કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવા પર રાજકારણ ગરમાયું, હુડ્ડાના મેડલવાળા નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું- 'નૌટંકી કરવાનું બંધ કરો' | Moneycontrol Gujarati
Get App

કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવા પર રાજકારણ ગરમાયું, હુડ્ડાના મેડલવાળા નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું- 'નૌટંકી કરવાનું બંધ કરો'

ભારતને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સંસદમાં વિરોધ કર્યો, જેના પર રેસલર બબીતા ફોગાટે તેમને 'નૌટંકી' કહીને જડબાતોડ જવાબ આપ્યો છે.

અપડેટેડ 05:00:46 PM Aug 04, 2026 પર
Story continues below Advertisement
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાને લઈને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદ પરિસરમાં અન્ય સાંસદો સાથે મળીને પ્રદર્શન કર્યું હતું.

ભારતને ફરી એકવાર રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મળી છે. દેશને 2030 ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને આ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવશે. પરંતુ આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણની સાથે જ દેશમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના સાંસદ અને ખેલાડીઓ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.

ભારતને સોંપાયો સત્તાવાર ઝંડો

તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન 2030 માટે યજમાન તરીકે ભારતને સત્તાવાર રીતે ગેમ્સનો ઝંડો અને બેટન સોંપવામાં આવ્યા હતા. આ બેટન ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી.ટી. ઉષા અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્વીકાર્યો હતો. ઓસ્ટ્રેલિયા બાદ ભારત એવો બીજો દેશ બનશે જે બે વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ પહેલા ભારતે 2010 માં દિલ્હીમાં આ રમતોનું આયોજન કર્યું હતું.

દીપેન્દ્ર હુડ્ડાનો સંસદમાં વિરોધ: 'મેડલ હરિયાણા આપે છે, તો રમત ગુજરાતમાં કેમ?'

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાને લઈને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદ પરિસરમાં અન્ય સાંસદો સાથે મળીને પ્રદર્શન કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા હુડ્ડાએ લખ્યું, "મેડલ હરિયાણા આપે છે, તો રમત ગુજરાતમાં કેમ? આજે સંસદ પરિસરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે હરિયાણાને યજમાન અથવા સહ-યજમાન બનાવવાની માંગ સાથે અમે પ્રદર્શન કર્યું છે."


પોતાની વાતને સાબિત કરવા માટે હુડ્ડાએ એક આંકડાકીય યાદી પણ શેર કરી છે. જે મુજબ,,ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13 ગોલ્ડ હતા. આમાંથી હરિયાણાના ખેલાડીઓએ 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. હુડ્ડાએ સરખામણી કરતા જણાવ્યું કે, હરિયાણાએ 11 મેડલ જીત્યા છે જ્યારે ગુજરાતના 0 મેડલ છે. બીજી તરફ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ આ મુદ્દે કહ્યું કે આ પ્રદર્શને હરિયાણાને "દેશના સૌથી મજબૂત સ્પોર્ટ્સ સેન્ટર" તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

બબીતા ફોગાટનો જડબાતોડ જવાબ: 'આવી નૌટંકી કરતા રહો'

દીપેન્દ્ર હુડ્ડાના આ વિરોધ પર દેશની જાણીતી રેસલર અને કોમનવેલ્થ ગેમ્સમાં 3 વખત મેડલ જીતનારી બબીતા ફોગાટે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે દીપેન્દ્ર હુડ્ડાને આડેહાથ લેતા જૂના દિવસોની યાદ અપાવી દીધી.

બબીતા ફોગાટે 'X' પર લખ્યું, "દીપેન્દ્ર જી, 2010 માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં યોજાયા ત્યારે તમે આ અવાજ કેમ ન ઉઠાવ્યો? 10 વર્ષ સુધી જ્યારે તમે હરિયાણા કુશ્તી સંઘના અધ્યક્ષ રહ્યા, ત્યારે તમને હરિયાણાની યજમાની કેમ યાદ ન આવી? તમારાથી એક નેશનલ સ્તરની રમત તો હરિયાણામાં યોજાવી શકાઈ નથી"

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં ઉમેર્યું, "જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની રમત કોઈ રાજ્યમાં યોજાય છે, ત્યારે હકીકતમાં તે આખા દેશની યજમાની કહેવાય છે. ભારતે પોતાના ખેલાડીઓના દમ પર વિશ્વમાં ચોથું સ્થાન મેળવ્યું, ત્યારે તમારા આકાઓએ એક ટ્વીટ પણ ન કર્યું અને હવે સંસદની બહાર હરિયાણાની યજમાનીના નામે નૌટંકી કરી રહ્યા છો. જેવા ગુરુ તેવો ચેલો..રાહુલ ગાંધી ગૃહની અંદર નાટક કરે છે અને તમે બહાર. કરતા રહો નૌટંકી"

આ પણ વાંચો-CWG 2026: ગ્લાસગોથી ભારતને મળ્યો કૉમનવેલ્થ ગેમ્સનો ધ્વજ, હવે 2030માં અમદાવાદ કરશે ઐતિહાસિક યજમાની

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2026 5:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.