ટ્રમ્પની ભયાનક ધમકીથી ડરી ગયું ઈરાન! 48 કલાકમાં 'હોર્મુઝની ખાડી' ખોલવા થયું તૈયાર, પણ અમેરિકા સામે મૂકી આ 4 શરતો | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પની ભયાનક ધમકીથી ડરી ગયું ઈરાન! 48 કલાકમાં 'હોર્મુઝની ખાડી' ખોલવા થયું તૈયાર, પણ અમેરિકા સામે મૂકી આ 4 શરતો

ડોનાલ્ડ ટ્રમ્પની નવી એરસ્ટ્રાઈકની ધમકી વચ્ચે ઈરાન બેકફૂટ પર આવ્યું છે. જો અમેરિકા તેની 4 શરતો માને તો ઈરાન માત્ર 48 કલાકમાં હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર થયું છે.

અપડેટેડ 06:09:54 PM Nov 02, 2026 પર
Story continues below Advertisement
હોર્મુઝની ખાડી એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ 'ઓઈલ શિપિંગ રૂટ' છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ફેબ્રુઆરી મહિનામાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને આ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ જમાવી રાખ્યું છે.

Iran Reopen Strait of Hormuz: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના શંકાસ્પદ ઠેકાણાઓ પર ફરીથી નવી એરસ્ટ્રાઈક કરવાની ધમકી આપવામાં આવ્યા બાદ હવે વૈશ્વિક રાજકારણમાં એક મોટો કૂટનીતિક વળાંક સામે આવ્યો છે. ટ્રમ્પની ધમકી વચ્ચે બેકફૂટ પર આવેલા ઈરાને જાહેરાત કરી છે કે, જો અમેરિકા તેની શરતો સ્વીકારી લે, તો તે માત્ર 48 કલાકની અંદર જ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ ઓઈલ રૂટ હોર્મુઝની ખાડીને જહાજોની અવરજવર માટે ફરીથી ખોલી શકે છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સોમવારે જણાવ્યું હતું કે, અગાઉ પ્રસ્તાવિત કરવામાં આવેલી 7 દિવસની સમયમર્યાદા ઘટાડીને 2 દિવસ (48 કલાક) કરવી એ તહેરાનની 'સદ્ભાવના' દર્શાવે છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે હવે આગળનો તમામ નિર્ણય વોશિંગ્ટનના વલણ પર નિર્ભર કરે છે.

હોર્મુઝની ખાડી ખોલવા બદલ ઈરાને મૂકી આ 4 મુખ્ય શરતો

કતારના મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવેલા પ્રસ્તાવ હેઠળ, ઈરાને આ જળમાર્ગ ખોલવા અને ફરીથી વાતચીતના ટેબલ પર આવવા માટે નીચે મુજબની 4 કડક શરતો મૂકી છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ: મધ્ય પૂર્વના તમામ મોરચે ચાલી રહેલું યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.


ફ્રીઝ કરેલી સંપત્તિ મુક્ત કરવી: વિદેશોમાં જપ્ત કરવામાં આવેલા ઈરાનના તમામ નાણાકીય એસેટ્સ અને ફંડ્સને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે.

ઓઈલ સેક્ટર પરનો પ્રતિબંધ હટાવવો: ઈરાનના તેલ ક્ષેત્ર પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા તમામ આકરા આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવે.

અમેરિકી નેવલ નાકાબંધીનો અંત: ઈરાનના બંદરો પર અમેરિકન નેવી દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધી સંપૂર્ણપણે હટાવવામાં આવે.

આ ઉપરાંત, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ 'અલ જઝીરા' ને આપેલા એક ઇન્ટરવ્યુમાં માંગણી કરી છે કે અમેરિકા તાજેતરના મહિનાઓમાં લગાવેલા નવા પ્રતિબંધો પાછા ખેંચે, આ ક્ષેત્રમાં અમેરિકી સૈનિકોની સંખ્યા ઘટાડે અને ઓમાન સાથેના નવા ટ્રાન્ઝિટ કરારને સ્વીકારે.

ટ્રમ્પની 'પિકેક્સ માઉન્ટેન' પર હુમલાની ધમકી અને ઈરાનની ચેતવણી

આ સમગ્ર કૂટનીતિક હલચલ એવા સમયે સામે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 'પિકેક્સ માઉન્ટેન' સહિત 1 થી 2 શંકાસ્પદ ઠેકાણાઓ પર ફરીથી હુમલો કરવાની વાત કરી છે. અમેરિકાને શંકા છે કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ માટે પિકેક્સ માઉન્ટેનનો ઉપયોગ કરી રહ્યું છે.

બીજી તરફ ટ્રમ્પની આ ધમકી પર તહેરાને પણ આકરું વલણ અપનાવ્યું છે. પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ રોકડા શબ્દોમાં ચેતવણી આપી છે કે, "ઈરાન પર કરવામાં આવેલો કોઈપણ હુમલો કે સૈન્ય કાર્યવાહીનો તરત જ, શક્તિશાળી અને વ્યાપક સ્તરે વળતો જવાબ આપવામાં આવશે."

હોર્મુઝની ખાડી બંધ થવી કેમ આખી દુનિયા માટે ખતરો છે?

હોર્મુઝની ખાડી એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ 'ઓઈલ શિપિંગ રૂટ' છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ફેબ્રુઆરી મહિનામાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને આ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ જમાવી રાખ્યું છે. જો આ દરિયાઈ માર્ગ બંધ રહે છે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને તેના પરિણામે ભારત સહિત આખી દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.

આ પણ વાંચો-'બેંકો ફિટ અને ઇકોનોમી હિટ...'અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, કહ્યું- 'ભારતને પોતાની તાકાત પર ગર્વ હોવો જોઈએ'

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 6:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.