ભૂમિપૂજન પ્રસંગે ભાવુક થતાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અનંત આશ્રય' પ્રોજેક્ટ તેમના અને તેમના પરિવારના હૃદયની ખૂબ જ નજીક છે. પોતાની વાત રજૂ કરતાં તેમણે કહ્યું, "હું પોતે એક માતા છું અને એ વાત સારી રીતે સમજું છું કે પોતાના બાળકોને ખુશ, સુરક્ષિત અને સ્વસ્થ જોવા એ જ કોઈપણ માતા માટે સૌથી મોટું સુખ હોય છે.
Nita Mukesh Ambani Anant Ashray: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ સમાજના નિરાધાર લોકો માટે એક ખૂબ જ સંવેદનશીલ અને મોટી પહેલની જાહેરાત કરી છે. અનાથ બાળકો, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને પોતાનું કાયમી ઘર તેમજ પરિવાર જેવી હૂંફ મળી રહે તે માટે 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય' (Nita Mukesh Ambani Anant Ashray) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ નજીક મહારાષ્ટ્રના કર્જત ખાતે આશરે 100 એકર જમીનમાં આ વિશાળ પરિસર તૈયાર કરવામાં આવશે. રવિવારે ખુદ નીતા અંબાણીએ આ ભગીરથ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એવા 5,000થી વધુ લોકોને આશરો આપવાનો છે, જેમને જીવનમાં પરિવારના સહારાની ખોટ સાલે છે. અહીં રહેતા લોકોને માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ સુરક્ષા, ઉત્તમ આરોગ્ય સુવિધાઓ અને સન્માનજનક જીવન જીવવાની તક આપવામાં આવશે. અહીં બાળકોને સારું શિક્ષણ, વૃદ્ધોને યોગ્ય સારસંભાળ તેમજ હૂંફ અને દિવ્યાંગોને તેમની જરૂરિયાત મુજબની સારવાર તથા પુનર્વસનની વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
‘દરેક બાળકને પ્રેમ અને સુરક્ષા મળવી જોઈએ' - નીતા અંબાણી
ભૂમિપૂજન પ્રસંગે ભાવુક થતાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અનંત આશ્રય' પ્રોજેક્ટ તેમના અને તેમના પરિવારના હૃદયની ખૂબ જ નજીક છે. પોતાની વાત રજૂ કરતાં તેમણે કહ્યું, "હું પોતે એક માતા છું અને એ વાત સારી રીતે સમજું છું કે પોતાના બાળકોને ખુશ, સુરક્ષિત અને સ્વસ્થ જોવા એ જ કોઈપણ માતા માટે સૌથી મોટું સુખ હોય છે. ભલે કોઈ બાળકની પાસે તેના માતા-પિતા ન હોય, છતાં તે પ્રેમ અને સુરક્ષા મેળવવાનો પૂરો હકદાર છે. જે લોકોએ પોતાનો પરિવાર ગુમાવ્યો છે અથવા ક્યારેય પરિવારનો પ્રેમ અનુભવ્યો જ નથી, તેમના માટે એક પરિવાર ઊભો કરવાનો આ અમારો એક નાનકડો પ્રયાસ છે."
#WATCH | Karjat, Maharashtra: Nita Ambani, Founder-Chairperson of Reliance Foundation, announced 'Nita Mukesh Ambani Anant Aashray' on her birthday today.
Nita M Ambani and Reliance Foundation Director Isha Ambani unveiled the plaque at the Bhumi Pujan and groundbreaking ceremony for ‘Nita Mukesh Ambani Anant Ashray’ at the proposed site in Karjat, near Mumbai The 100-acre township will provide a lifelong home to 5,000 people, including orphaned children, senior citizens and persons with physical and developmental disabilities — ANI (@ANI) November 1, 2026
તેમણે વધુમાં ઉમેર્યું કે, જે માતા-પિતાને આખી જિંદગી એ ચિંતા સતાવતી હોય છે કે તેમની ગેરહાજરી પછી તેમના દિવ્યાંગ કે નિરાધાર બાળકોનું ધ્યાન કોણ રાખશે, તેવા માતા-પિતાને આ પ્રોજેક્ટથી એક મોટો ભરોસો મળશે કે તેમના બાળક પાસે હંમેશા પોતાનું એક ઘર અને પરિવાર રહેશે.
