ઈન્ડોનેશિયામાં સૌથી મોટો ઓર્ડર રદ થવાના અહેવાલો પર ટાટા મોટર્સે આપી સ્પષ્ટતા, જાણો કંપનીએ શું કહ્યું?
Tata Motors CV: ઈન્ડોનેશિયામાં 70,000 વાહનોનો ઓર્ડર રોકવાના અહેવાલો પર Tata Motors એ મોટું નિવેદન આપ્યું છે. જાણો આ સમાચારની ટાટાના શેર અને નાણાકીય સ્થિતિ પર શું અસર પડશે.
Tata Motors CV: ઈન્ડોનેશિયામાં 70,000 વાહનોનો ઓર્ડર રોકવાના અહેવાલો પર Tata Motors એ મોટું નિવેદન આપ્યું છે.
Tata Motors Indonesia Order: ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સ (Tata Motors CV) ને ઈન્ડોનેશિયામાં મળેલા એક મોટા ઓર્ડરને રોકી દેવામાં આવ્યો હોવાના અહેવાલો છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં ચાલી રહ્યા હતા. હવે આ મામલે કંપનીએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે. સોમવાર, 2 માર્ચના રોજ ટાટા મોટર્સે શેર બજારને સત્તાવાર જાણકારી આપતા કહ્યું છે કે, ઈન્ડોનેશિયાના ઓર્ડર અંગે ચાલી રહેલા સમાચારોની કંપનીના નાણાકીય પ્રદર્શન પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે.
શું છે કંપનીનો ખુલાસો?
કંપનીએ પોતાના નિવેદનમાં સાફ કર્યું છે કે, તેમણે ઈન્ડોનેશિયામાં આવેલી પોતાની સહયોગી કંપની પાસેથી સાચી પરિસ્થિતિ જાણી છે. મીડિયામાં જે અહેવાલો આવી રહ્યા છે, તે ખરેખર ત્યાંની આયાત (ઈમ્પોર્ટ) અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ અંગેની પોલિસીની ચર્ચાને લગતા છે. આ બાબતને કંપનીને મળેલા ઓર્ડરની માંગ કે તેના પૂરા થવાના જોખમ સાથે કોઈ જ લેવાદેવા નથી.
ટાટા મોટર્સે વધુમાં જણાવ્યું કે, "અમને ઓર્ડર અને એડવાન્સ રકમ મળી ચૂક્યા છે. અમે ટૂંક સમયમાં જ વાહનોનું સપ્લાય શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમારા વાયદા મુજબ ધીમે ધીમે ડિલિવરી પૂરી કરીશું."
70,000 વાહનોની ડિલિવરીનો છે મોટો સોદો
અત્રે નોંધનીય છે કે, 10 ફેબ્રુઆરીના રોજ ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેમની સબસિડિયરી કંપની PT ટાટા મોટર્સ ડિસ્ટ્રિબ્યુશન ઈન્ડોનેશિયાએ 70,000 વાહનો સપ્લાય કરવા માટે એક કરાર કર્યો છે. આ ઓર્ડર હેઠળ કંપનીના બે લોકપ્રિય મોડલ સપ્લાય કરવામાં આવશે: યોદ્ધા (Yodha) પિક-અપ અને અલ્ટ્રા T.7 ટ્રક. આ બંને મોડલની 35,000 - 35,000 ગાડીઓ મોકલવામાં આવશે. આ વાહનો ઈન્ડોનેશિયાની સરકારી કંપની PT એગ્રીનાસ પંગન નુસંતારાને આપવામાં આવશે, જે દેશમાં ખેતીની સપ્લાય ચેન સુધારવા અને ફૂડ સિક્યુરિટીના ક્ષેત્રમાં કામ કરે છે. જોકે, આ ડીલ કેટલા રૂપિયાની છે તેનો કોઈ ખુલાસો 10 ફેબ્રુઆરી કે 2 માર્ચના નિવેદનમાં કરવામાં આવ્યો નથી.
બ્લૂમબર્ગના રિપોર્ટથી ઉઠ્યા હતા સવાલો
27 ફેબ્રુઆરીના રોજ બ્લૂમબર્ગે એક રિપોર્ટ છાપ્યો હતો. તેમાં દાવો કરાયો હતો કે કેટલાક પોલિસી મેકર્સના વિરોધ બાદ ઈન્ડોનેશિયાએ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ને આપેલા કુલ 1,05,000 ટ્રકના ઓર્ડર પર રોક લગાવી દીધી છે.
આ રિપોર્ટમાં ઈન્ડોનેશિયાના મંત્રી ફેરી જુલિયન્ટોનોના એક ઈન્ટરવ્યુનો પણ ઉલ્લેખ હતો, જેમાં તેમણે કહ્યું હતું કે વિવાદથી બચવા માટે હાલ પૂરતો ઓર્ડર રોકવો સાચો નિર્ણય છે અને સમય આવ્યે તેનો ઉકેલ લાવીશું. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ કહ્યું હતું કે 35,000 સ્કોર્પિયો પિક-અપનો આ ઓર્ડર કંપનીના ઈતિહાસનો સૌથી મોટો એક્સપોર્ટ ઓર્ડર છે.
શેર બજારમાં કેવી રહી અસર?
આ તમામ અટકળો અને સમાચારો વચ્ચે, સોમવારે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 1.44 ટકાના ઘટાડા સાથે 498 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, કંપનીની આ તાજી સ્પષ્ટતા બાદ રોકાણકારોને મોટી રાહત મળી શકે છે.