અમિત શાહે હૈદરાબાદમાં યોજી પદયાત્રા, કોંગ્રેસની રેલીને ગણાવી 'ઘૂસણખોર બચાવો રેલી', રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર | Moneycontrol Gujarati
Get App

અમિત શાહે હૈદરાબાદમાં યોજી પદયાત્રા, કોંગ્રેસની રેલીને ગણાવી 'ઘૂસણખોર બચાવો રેલી', રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં પદયાત્રા યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની રેલીને તેમણે 'ઘૂસણખોર બચાવો રેલી' ગણાવી હતી.

અપડેટેડ 05:56:16 PM Nov 02, 2026 પર
Story continues below Advertisement
અમિત શાહે હૈદરાબાદની ધરતી પરથી રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે, સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે, હિંમત હોય તો ત્યાં આવીને ચર્ચા કરી લો.

Amit Shah Hyderabad Padayatra: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે હૈદરાબાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ વિપક્ષી 'ઇન્ડી' ગઠબંધન દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા ભ્રમનો જડબાતોડ જવાબ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ચાલી રહેલા અમિત શાહની સાથે કેન્દ્રીય કોલસા મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમાર અને તેલંગાણા ભાજપના અન્ય નેતાઓ પણ જોડાયા હતા.

બાબુ જગજીવન રામની પ્રતિમા પાસેથી શરૂ થયેલી આ પદયાત્રા મોઝમજાહી માર્કેટ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જનસભાને સંબોધતા અમિત શાહે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે, "જો સરદાર વલ્લભભાઈ પટેલે નિઝામને ઝુકાવ્યો ન હોત, તો આજે હૈદરાબાદ ભારતનો હિસ્સો ન હોત. એ સરદાર પટેલ જ હતા જેમણે નિઝામને ઘૂંટણિયે પાડીને હૈદરાબાદ અને તેલંગાણાને ભારતનો અભિન્ન ભાગ બનાવ્યા."

કોંગ્રેસની રેલી 'વોટ બચાવો' નહીં પણ 'ઘૂસણખોર બચાવો રેલી' હતી

1 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની રેલી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, "ગઈકાલે દિલ્હીમાં રાહુલજીની એક રેલી થઈ હતી. તેઓ કહે છે કે આ 'વોટ બચાવો રેલી' છે. અરે કોંગ્રેસવાળાઓ, આ વોટ બચાવો રેલી નહોતી, પરંતુ 'ઘૂસણખોર બચાવો રેલી' હતી. કોંગ્રેસ પાર્ટી SIR પ્રક્રિયાને રોકીને દેશની મતદાર યાદીમાં રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માંગે છે. કારણ કે આ ઘૂસણખોરો જ તેમની વોટ બેંક છે."

તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, રાહુલ ગાંધી અને રેવંત રેડ્ડીએ જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવી લે, પરંતુ ભાજપનો કાર્યકર SIR ની સાથે અડીખમ ઊભો છે અને અમે એક-એક ઘૂસણખોરને મતદાર યાદીમાંથી તેમજ દેશમાંથી બહાર કાઢીને જ જંપીશું. આ દેશમાં માત્ર તે જ વ્યક્તિ વોટ આપશે જે ભારતનો નાગરિક હશે.


13 કરોડ વોટ કેવી રીતે કપાયા? અમિત શાહે આપ્યો હિસાબ

રાહુલ ગાંધીના 13 કરોડ વોટ કાપી નાખવાના આરોપને જૂઠાણું ગણાવતા ગૃહમંત્રીએ તેનું સંપૂર્ણ ગણિત સમજાવ્યું હતું:

સ્થળાંતર કરેલા લોકો: 13 કરોડ વોટમાંથી 6.25 કરોડ (સવા 6 કરોડ) લોકો એવા છે જેઓ પોતાનું જૂનું સરનામું છોડીને બીજી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે. શું એક વ્યક્તિને બે જગ્યાએ વોટ આપવાનો અધિકાર હોવો જોઈએ?

મૃત્યુ પામેલા મતદારો: 2.8 કરોડ લોકો એવા છે જેમનું અવસાન થઈ ચૂક્યું છે, તો સ્વાભાવિક છે કે તેમના નામ કમી કરવા જ પડે.

ડુપ્લિકેટ એન્ટ્રી: 1 કરોડ વોટ એવા હતા જેમની બે વાર એન્ટ્રી થયેલી હતી, જેમાંથી એક વોટ રદ કરવો જરૂરી હતો.