100 એકરમાં બનશે 8 ગામ, પવિત્ર નદીઓ પરથી રખાશે નામ
‘અનંત આશ્રય' પ્રોજેક્ટની ડિઝાઇન ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. 100 એકરના આ કેમ્પસમાં કુલ 8 રહેણાંક ગામ (Residential Villages) બનાવવામાં આવશે અને આ તમામ ગામોના નામ ભારતની પવિત્ર નદીઓના નામ પરથી રાખવામાં આવશે. અહીં લોકોને કોઈ મોટી સંસ્થા કે હોસ્ટેલ જેવી બિલ્ડિંગમાં રાખવાને બદલે નાના-નાના ઘરોમાં રાખવામાં આવશે. દરેક વિભાગમાં સમર્પિત કેરગિવર્સ અને 'હાઉસ પેરેન્ટ્સ' ની નિમણૂક કરાશે, જેથી દરેક વ્યક્તિને વ્યક્તિગત ધ્યાન અને ઘર જેવું વાતાવરણ મળી રહે. અહીં રહેનાર દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ અને અંગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ કેર પ્લાન તૈયાર કરવામાં આવશે.
હોસ્પિટલથી લઈને કાફે સુધીની તમામ હાઈટેક સુવિધાઓ એક જ સ્થળે
આ પરિસરમાં રહેતા લોકોને પગભર કરવા અને તેમને તમામ સુવિધાઓ આપવા માટે નીચે મુજબની વ્યવસ્થાઓ કરવામાં આવશે:
સ્પેશિયલ હોસ્પિટલ: આરોગ્યને લગતી તમામ જરૂરિયાતો અને વિશેષ સારવાર માટે અદ્યતન હોસ્પિટલ તેમજ ડોક્ટર્સ, નર્સ અને થેરાપિસ્ટની નિષ્ણાત ટીમ.
પુનર્વસન કેન્દ્ર (Rehabilitation Center): દિવ્યાંગો અને વિશેષ જરૂરિયાત ધરાવતા લોકો માટે ખાસ રિહેબિલિટેશન સેન્ટર.
સમાવેશી શાળા (Inclusive School): બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે સ્કૂલ.
રમતગમત સંકુલ: શારીરિક અને માનસિક વિકાસ માટે સ્પોર્ટ્સ સુવિધાઓ.
બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો: રોજગારીની તકો ઊભી કરવા અને કળા તેમજ રચનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટેની ખાસ જગ્યા.
એનિમલ કમ્પેનિયનશિપ ફાર્મ: લોકો પ્રાણીઓ સાથે સમય વિતાવી શકે અને ભાવાત્મક જોડાણ અનુભવી શકે તે માટેનું ફાર્મ.
ગાર્ડન અને હોસ્પિસ વિંગ: કુદરતી વાતાવરણ માટે બગીચા અને ગંભીર સ્થિતિમાં વિશેષ સારસંભાળ માંગતા લોકો માટે હોસ્પિસ વિંગ.
Reliance Foundation to Establish Nita Mukesh Ambani Anant Ashray: A 100-Acre Township Offering a Lifelong Home to 5,000 People, Including Orphaned Children, Senior Citizens and Persons with Developmental Disabilities Envisioned by Smt. Nita Ambani, the proposed township at Karjat will provide a loving, lifelong home with world-class healthcare, care facilities and opportunities for a life of dignity and purpose — Reliance Industries Limited (@RIL_Updates) November 1, 2026
ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સીના દર્દીઓ માટે વિશેષ કાળજી
જે લોકોને લાંબા ગાળાની મેડિકલ સારવારની જરૂર હોય છે, તેમના પર આ પ્રોજેક્ટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ઓટિઝમ (Autism), સેરેબ્રલ પાલ્સી (Cerebral Palsy), ખેંચ (Epilepsy) અને વિકાસલક્ષી અન્ય દિવ્યાંગતા ધરાવતા લોકોને અહીં સામેલ કરવામાં આવશે. નિષ્ણાત ડોક્ટરો અને થેરાપિસ્ટની ટીમ દ્વારા તેમની નિયમિત મેડિકલ સારવાર કરવામાં આવશે.
આસપાસના ગામડાના 1,000 લોકોને પણ થશે સીધો ફાયદો
‘અનંત આશ્રય'નો લાભ માત્ર કેમ્પસમાં રહેતા લોકો પૂરતો સીમિત નહીં રહે. આ પ્રોજેક્ટ દ્વારા આસપાસના ગામડાઓમાં રહેતા અંદાજે 1,000 લોકોને પણ થેરાપી, શિક્ષણ અને રોજગારીના માધ્યમથી સીધો ફાયદો મળશે. સ્થાનિક લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સામુદાયિક સ્વાસ્થ્ય સેવાઓ અને આઉટરીચ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવશે.
જરૂરી સરકારી મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રોજેક્ટને તબક્કાવાર રીતે વિકસાવવામાં આવશે અને એક બિન-નફાકારક સંસ્થા તરીકે તેનું સંચાલન કરવામાં આવશે. નીતા અંબાણીની આ પહેલ ખરેખર સમાજના વંચિત અને નિરાધાર લોકો માટે એક નવી આશાનું કિરણ સાબિત થશે.
(ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ એ નેટવર્ક18 ગ્રુપનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડની માલિકી ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ પાસે છે, જેનો લાભાર્થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)