રશિયન તેલની આયાત ઘટી: ભારત હવે સાઉદી અરેબિયા તરફ વળ્યું, જાણો શું થશે પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર?
India Crude Oil Import: રશિયા પરના કડક પ્રતિબંધોને કારણે ભારત હવે તેલ આયાત માટે સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વ તરફ વળ્યું છે. ફેબ્રુઆરીમાં રશિયન તેલની આયાતમાં ઘટાડો નોંધાયો છે. જાણો ભારતની નવી રણનીતિ અને તેની કિંમતો પર શું અસર થશે.
ફેબ્રુઆરી મહિનાના આંકડા જોઈએ તો ભારતની તેલ આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ 18 દિવસોમાં ભારતે રોજના સરેરાશ 4.85 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી.
India Crude Oil Import: ભારત હવે કાચા તેલ (Crude Oil)ની ખરીદીમાં કોઈ ઉતાવળ નથી કરી રહ્યું. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ જે રીતે ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું હતું, તેમાં હવે મોટા ફેરફારો આવી રહ્યા છે. અમેરિકા અને યુરોપિયન દેશોના કડક પ્રતિબંધો (Sanctions)ને કારણે ભારતે હવે પોતાની રણનીતિ બદલી છે અને ફરી એકવાર સાઉદી અરેબિયા તથા મધ્ય પૂર્વના દેશો તરફ દોટ મૂકી છે. શિપિંગ ડેટા અને માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ભલે રશિયાથી હજુ પણ તેલ આવી રહ્યું છે, પરંતુ હવે તે માત્ર કિંમત પર નહીં પણ 'જિયોપોલિટિક્સ' અને આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે નક્કી થઈ રહ્યું છે.
ફેબ્રુઆરીમાં તેલની આયાત 8 ટકા ઘટી
ફેબ્રુઆરી મહિનાના આંકડા જોઈએ તો ભારતની તેલ આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ 18 દિવસોમાં ભારતે રોજના સરેરાશ 4.85 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. જાન્યુઆરીમાં આ આંકડો 5.25 મિલિયન બેરલ પ્રતિદિન હતો. એટલે કે સીધો 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ રશિયાથી આવતા જહાજોમાં થયેલો ઘટાડો છે. અમેરિકાએ રશિયન નિકાસકારો પર કડક નિયમો લાદ્યા છે અને યુરોપિયન યુનિયને પણ તેમનું 18મું સેન્ક્શન પેકેજ લાગુ કરી દીધું છે, જેની સીધી અસર સપ્લાય પર પડી છે.
રશિયન સપ્લાયમાં સતત ઘટાડો
ડેટા મુજબ, ડિસેમ્બરમાં રશિયાથી રોજનું 1.28 મિલિયન બેરલ તેલ આવતું હતું, જે જાન્યુઆરીમાં ઘટીને 1.22 મિલિયન થયું અને ફેબ્રુઆરીની શરૂઆતમાં તે વધુ ઘટીને 1.09 મિલિયન બેરલ પ્રતિદિન પર પહોંચી ગયું છે. કપ્લર (Kpler) ના લીડ એનાલિસ્ટ સુમિત રિટોલિયાના જણાવ્યા મુજબ, માર્ચ મહિનામાં રશિયન તેલની આયાત 8 લાખથી 10 લાખ બેરલ સુધી નીચે જઈ શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે રશિયાથી તેલ આવવાનું બંધ થઈ જશે. 2022 માં જે રીતે ભારતે ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો, તે પીક હવે સ્થિર થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે એક સમજૂતી છે કે અમુક હદ સુધી રશિયન તેલ આવતું રહેશે, પરંતુ હવે માત્ર ‘સસ્તા ભાવ' જોઈને તેલ ખરીદવું મુશ્કેલ છે કારણ કે જહાજોની ઉપલબ્ધતા અને પેમેન્ટના પ્રશ્નો વધી રહ્યા છે.
સાઉદી અરેબિયા ફરી બનશે નંબર વન?
રશિયાથી ઘટતી સપ્લાયની જગ્યા ભરવા માટે મધ્ય પૂર્વના દેશો આગળ આવ્યા છે, જેમાં સાઉદી અરેબિયા સૌથી મોખરે છે. ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાથી 1 મિલિયનથી 1.1 મિલિયન બેરલ તેલ આવવાનો અંદાજ છે. આ નવેમ્બર 2019 પછીનું સૌથી ઉંચું લેવલ છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ, ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયા ભારતનો સૌથી મોટો સપ્લાયર બની શકે છે. ત્યાર બાદ બીજા નંબરે રશિયા અને ત્રીજા નંબરે ઈરાક આવે તેવી શક્યતા છે. યુદ્ધ પછી રશિયાએ ભારતના કુલ ઈમ્પોર્ટનો 40% હિસ્સો કબજે કર્યો હતો, જે હવે ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.
ગુજરાતની વાડીનાર રિફાઇનરી અને પડકારો
આ આખી રમત માં ગુજરાત સ્થિત વાડીનાર રિફાઇનરી મહત્વની છે. આ રિફાઇનરીમાં રશિયન કંપની રોસનેફ્ટ (Rosneft)નો મોટો હિસ્સો છે. યુરોપના પ્રતિબંધોને કારણે અન્ય સપ્લાયરો અહીં તેલ આપતા ખચકાય છે, તેથી આ રિફાઇનરી લગભગ સંપૂર્ણપણે રશિયન તેલ પર નિર્ભર છે. એક્સપર્ટ્સનું માનવું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય તે માટે ભારત રશિયા પાસેથી એટલું તેલ તો લેતું જ રહેશે જેથી રિફાઇનરીઓ ચાલુ રહે.
શું તમારા ખિસ્સા પર અસર થશે?
ભારત જો રશિયન તેલ લેવાનું સાવ બંધ કરે અથવા ખૂબ ઘટાડી દે, તો કાચા તેલની પડતર કિંમતમાં પ્રતિ બેરલ 2 થી 3 ડોલરનો વધારો થઈ શકે છે. રશિયન તેલની ક્વોલિટી આપણી રિફાઇનરીઓને માફક આવે છે અને તે સસ્તું પણ પડે છે. બીજી તરફ, ભારત વેનેઝુએલા પાસેથી પણ ખરીદી વધારી રહ્યું છે, જે સસ્તું છે. પરંતુ વેનેઝુએલા પર પૂરો ભરોસો મૂકી શકાય તેમ નથી કારણ કે ત્યાં ઉત્પાદન ઓછું છે અને સપ્લાયમાં અવરોધો છે. આમ, હાલ ભારતની રણનીતિ સંતુલન જાળવી રાખવાની છે, જેથી મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ન પડે.