RBI Monetary Policy: સામાન્ય માણસને મોટી રાહત, RBIએ રેપો રેટ 5.25% પર રાખ્યો સ્થિર- નહીં વધે તમારી હોમ અને કાર લોનની EMI
RBIએ રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત બાદ સ્પષ્ટ થયું છે કે તમારી હોમ અને કાર લોનની EMI નહીં વધે. જાણો પોલિસીની તમામ વિગતો.
તમને જણાવી દઈએ કે, RBI ની આ મહત્વપૂર્ણ બેઠક 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી. જેમાં સ્થાનિક અને વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને જિયો-પોલિટિકલ સ્થિતિ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સામાન્ય માણસ માટે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. જો તમે હોમ લોનકે કાર લોન લીધી છે અને દર મહિને હપ્તો ભરો છો, તો તમારે હાલ પૂરતી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. RBI ની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરોમાં કોઈ જ ફેરફાર ન કરવાનો મોટો નિર્ણય લીધો છે.
રેપો રેટ 5.25% પર સ્થિર, પણ કોઈ નવી રાહત નહીં
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે પોલિસીના નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું છે કે, વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રેપો રેટને 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે બેંકોના વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય અને તમારી દર મહિનાની EMI પણ નહીં વધે. જોકે, લોનના વ્યાજ દરોમાં કોઈ ઘટાડો પણ કરવામાં આવ્યો નથી, એટલે કે ગ્રાહકોને EMI માં કોઈ ઘટાડાની નવી રાહત મળી નથી. મનીકંટ્રોલના એક પોલમાં અર્થશાસ્ત્રીઓએ પહેલેથી જ અંદાજ લગાવ્યો હતો કે RBI પોતાનું વલણ 'ન્યુટ્રલ' રાખશે અને રેટ જાળવી રાખશે.
ડિસેમ્બર 2025 પછી વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં
તમને જણાવી દઈએ કે, RBIની આ મહત્વપૂર્ણ બેઠક 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી. જેમાં સ્થાનિક અને વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને જિયો-પોલિટિકલ સ્થિતિ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આખા વર્ષ દરમિયાન સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ડિસેમ્બર 2025 માં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
મોંઘવારી અને GDP અંગે RBI નું શું કહેવું છે?
મોંઘવારી દર: જૂનની પોલિસીમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને જોઈને RBI એ મોંઘવારી દરનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો હતો. આ વખતે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ગ્રોથ રેટ: RBI એ દેશના GDP ગ્રોથનો અંદાજ 6.6 ટકા રાખ્યો છે. જોકે, SBI રિસર્ચનું માનવું છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશનો ગ્રોથ 7 ટકાની આસપાસ રહી શકે છે.
વિદેશી મૂડી: દેશમાં વિદેશી મૂડીનો પ્રવાહ વધારવા માટે RBI એ લીધેલા પગલાંની સારી અસર દેખાઈ છે. જુલાઈના અંત સુધીમાં FCNR(B) 60 અબજ ડોલरને પાર કરી ગયું છે. જેમાં સૌથી મોટો હિસ્સો, એટલે કે 4.12 અબજ ડોલર માત્ર SBI પાસે આવ્યો છે.
ભવિષ્યમાં EMI વધવાનો ખતરો યથાવત
ભલે અત્યારે વ્યાજદરો નથી વધ્યા, પણ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવનારો સમય પડકારજનક હોઈ શકે છે. RBI ની સીધી નજર હાલમાં કાચા તેલની કિંમતો પર ટકેલી છે. યુદ્ધ પહેલાના સમય કરતા અત્યારે ક્રૂડના ભાવ ઘણા વધારે છે, જે ભારત માટે મોટો ચિંતાનો વિષય છે.