‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ના દાવા પોકળ: કરોડોના ખર્ચ છતાં 10 મહિનાથી શહેરીજનો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર, AQI 150ને પાર | Moneycontrol Gujarati
Get App

‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ના દાવા પોકળ: કરોડોના ખર્ચ છતાં 10 મહિનાથી શહેરીજનો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર, AQI 150ને પાર

Ahmedabad Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ નાબૂદી પાછળ કરોડોનો ખર્ચ છતાં 2026ના 10 મહિનામાં એક પણ દિવસ શુદ્ધ હવા મળી નથી. ઓક્ટોબરમાં AQI 150ને પાર પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું.

અપડેટેડ 10:35:35 AM Nov 02, 2026 પર
Story continues below Advertisement
303 દિવસમાંથી 70 દિવસ હવા ‘અત્યંત હાનિકારક' રહી

Ahmedabad Air Pollution: એક તરફ અમદાવાદને ‘પ્રદૂષણ મુક્ત' બનાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને પર્યાવરણ સુધારણાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી તંત્રના આ તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વર્ષ 2026માં ઓક્ટોબર મહિના સુધી એટલે કે છેલ્લા 10 મહિનામાં અમદાવાદના લોકોને એક પણ દિવસ શ્વાસ લેવા માટે સંપૂર્ણ શુદ્ધ હવા મળી નથી.

303 દિવસમાંથી 70 દિવસ હવા ‘અત્યંત હાનિકારક' રહી

અમદાવાદની હવાની ગુણવત્તા (Air Quality) દિવસેને દિવસે સુધરવાને બદલે વધુ બગડી રહી છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2026માં ઓક્ટોબર માસ સુધીના કુલ 303 દિવસોમાંથી 179 દિવસ શહેરની હવાની ગુણવત્તા મધ્યમ કક્ષાની રહી હતી. જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, 70 દિવસ તો અમદાવાદની હવા નાગરિકોના ‘આરોગ્ય માટે અત્યંત હાનિકારક' નોંધાઈ છે.

ચોમાસાની સિઝન દરમિયાન એટલે કે મે અને જૂન મહિનામાં અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 72થી 75 ની આસપાસ સામાન્ય રહ્યો હતો. પરંતુ ઓક્ટોબર મહિનો શરૂ થતાંની સાથે જ પ્રદૂષણનું સ્તર રોકેટ ગતિએ વધ્યું છે અને AQI સીધો 150ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદની હવા ઝેરી બનવા પાછળના મુખ્ય કારણો


શહેરમાં પ્રદૂષણનું સ્તર આટલું ભયાનક રીતે વધવા પાછળ તંત્રની બેદરકારી અને કેટલાક મહત્વના પરિબળો જવાબદાર છે:

ઔદ્યોગિક એકમોનો ધુમાડો: શહેરના અનેક ઔદ્યોગિક એકમો દ્વારા નિયમોને નેવે મૂકીને રાત્રિના સમયે ચીમનીઓમાંથી બેરોકટોક કાળો ઝેરી ધુમાડો હવામાં છોડવામાં આવે છે.

તૂટેલા રસ્તા અને ધૂળની ડમરીઓ: ચોમાસામાં ધોવાઈ ગયેલા રોડ-રસ્તાઓનું સમારકામ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢીલી નીતિ જોવા મળી રહી છે, જેના કારણે વાહનોની અવરજવરથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

નવા બાંધકામ: શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલા નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સના કારણે પણ હવામાં ધૂળના રજકણો ભળી રહ્યા છે.

પીરાણા ડમ્પિંગ સાઇટ: પીરાણા ખાતે આવેલા કચરાના વિશાળ પહાડોને લીધે હવામાં ઝેરી રજકણોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

દિવાળી અને શિયાળામાં સ્થિતિ વધુ બગડવાની ભીતિ

હવે શિયાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે અને દિવાળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ સમયે ફટાકડાના ધુમાડા અને ભેજવાળા વાતાવરણને કારણે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ હજુ વધુ ભયાનક સ્તરે પહોંચવાની પૂરેપૂરી આશંકા છે. પર્યાવરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં, તંત્રના કાગળ પરના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો આ મોટો તફાવત હવે અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે એક ગંભીર ખતરો બની ગયો છે.

આ પણ વાંચો- નીતા અંબાણીની મોટી જાહેરાત: અનાથ બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો માટે 100 એકરમાં બનશે અનંત આશ્રય, 5,000થી વધુ લોકોને મળશે પોતાનું ઘર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 10:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.