શું હવે બેંક ખરીદશે LIC? સીઈઓ આર. દોરાઈસ્વામીનું મોટું એલાન, જાણો શું છે કંપનીનો માસ્ટર પ્લાન
LIC Banking Plans: દેશની સૌથી મોટી વીમા કંપની LIC હવે માત્ર ઈન્શ્યોરન્સ પૂરતી સીમિત રહેવા માંગતી નથી. CEO આર. દોરાઈસ્વામીએ બેંકિંગ ક્ષેત્રમાં એન્ટ્રી અને નવી બેંક ખરીદવા અંગે મોટો ખુલાસો કર્યો છે.
નિયમોમાં છૂટ મળતા જ બેંકિંગ સેક્ટરમાં એન્ટ્રી પર થશે વિચાર
LIC Banking Plans: દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) હવે માત્ર ઈન્શ્યોરન્સના વ્યવસાય પૂરતી જ સીમિત રહેવા માંગતી નથી. LIC ની મહત્વાકાંક્ષા હવે એક વિશાળ ‘ફાઈનાન્શિયલ કોંગ્લોમેરેટ' (નાણાકીય સમૂહ) તરીકે ઉભરી આવવાની છે, જેના પોર્ટફોલિયોમાં વીમા અને હાઉસિંગ ફાઈનાન્સ ઉપરાંત બેંકિંગ સહિતની અન્ય નાણાકીય સેવાઓ પણ સામેલ હોય.
મનીકંટ્રોલ (Moneycontrol)ને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં LIC ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) આર. દોરાઈસ્વામીએ કંપનીના ભવિષ્યના રોડમેપ, બેંકિંગ સેક્ટરમાં પ્રવેશવાની શક્યતાઓ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ અને IRDAIના નવા કમિશન નિયમો અંગે વિગતવાર વાત કરી હતી.
નિયમોમાં છૂટ મળતા જ બેંકિંગ સેક્ટરમાં એન્ટ્રી પર થશે વિચાર
આર. દોરાઈસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં વીમા નિયામક (IRDAI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો કોઈપણ ઈન્શ્યોરન્સ કંપનીને બેંકના પ્રમોટર બનવાની મંજૂરી આપતા નથી. તેમણે જણાવ્યું કે IDBI બેંકમાં LICનો પ્રવેશ એ એક અપવાદ હતો, જે બેંકને કાયમી મૂડીની જરૂરિયાત હોવાને કારણે થયો હતો. હવે તે ઉદ્દેશ્ય પૂરો થઈ ચૂક્યો છે અને કેન્દ્ર સરકારની સાથે LIC પણ તેમાં પોતાનો હિસ્સો ઘટાડી રહી છે. જોકે, ભવિષ્યમાં જો નિયમનકારી માળખું બદલાશે, તો LIC બેંકિંગ ક્ષેત્રમાં ઉતરવાની તકો પર ફરીથી વિચાર કરી શકે છે.
LIC Housing Finance દ્વારા બેંક ખરીદવાનો દાવ
સીઈઓ દોરાઈસ્વામીએ એવો પણ મોટો સંકેત આપ્યો છે કે 'બેંકિંગ રેગ્યુલેશન એક્ટ' હેઠળ તેમની પેટાકંપની 'LIC હાઉસિંગ ફાઈનાન્સ' કોઈ બેંકનું અધિગ્રહણ કરવા (ખરીદવા) માટે ટેકનિકલ રીતે પાત્ર બની શકે છે. કંપની આ વિકલ્પની વ્યવહારિકતા અંગે તપાસ કરશે.
IRDAIના નવા કમિશન નિયમો અને 13 લાખ એજન્ટોનું ભવિષ્ય
વીમા નિયામક IRDAI દ્વારા પ્રસ્તાવિત નવા કમિશન માળખા અને ખર્ચની મર્યાદાઓ (EoM) અંગે દોરાઈસ્વામીએ જણાવ્યું કે LIC એ ડેટા આધારિત સૂચનો નિયામકને સોંપ્યા છે. LICના નેટવર્કનો સૌથી મોટો આધારસ્તંભ તેના 13 લાખથી વધુ વ્યક્તિગત એજન્ટો છે. પ્રસ્તાવિત નવા નિયમોની અસર સંસ્થાકીય વિતરણની સરખામણીમાં એજન્ટ ચેનલ પર ઓછી પડશે. આ સુધારાઓનો મુખ્ય હેતુ વીમાના વેચાણ પાછળ થતા ખર્ચને તર્કસંગત બનાવવાનો અને ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવાનો છે.
VNB માર્જિનમાં 400 bpsથી વધુનો મોટો ઉછાળો
LIC ના તાજેતરના પરિણામોમાં VNB (Value of New Business) માર્જિનમાં 400 બેસિસ પોઈન્ટ્સ (bps) કરતા વધુનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022 માં આવેલા IPO બાદથી LIC એ પોતાના 'નોન-પાર્ટિસિપેટિંગ' (Non-Par) પ્રોડક્ટ્સનો હિસ્સો વધાર્યો છે. કંપનીનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2027 (FY27) ના અંત સુધીમાં 1/3 (Non-Par) અને 2/3 (Par) નું પ્રોડક્ટ મિક્સ હાંસલ કરવાનો છે, જેના કારણે માર્જિન 14% થી વધીને હાલમાં 22% ના સ્તરે પહોંચી ગયું છે.
AIથી કર્મચારીઓની છટણી નહીં થાય, પણ કામ સરળ બનશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અંગે MD અને CEO એ સ્પષ્ટ કર્યું કે LIC હાલમાં ગ્રાહકોના ઓનબોર્ડિંગ, પોલિસી રિન્યુઅલ રિમાઈન્ડર્સ, ક્લેમ ડોક્યુમેન્ટેશન અને ફ્રોડ ડિટેક્શન (છેતરપિંડી પકડવા) માટે AIનો ઉપયોગ કરી રહી છે. તેમણે ખાતરી આપતા કહ્યું કે, "LIC માં AI લાવવાનો હેતુ કર્મચારીઓની છટણી કરવાનો નથી, પરંતુ તેમને સ્માર્ટ ટૂલ્સથી સજ્જ કરીને ગ્રાહક સેવામાં સુધારો કરવાનો છે."