રોયલ એનફિલ્ડનો EV પર મોટો દાવ: તમિલનાડુ સરકાર સાથે કર્યા 1,000 કરોડના MoU, 500 લોકોને મળશે નવી નોકરીઓ | Moneycontrol Gujarati
Get App

રોયલ એનફિલ્ડનો EV પર મોટો દાવ: તમિલનાડુ સરકાર સાથે કર્યા 1,000 કરોડના MoU, 500 લોકોને મળશે નવી નોકરીઓ

રોયલ એનફિલ્ડે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે તમિલનાડુ સરકાર સાથે 1,000 કરોડના MoU કર્યા છે. 500 નોકરીઓ ઊભી થશે અને વાર્ષિક ક્ષમતા 20 લાખ બાઇક થશે. જાણો વિગતો.

અપડેટેડ 05:46:12 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
નોંધનીય છે કે આ અગાઉ પણ આઇશર મોટર્સે મે 2012, જાન્યુઆરી 2019 અને જાન્યુઆરી 2024માં તમિલનાડુ સરકાર સાથે મહત્વના MoU કર્યા હતા.

ભારતની પ્રીમિયમ બાઇક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં મોટો ધડાકો કરવાની તૈયારી કરી રહી છે. આઇશર મોટર્સની માલિકી ધરાવતી રોયલ એનફિલ્ડે બુધવારે તમિલનાડુ સરકાર સાથે એક નોન-બાઇન્ડિંગ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ કંપની આગામી 7 વર્ષ દરમિયાન રાજ્યમાં 1,000 કરોડનું મોટું રોકાણ કરશે, જેનાથી રાજ્યમાં 500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.

EV ઇકોસિસ્ટમ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ થશે મજબૂત

આ 1,000 કરોડના રોકાણનો મોટો હિસ્સો રોયલ એનફિલ્ડની EV ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વાપરવામાં આવશે.


આ ફંડિંગનો ઉપયોગ નવા EV પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ, ટેકનોલોજી અપગ્રેડેશન અને જરૂરી મેન્યુફેક્ચરિંગ સેટઅપ તૈયાર કરવા માટે થશે. આ નવો કરાર કંપનીના અગાઉના પ્લાનથી આગળનો તબક્કો છે. અગાઉ કંપનીએ તમિલનાડુના ચેય્યાર પ્લાન્ટમાં બ્રાઉનફિલ્ડ ક્ષમતા વિસ્તરણ માટે ફેબ્રુઆરી 2026 સુધીમાં 958 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ વિસ્તરણ પૂર્ણ થતાં જ રોયલ એનફિલ્ડની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને 20 લાખ મોટરસાઇકલ પર પહોંચી જશે.

તમિલનાડુ છે રોયલ એનફિલ્ડનું ગ્લોબલ હેડક્વાર્ટર

તમિલનાડુ રોયલ એનફિલ્ડની વૈશ્વિક કામગીરીનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. રાજ્યમાં કંપનીના 4 મોટા ઉત્પાદન પ્લાન્ટ્સ આવેલા છે. સાથે જ કંપનીનું હેડક્વાર્ટર અને ટેકનિકલ સેન્ટર પણ અહીં જ કાર્યરત છે.કંપનીની તાજેતરમાં ચર્ચામાં આવેલી 'સિટી+' ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ ફ્લાઇંગ ફ્લીનું સંચાલન વલ્લમ વડાગલ ખાતે આવેલી સ્પેશિયલ EV ઇનોવેશન લેબ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા કરવામાં આવે છે.

આ કરાર અંગે આઇશર મોટર્સ લિમિટેડના એમડી અને રોયલ એનફિલ્ડના સીઈઓ બી. ગોવિંદરાજને જણાવ્યું કે, "તમિલનાડુ દાયકાઓથી અમારું ઘર રહ્યું છે અને અમારી એન્જિનિયરિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ તાકાતનો પાયો છે. આ નવું રોકાણ રાજ્ય પ્રત્યેની અમારી કટિબદ્ધતા અને ઇલેક્ટ્રિક મોબિલિટીના અમારા ભવિષ્યના વિઝનને દર્શાવે છે."

નોંધનીય છે કે આ અગાઉ પણ આઇશર મોટર્સે મે 2012, જાન્યુઆરી 2019 અને જાન્યુઆરી 2024માં તમિલનાડુ સરકાર સાથે મહત્વના MoU કર્યા હતા.

શેરબજારમાં આઇશર મોટર્સના શેરમાં તેજી, 52-વીક હાઈ બનાવ્યો

આ મોટા સમાચાર વચ્ચે શેરબજારમાં આઇશર મોટર્સના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

આજનો બંધ ભાવ: શેર 163.50 (2.00%) ના વધારા સાથે 8,336 પર બંધ થયો હતો.

દિવસની વધઘટ: શેર 8,360 ના 52-વીક હાઈ લેવલને સ્પર્શી ગયો હતો, જ્યારે દિવસનો લો 8,163.50 રહ્યો હતો.

શેરનું પ્રદર્શન: આ શેરે છેલ્લા 1 સપ્તાહમાં 8.26%, 1 મહિનામાં 17.97% અને આ વર્ષે અત્યાર સુધીમાં 14.00% નું વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં 15.48% અને છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 116.57% નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

રોયલ એનફિલ્ડ હવે પેટ્રોલ બાઇકની સાથે સાથે ગ્રીન મોબિલિટીના ક્ષેત્રે પણ અગ્રેસર રહેવા માટે સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. 1,000 કરોડના આ રોકાણથી ભારતમાંથી વૈશ્વિક સ્તરની ઇલેક્ટ્રિક બાઇક્સ તૈયાર થશે અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.

આ પણ વાંચો-Post Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 5:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.