US Israel attack on Iran: ઈઝરાયેલ અને અમેરિકાનું ઈરાન સામેનું લશ્કરી અભિયાન હવે નવો વળાંક લઈ રહ્યું છે.
US Israel attack on Iran: ઈઝરાયેલ અને અમેરિકાનું ઈરાન સામેનું લશ્કરી અભિયાન હવે નવો વળાંક લઈ રહ્યું છે. મંગળવારે (3 માર્ચ) ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું મિલિટરી કેમ્પેન કોઈ ક્યારેય ન પૂરા થનારા યુદ્ધની શરૂઆત નથી, પરંતુ તે મિડલ ઈસ્ટમાં લાંબા ગાળાની શાંતિ લાવવાનો એક મહત્વનો અને જરૂરી રસ્તો છે.
તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિલ ખોલીને વખાણ કર્યા અને કહ્યું કે તેમની સાથે મળીને લેવાયેલા પગલાંથી આ વિસ્તારમાં સ્થિરતા અને મોટા પાયે શાંતિ કરારોનો રસ્તો ખૂલશે. નેતન્યાહુએ દાવો કર્યો કે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા હવે વધુ ઝડપી અને નિર્ણાયક બનશે.
કેમ વધ્યો છે બંને દેશો વચ્ચે તણાવ?
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. ત્યારબાદ ઈરાને પણ ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આખા વિસ્તારમાં ભારે તણાવ અને યુદ્ધ જેવો માહોલ છે.
નેતન્યાહુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે શાંતિનો આ લક્ષ્યાંક તેઓ ચોક્કસ હાંસલ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સામેની આ સૈન્ય કાર્યવાહીમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેમાં વર્ષો નહીં લાગે.
રહેણાંક વિસ્તાર પર ઈરાનનો હુમલો અને ઓપરેશન રોરિંગ લાયન
રવિવારે ઈરાને ઈઝરાયેલના બેત શેમેશ વિસ્તારમાં બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ત્યાંની મુલાકાતે ગયેલા પીએમ નેતન્યાહુએ જણાવ્યું કે આ 'ઓપરેશન રોરિંગ લાયન' (Operation Roaring Lion) નો 4થો દિવસ છે.
બેત શેમેશના રહેણાંક વિસ્તારમાં મિસાઈલ પડવાથી 9 લોકોના કરૂણ મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર ઈઝરાયેલની રાજધાની જેરૂસલેમથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલો છે. ઈઝરાયેલી પીએમે વધુમાં જણાવ્યું કે તેમની સેના અને સરકારે, મિત્ર દેશ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું છે, જેથી ઈઝરાયેલ અને દુનિયા પર રહેલા મોટા ખતરાઓને નષ્ટ કરી શકાય.
ઈરાન આખી દુનિયા માટે ખતરો
નેતન્યાહુએ ચેતવણી આપી કે ઈરાનનો ખતરો માત્ર ઈઝરાયેલ કે અમેરિકા પૂરતો સીમિત નથી, પરંતુ તે યુરોપ અને અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. સાયપ્રસમાં આવેલા બ્રિટનના સૈન્ય બેઝ પર ઈરાનના હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "તેઓ મોટે મોટેથી ‘ઈઝરાયેલ મુર્દાબાદ, અમેરિકા મુર્દાબાદ' ના નારા લગાવે છે, જે તેમનો અંતિમ લક્ષ્ય છે. મેં પહેલા જ કહ્યું હતું કે તેઓ વચ્ચે આવનારા યુરોપને પણ નિશાન બનાવશે, અને તેમણે એવું જ કર્યું."
અંતમાં નેતન્યાહુએ નિષ્કર્ષ આપતા કહ્યું કે, ઈરાનનો પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ દુનિયા માટે વિનાશક સાબિત થઈ શકે છે. જો આ આતંકવાદી શાસન પરમાણુ હથિયારો અને બેલિસ્ટિક મિસાઈલો મેળવી લેશે, તો તે આખી દુનિયાને બાનમાં લેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈઝરાયેલની સેના જે કાર્યવાહી કરી રહી છે, તે માત્ર પોતાના દેશના બચાવ માટે નહીં, પરંતુ આખી દુનિયાની સુરક્ષા માટે છે.