પીએમ મોદીના જે વિડીયો પર આટલો મોટો વિવાદ થયો છે, તેની પાછળનું કારણ આ મુજબ છે,23 જુલાઈના રોજ પીએમ મોદીએ એક સેલ્ફી વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો ખાસ કરીને Gen Zને સંબોધીને બનાવવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા જાયન્ટ મેટા અને ભારત સરકાર વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. ફેસબુક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો અચાનક થોડા સમય માટે ડિલીટ થવા મામલે સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આવી ભૂલ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.
3 દિવસનું અલ્ટીમેટમ અને માફીની માંગ
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયની સંસદીય સમિતિએ મેટાના CEO માર્ક ઝકરબર્ગને સીધું 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતાવાળી આ સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઝકરબર્ગે પીએમ મોદીની માફી માંગવી પડશે અને આ વિડીયો હટાવવા પાછળ જે પણ લોકો જવાબદાર છે, તેમની સામે કડક પગલાં લેવા પડશે. સમિતિનું માનવું છે કે 1.4 અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા દેશના વડાપ્રધાનનો વિડીયો હટાવવો એ સીધો "લોકશાહી પર હુમલો" છે.
માફી નહીં માંગે તો શું થશે?
જો ફેસબુક આ મામલે કોઈ નક્કર પગલાં નહીં લે, તો સરકાર તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકે છે. સમિતિએ ચેતવણી આપી છે કે જો માફી નહીં મંગાય તો કંપની પરથી 'સેફ હાર્બર ક્લોઝ' હટાવી દેવામાં આવશે. આ કાનૂની કવચ હટવાનો સીધો અર્થ એ છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મોટા અધિકારીઓ સામે પોલીસ સીધી FIR નોંધી શકશે અને કાયદાકીય સકંજો કસાશે. સમિતિએ ચેતવણી આપી છે કે કેન્દ્ર સરકાર આ માટે મંજૂરી આપવા તૈયાર છે.
આખરે વિડીયોમાં એવું શું હતું?
પીએમ મોદીના જે વિડીયો પર આટલો મોટો વિવાદ થયો છે, તેની પાછળનું કારણ આ મુજબ છે,23 જુલાઈના રોજ પીએમ મોદીએ એક સેલ્ફી વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો ખાસ કરીને Gen Zને સંબોધીને બનાવવામાં આવ્યો હતો.
તેમાં તાજેતરમાં થયેલા NEET પેપર લીક મામલે કડક પગલાં લેવાનું દેશને વચન આપવામાં આવ્યું હતું. તે સમયે કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પીએમનો આ વિડીયો પહેલા ઇન્સ્ટાગ્રામ અને પછી ફેસબુક પર મુકાયો હતો, જેને મેટા દ્વારા થોડા સમય માટે હટાવી દેવાયો હતો.
મેટાનો બચાવ અને સરકારની નારાજગી
વિડીયો ડિલીટ થવાની ઘટના બાદ આઇટી મંત્રાલયે મેટાને સમન્સ પાઠવીને જવાબ માંગ્યો હતો. મેટાએ સરકારને ખુલાસો આપતા કહ્યું કે આ કોઈ ઇરાદાપૂર્વક કરેલું કૃત્ય નહોતું, પરંતુ તેમના AIના ઓટોમેટેડ કન્ટેન્ટ મોડરેશન ટૂલના કારણે થયેલી ટેકનિકલ ખામી હતી.
મેટાએ આ ભૂલ સ્વીકારીને માફી માંગી હતી અને સરકારને ખાતરી આપી હતી કે તેઓ આ સિસ્ટમ પર વધારાની દેખરેખ રાખશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં કોઈપણ VIP કે પ્રખ્યાત હસ્તીની પોસ્ટ કોઈ વરિષ્ઠ અધિકારીની મંજૂરી વિના હટાવવામાં આવશે નહીં. જોકે, આઇટી મંત્રાલયે મેટાના આ ખુલાસાને અપૂરતો ગણાવ્યો છે અને ઝકરબર્ગની સીધી માફીની માંગ પર અડગ છે.