FSSAI Action on Dabur: ડાબરના આ પ્રોડક્ટ્સ પર લાગ્યો મોટો પ્રતિબંધ, '100% Pure' લખવું પડ્યું ભારે, શેરમાં 2.42%નો કડાકો
FSSAI Action on Dabur: FSSAI એ ડાબર ઇન્ડિયાના ઘણા પ્રખ્યાત પ્રોડક્ટ્સ પર ‘100% Pure' અને ‘100% Natural' જેવા ભ્રામક દાવા કરવા બદલ પ્રતિબંધ લગાવ્યો છે. આ સમાચાર આવતા જ ડાબરના શેરમાં 2.42%નો કડાકો નોંધાયો છે. જાણો કયા પ્રોડક્ટ્સ પર રોક લાગી છે.
ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ડાબરના ઘણા લોકપ્રિય ફૂડ પ્રોડક્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે.
FSSAI Action on Dabur: FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ડાબર ઇન્ડિયા (Dabur India) માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ડાબરના ઘણા લોકપ્રિય ફૂડ પ્રોડક્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે. આ નકારાત્મક સમાચાર શેરબજારમાં આવતા જ કંપનીના શેરમાં 2.42% નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને શેર તૂટીને 415.50 રૂપિયાના સ્તરે આવી ગયો હતો.
શા માટે લેવાયો આટલો કડક નિર્ણય?
FSSAI એ ડાબરને તાત્કાલિક અસરથી એવા તમામ ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ રોકવાનો આદેશ આપ્યો છે, જેના પેકેટ પર ‘100% Pure', ‘100% Pure' કે '100% Organic' જેવા ભ્રામક અને અસ્પષ્ટ દાવા કરવામાં આવ્યા હોય.
ફૂડ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે '100% શુદ્ધતા' જેવા દાવાઓ સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે. FSS (Advertising & Claims) રેગ્યુલેશન, 2018ના નિયમ અનુસાર આવા દાવાઓ ચકાસ્યા વગરના અને સામાન્ય ગ્રાહકોને ભ્રમમાં નાખનારા છે.
Food regulator FSSAI has prohibited Dabur India from selling food products carrying misleading ‘100%’ claims. The products include honey, cow ghee, edible oils, apple cider vinegar, coconut water and coconut milk. @fssaiindia said such claims violate the Food Safety and… pic.twitter.com/MJPYZ5p91d
જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, 'ડાબર હિમાલયન ઓર્ગેનિક ઍપલ સાઇડર વિનેગર' અને 'ડાબર ઓર્ગેનિક હની' પર FSSAI ના માન્ય ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વિના જ ગેરકાયદેસર રીતે 'જૈવિક ભારત' નો લોગો છાપવામાં આવતો હતો. આ ઉપરાંત, 'ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક' જેવી મિશ્રિત પ્રોડક્ટ પર પણ '100% Purity' લખવામાં આવતું હતું, જે નિયમો મુજબ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
કયા-કયા પ્રોડક્ટ્સના વેચાણ પર લાગી બ્રેક?
FSSAI ની કાર્યવાહી બાદ નીચે મુજબના પ્રોડક્ટ્સ પર રોક લગાવવામાં આવી છે:
* મધ (Honey) અને ગાયનું ઘી
* ઍપલ સાઇડર વિનેગર
* વર્જિન કોકોનટ ઓઇલ અને તલનું તેલ
* નારિયેળ પાણી અને ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક
15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે FSSAI એ અગાઉ પણ ડાબરને નોટિસ આપીને આવા ભ્રામક '100% Pure' વાળા દાવા અને વિજ્ઞાપનો બંધ કરવા સૂચના આપી હતી. પરંતુ કંપની તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. હવે રેગ્યુલેટરે કડક વલણ અપનાવીને ડાબર પાસે માત્ર 15 દિવસની અંદર 'Action Taken Report (ATR)' જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
આ મામલે ડાબર કંપનીએ પોતાનો બચાવ કરતા નિવેદનમાં કહ્યું છે કે, તેમને FSSAI ની નોટિસ મળી ચૂકી છે અને તેઓ પોતાની વેબસાઈટ તેમજ પેકેટના લેબલિંગની તપાસ કરીને જરૂરી સુધારા કરી રહ્યા છે.
FMCG કંપનીઓ પર FSSAI ની બાજનજર
નોંધનીય છે કે, આ કાર્યવાહી માત્ર ડાબર સુધી સીમિત નથી. FSSAI અત્યારે પેકેજ્ડ ફૂડ અને ડ્રિંક્સ બનાવતી તમામ કંપનીઓ પર લાલ આંખ કરી રહ્યું છે. તાજેતરમાં જ દિગ્ગજ કંપની પેપ્સિકો ઇન્ડિયાએ પોતાની ફેમસ ડ્રિંક 'Sting' ના કેન અને બોટલ પરથી 'Energy' શબ્દ હટાવવો પડ્યો હતો, કારણ કે હવે 'એનર્જી ડ્રિંક્સ' ને એક અલગ કેટેગરી તરીકે માન્યતા આપવાનું બંધ કરાયું છે. આ પહેલા જ્યુસ બનાવતી બ્રાન્ડ્સને પણ પોતાના પેકેટ પરથી '100% ફ્રૂટ જ્યુસ' નો દાવો હટાવવા કડક આદેશ અપાયા હતા.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.