ, હાઈ શુગર અને હાઈ ફેટ માટે અલગ-અલગ હેક્સાગોન વોર્નિંગ લેબલ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ FSSAIએ એક જ સંયુક્ત લેબલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નિર્ણયથી PepsiCo, Coca-Cola, Nestlé અને Mondelez જેવી કંપનીઓ પર અસર થઈ શકે છે. બીજી તરફ, બિસલેરીના એક સેમ્પલમાં અસુરક્ષિત કેમિકલ મળ્યાના અહેવાલ બાદ FSSAIએ બોટલ્ડ વોટર ઉદ્યોગની તપાસ વધારવા રાજ્યોને સૂચના આપી છે. બિસલેરીએ જોકે પોતાનું પાણી સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પેકેજ્ડ ફૂડ પર હાઈ સોલ્ટ, શુગર અને ફેટ માટે અલગ વોર્નિંગ લેબલની જોગવાઈ કડક બનશે. સાથે જ બોટલ્ડ વોટર ઉદ્યોગની તપાસ વધારવાની તૈયારી છે.
ભારતીય સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ કંપનીઓ માટે લેબલિંગના નિયમો વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે ખાદ્ય પદાર્થોના પેકેટના આગળના ભાગમાં વધુ મીઠું (High Salt), ખાંડ (High Sugar) અને ફેટ (High Fat) ધરાવતા દરેક ન્યુટ્રિએન્ટ માટે અલગ-અલગ ચેતવણી લેબલ લગાવવાની જરૂર પડશે. કોર્ટે સરકારના અગાઉના પ્રસ્તાવને વધુ કડક બનાવ્યો છે, જેમાં માત્ર એક જ સંયુક્ત વોર્નિંગ લેબલની વાત હતી.
રોયટર્સના અહેવાલ અનુસાર, ગુરુવારે સુપ્રીમ કોર્ટે સરકારને નિયમોમાં વધુ કડકાઈ લાવવા જણાવ્યું હતું. કોર્ટના નિર્દેશ પ્રમાણે, પેકેટના આગળના ભાગમાં હાઈ સોલ્ટ, હાઈ શુગર અને હાઈ ફેટ માટે અલગ-અલગ ષટ્કોણ (Hexagon) આકારના વોર્નિંગ લેબલ હોવા જોઈએ. અગાઉ ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI)એ માત્ર એક જ લેબલ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારદીવાલાએ જણાવ્યું હતું કે, દરેક ચિંતાજનક ન્યુટ્રિએન્ટ માટે અલગ હેક્સાગોન વોર્નિંગ હોવી જોઈએ. તેના પર High Fat, High Sugar અથવા High Salt સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ, માત્ર એક સંયુક્ત લેબલ પૂરતું નથી. કોર્ટે એ પણ સૂચવ્યું છે કે વધુ ખાંડ અને ફેટ ધરાવતા ઘટકોની તસવીરો પણ ચેતવણી લેબલમાં હોવી જોઈએ.
ફૂડ અને બેવરેજ કંપનીઓ માટે મોટો પડકાર
આ નિર્ણય PepsiCo, Mondelez, Coca-Cola અને Nestlé જેવી મોટી ફૂડ તથા બેવરેજ કંપનીઓ માટે પડકારરૂપ બની શકે છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ લાંબા સમયથી આવા વોર્નિંગ લેબલનો વિરોધ કરતી રહી છે. ભારત વિદેશી કંપનીઓ માટે મોટા ગ્રાહક બજારોમાંથી એક છે. નવા નિયમોથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સના વેચાણ પર અસર થવાની શક્યતા છે.
પેકેજ્ડ પાણી અંગે પણ તપાસ વધારાશે
રોયટર્સના અન્ય અહેવાલ મુજબ, FSSAIએ તમામ રાજ્યોને ગુપ્ત સૂચના આપીને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટર ઉદ્યોગની દેખરેખ તથા તપાસ વધારવા જણાવ્યું છે. બોટલ્ડ પાણીની સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
બિસલેરીના એક સેમ્પલમાં એવા કેમિકલ મળી આવ્યા હતા, જેના અંગે આરોગ્ય એજન્સીઓનું કહેવું છે કે તે કેન્સરનું જોખમ ઊભું કરી શકે છે. આ ઘટના બાદ તપાસ વધારવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બિસલેરીએ દાવો કર્યો છે કે તેનું પાણી પીવા માટે સુરક્ષિત છે અને કંપનીની પોતાની તપાસમાં કોઈ સમસ્યા મળી નથી.
નવી તપાસ વ્યવસ્થાથી PepsiCo, Tata Consumer અને Coca-Cola સહિતની કંપનીઓ પર નિયમનકારી દેખરેખ વધવાની શક્યતા છે.