બાંગ્લાદેશી ઘૂસણખોરો: બાકીના 3 કરોડ વોટ એવા છે જેમનું કોઈ અસ્તિત્વ જ નથી, આ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે.

'નકલી સંસદમાં વિપક્ષના નેતા બનવા કરતા વડાપ્રધાન બની જવું હતું'

ચૂંટણીમાં ભાજપની જીત અંગે બોલતા અમિત શાહે કહ્યું કે, મોદીજી 2014, 2019 અને 2024 માં SIR ના કારણે નહીં પરંતુ ભારતના મતદારોના આશીર્વાદથી જીત્યા છે. 2024 પછી અમે મહારાષ્ટ્રમાં જીત્યા, હરિયાણામાં સૌથી મોટી બહુમતી મેળવી, 30 વર્ષ બાદ દિલ્હીમાં જીત્યા, બિહારમાં જીત્યા, બંગાળમાં પણ દીદીના સૂપડા સાફ થઈ ગયા અને આસામમાં સતત ત્રીજી વાર જીત મેળવી. હવે અમે તેલંગાણા પણ જીતવા આવ્યા છીએ.

બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કરેલી 'મોક પાર્લામેન્ટ' (નકલી સંસદ) પર કટાક્ષ કરતા શાહે કહ્યું, "રાહુલજી, જો તમે મને પૂછ્યું હોત તો હું સલાહ આપત કે નકલી પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા બનવા કરતા તમે વડાપ્રધાન જ બની જાઓ, કારણ કે અસલી પાર્લામેન્ટમાં તો તમે ક્યારેય વડાપ્રધાન બની શકવાના નથી."

સંસદના વિશેષ સત્રમાં આવવા પડકાર અને EVM પર સવાલ

અમિત શાહે હૈદરાબાદની ધરતી પરથી રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે, સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે, હિંમત હોય તો ત્યાં આવીને ચર્ચા કરી લો. જોકે મને ખબર છે કે તેઓ નહીં આવે, કારણ કે જો સંસદમાં આવશે તો મોદીજી તેમની ધજ્જિયાં ઉડાવી દેશે.

EVM ના મુદ્દે વિપક્ષને ઘેરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ હારે છે ત્યારે EVM નો વાંક કાઢે છે. જો EVM ખરાબ જ છે, તો તેલંગાણામાં રેવંત રેડ્ડી કેવી રીતે જીત્યા? કેરળ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશમાં તમારી સરકાર કેવી રીતે બની? જો EVM એટલું જ ખરાબ હતું તો તમારે શપથ જ નહોતા લેવા જોઈતા.

'વેન્ટિલેટર પર રહેલી કોંગ્રેસ મોદીજી સાથે મેરેથોન દોડી શકશે?'

કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા શાહે કહ્યું કે, 'નાચ ન આવે આંગન ટેઢા' કહેવતની જેમ જનતાએ તેમને નકારી કાઢ્યા છે. કોંગ્રેસે પોતાના 10 વર્ષના શાસનમાં 12 લાખ કરોડના કૌભાંડો કર્યા હતા, જ્યારે મોદીજીના 12 વર્ષના શાસનમાં તેમના પર ચાર આનાના ભ્રષ્ટાચારનો પણ આરોપ નથી. કોંગ્રેસ પાર્ટી પોતે અત્યારે વેન્ટિલેટર પર છે, તો શું તે મોદીજીની સાથે મેરેથોન દોડી શકશે?

તેલંગાણા સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, અહીં 'RR ટેક્સ' (રેવંત રેડ્ડી ટેક્સ) લેવામાં આવે છે. ખરેખર આ RR ટેક્સ એટલે 'રાહુલ ગાંધી થ્રુ રેવંત રેડ્ડી ટેક્સ' છે. અંતમાં અમિત શાહે તેલંગાણાને વેચવાના ષડયંત્ર અને ભ્રષ્ટાચારને રોકવા માટે કોંગ્રેસને મૂળમાંથી ઉખાડી ફેંકવા અને બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવા જનતાને અપીલ કરી હતી.

આ પણ વાંચો-વિપક્ષની રેલીથી દિલ્હીના વેપારીઓને 11,000 કરોડનું મોટું નુકસાન! દિવાળી ટાણે જ 80 ટકા દુકાનો બંધ રહી હોવાનો CTIનો દાવો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 5:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.