રામલીલા મેદાનની રેલીમાં ભીડના ફોટા પર રાજકીય ઘમાસાણ! કિરેન રિજિજુનો કોંગ્રેસ પર કટાક્ષ- ‘AI ફોટો તો સરખો બનાવવો હતો’
Congress AI Photo Controversy: દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA ગઠબંધનની રેલીમાં ભીડ બતાવવા કોંગ્રેસે AI ફોટો શેર કર્યો હોવાનો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા ફોટાની સત્યતા પર સવાલો ઉઠાવ્યા હતા.
Congress AI Photo Controversy: રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી પંચ (ECI) માં ચાલતી કથિત ગેરરીતિઓના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી ‘INDIA' ગઠબંધન દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલી પૂર્ણ થયા બાદ હવે તેમાં ઉમટેલી ભીડને લઈને એક નવો જ રાજકીય વિવાદ છેડાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, રેલીમાં મોટી ભીડ બતાવવા માટે કોંગ્રેસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલો નકલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
કિરેન રિજિજુએ કોંગ્રેસ પર કર્યો તીખો કટાક્ષ
રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા ફોટાની સત્યતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કોંગ્રેસ પર ખોટો નેરેટિવ ફેલાવવાનો આરોપ લગાવતા કટાક્ષ કર્યો કે, જો પાર્ટીએ રામલીલા મેદાનને સમર્થકોથી ખીચોખીચ ભરેલું જ બતાવવું હતું, તો ઓછામાં ઓછો AI ફોટો તો સરખી રીતે તૈયાર કરાવવો જોઈતો હતો.
તેમણે X પર લખ્યું કે, "રામલીલા મેદાનમાં ભારે ભીડ બતાવવા માટે, કોંગ્રેસ પાર્ટીએ ઓછામાં ઓછો AI થી બનેલો ફોટો તો યોગ્ય રીતે તૈયાર કરવો જોઈતો હતો." તેમણે વધુમાં ટોણો માર્યો કે કોંગ્રેસની 'ફેક નેરેટિવ ટીમ' મેદાન ભરેલું બતાવવા માટે એક સરખો AI ફોટો પણ બનાવી શકી નહીં. રિજિજુના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
रामलीला मैदान में भारी भीड़ दिखाने के लिए, कांग्रेस पार्टी को कम से कम AI से बनी तस्वीर तो ठीक से तैयार करनी चाहिए थी।
Even the fake AI photo to show that Ramlila ground was full is not done properly by the fake narrative team of Congress Party! https://t.co/uBAf9NIPau — Kiren Rijiju (@KirenRijiju) November 1, 2026
કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો હતો ભીડનો ફોટો
હકીકતમાં, 1 નવેમ્બર અને રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની રેલી યોજાઈ હતી. આ રેલી બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ કરવામાં આવી હતી, જેમાં આખું મેદાન સમર્થકોની ભારે ભીડથી છલકાયેલું દેખાતું હતું. કોંગ્રેસના સાંસદ વામસી ગડ્ડમ સહિત પાર્ટીના અનેક નેતાઓએ આ ફોટો શેર કર્યો હતો. ત્યારબાદ કિરેન રિજિજુ સહિત ભાજપના અનેક નેતાઓએ આ ફોટામાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને તેને AI જનરેટેડ ગણાવ્યો હતો.
કયા મુદ્દા પર યોજાઈ હતી INDIA ગઠબંધનની રેલી?
રામલીલા મેદાનમાં યોજાયેલી આ રેલી પાછળ વિપક્ષના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા:
મતદાર યાદીમાં ગેરરીતિ: વોટર લિસ્ટમાં કરવામાં આવેલી કથિત ગડબડી અને 'વોટ ચોરી' ના મુદ્દે વિરોધ નોંધાવવો.
SIR પ્રક્રિયાનો વિરોધ: ચૂંટણી પંચની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા સામે વાંધો ઉઠાવવો.
રાજીનામાની માંગ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરવી.
જોકે, રેલી પૂરી થયા બાદ હવે રાજકીય પક્ષો વચ્ચે મૂળ મુદ્દાને બદલે ભીડ અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટાને લઈને નિવેદનબાજી વધુ જોવા મળી રહી છે.
દિલ્હીમાં ભારે ટ્રાફિક જામથી લોકો પરેશાન
એક તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફોટાને લઈને રાજકીય ટકરાવ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ રેલીને કારણે દિલ્હીના સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાથી અને સુરક્ષાના કારણોસર કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના પરિણામે રવિવારે સાંજે ITO સહિત મધ્ય દિલ્હીના અનેક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.