વિપક્ષની રેલીથી દિલ્હીના વેપારીઓને 11,000 કરોડનું મોટું નુકસાન! દિવાળી ટાણે જ 80 ટકા દુકાનો બંધ રહી હોવાનો CTIનો દાવો
દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની રેલીને કારણે વેપારીઓને 11,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 80 ટકા દુકાનો બંધ રહી હોવાનો CTI એ દાવો કર્યો છે.
CTI નો દાવો છે કે આ રેલીની અસર માત્ર ગ્રાહકો પૂરતી સીમિત ન રહી, પરંતુ માલસામાનની હેરફેર પર પણ ગંભીર અસર પડી હતી.
દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની મહારેલી બાદ હવે વેપાર જગતમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વેપારી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દાવો કર્યો છે કે આ રેલીને કારણે દિલ્હીના વેપારીઓને આશરે 11,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન વેઠવું પડ્યું છે.
CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું કે, રેલીના કારણે દિલ્હીમાં લગભગ 80 ટકા દુકાનો બંધ રહી હતી. રેલી પહેલા મોટા પાયે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે તેમાં 10 લાખ જેટલા લોકો જોડાશે અને તેમને લાવવા માટે 15,000 થી 20,000 જેટલી ગાડીઓ દિલ્હીમાં આવશે. આ પ્રચાર અને ટ્રાફિક પ્રતિબંધોને કારણે છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં ડર તેમજ અનિશ્ચિતતાનો માહોલ બની ગયો હતો, જેની સીધી અસર બજારો અને વેપાર પર પડી છે.
બહારથી આવતા ગ્રાહકોની સંખ્યા ઘટી, 2.5 લાખ દુકાનો બંધ રહી
ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં બ્રિજેશ ગોયલે જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં દિલ્હીના બજારોમાં ખરીદી અને વેપાર કરવા માટે રોજ બહારના રાજ્યોમાંથી 3 થી 4 લાખ લોકો આવતા હોય છે, પરંતુ રેલીના દિવસે આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
તેમણે માહિતી આપતા કહ્યું કે, રામલીલા મેદાનની આસપાસ આવેલા 22 થી 25 મુખ્ય બજારોમાં અંદાજે 3 લાખ દુકાનો આવેલી છે. અલગ-અલગ માર્કેટ એસોસિએશન પાસેથી મળેલા આંકડા મુજબ, રેલીના દિવસે સાંજ સુધીમાં લગભગ 2.5 લાખ એટલે કે 80 ટકા જેટલી દુકાનો બંધ રહી હતી. જે થોડીઘણી દુકાનો ખુલ્લી હતી, ત્યાં પણ ગ્રાહકો ન હોવાથી વેપાર સાવ ઠપ રહ્યો હતો.
રાહુલ ગાંધીને 4 વખત પત્ર લખીને કરી હતી અપીલ
બ્રિજેશ ગોયલે ખુલાસો કર્યો કે, રેલી પહેલા CTI એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 4 વખત પત્ર લખીને આ કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી હતી. આ ઉપરાંત 100 જેટલા મુખ્ય બજાર સંગઠનોએ પણ આ જ માંગણી ઉઠાવી હતી, જેની પાછળ કોઈ રાજકીય ઈરાદો નહોતો. ગોયલે સ્પષ્ટતા કરતા કહ્યું, "અમે વેપારીઓ છીએ, કોઈ રાજકીય પક્ષના એજન્ટ નથી. અમારું કામ વેપાર કરવાનું છે, રાજકારણ કરવાનું નહીં. અમે તો માત્ર દિવાળીની સિઝનમાં અમારી રોજીરોટી બચાવવા માટે અપીલ કરી રહ્યા હતા."
તેમણે રાહુલ ગાંધીની એ અપીલનું સ્વાગત કર્યું હતું જેમાં તેમણે રેલીમાં આવનારા લોકોને દિલ્હીના બજારોમાંથી ખરીદી કરીને વેપારીઓને મદદ કરવા કહ્યું હતું. જોકે, ગોયલે સવાલ ઉઠાવ્યો કે જમીની હકીકત સાવ અલગ હતી, કારણ કે જ્યારે ડર અને ટ્રાફિકના લીધે મોટાભાગની દુકાનો જ બંધ હતી, તો રેલીમાં આવેલા લોકો ખરીદી કેવી રીતે કરી શકે?
સપ્લાય ચેન ખોરવાઈ, ગોડાઉનમાં જ અટવાયો દિવાળીનો માલ
CTI નો દાવો છે કે આ રેલીની અસર માત્ર ગ્રાહકો પૂરતી સીમિત ન રહી, પરંતુ માલસામાનની હેરફેર પર પણ ગંભીર અસર પડી હતી.
ટ્રાન્સપોર્ટ ઠપ: રામલીલા મેદાનના 10 કિલોમીટરના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને માલનું લોડિંગ-અનલોડિંગનું કામ બંધ રહ્યું હતું.
5000 ટ્રકોના પૈડાં થંભ્યા: સામાન્ય રીતે નરેલા, બવાના, ઓખલા, માયાપુરી, મુંડકા અને ઉદ્યોગ નગર સહિત દિલ્હીના 56 ઔદ્યોગિક વિસ્તારોમાંથી રોજ 5000 જેટલા ટ્રક અને ટેમ્પો માલ ભરીને બજારોમાં પહોંચે છે.
તહેવારનો માલ અટવાયો: રેલીના દિવસે સપ્લાય ચેન તૂટી જવાથી ધનતેરસ અને દિવાળી માટે તૈયાર કરવામાં આવેલો માલસામાન ગોડાઉનોમાં જ પડ્યો રહ્યો અને દુકાનો સુધી પહોંચી શક્યો નહીં.
વેપારીઓનું કહેવું છે કે ધનતેરસ અને દિવાળી પહેલાનો સમય આખા વર્ષની કમાણી માટે સૌથી મહત્વપૂર્ણ સિઝન હોય છે. આવા સમયે વેપારમાં આવતી કોઈપણ પ્રકારની રુકાવટની સીધી અસર વેપારીઓની આખા વર્ષની કમાણી પર પડે છે.