માત્ર દાન-પુણ્યથી ગરીબી નહીં મટે! બિલ ગેટ્સે AI અને રોબોટ્સથી કમાણી કરનારા અબજોપતિઓ પર ભારે ટેક્સ લગાવવાની કરી માંગ
Bill Gates AI Tax: માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે મોટું નિવેદન આપતા કહ્યું છે કે માત્ર દાન-પુણ્યથી ગરીબી નહીં મટે, સરકારોએ અબજોપતિઓ તેમજ AI અને રોબોટ્સ પર ભારે ટેક્સ લગાવવો જોઈએ.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના 'ટેક ટોનિક' પોડકાસ્ટમાં વાતચીત કરતા બિલ ગેટ્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર દાન-પુણ્ય કે પરોપકારના ભરોસે સમાજમાં વધતી જતી આ આર્થિક અસમાનતાને ખતમ કરી શકાય નહીં.
Bill Gates AI Tax: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે આવનારા સમયમાં ભલે ટેકનોલોજી કંપનીઓ અને અબજોપતિઓની સંપત્તિમાં બેફામ વધારો થવાની આશા હોય, પરંતુ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે તેના સામાજિક અને આર્થિક પરિણામોને લઈને ગંભીર ચેતવણી આપી છે. બિલ ગેટ્સનું માનવું છે કે AI થી મળતા આર્થિક લાભોની અસમાન વહેંચણીને કારણે અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધુ ઊંડી બનશે. આ સ્થિતિને રોકવા માટે સરકારોએ પોતાની ટેક્સ નીતિઓમાં મોટા ફેરફારો કરવાની સખત જરૂર છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના 'ટેક ટોનિક' પોડકાસ્ટમાં વાતચીત કરતા બિલ ગેટ્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર દાન-પુણ્ય કે પરોપકારના ભરોસે સમાજમાં વધતી જતી આ આર્થિક અસમાનતાને ખતમ કરી શકાય નહીં.
‘દાન-પુણ્ય સમાજ માટે સુરક્ષા કવચ ન બની શકે’
બિલ ગેટ્સની વર્તમાન કુલ સંપત્તિ આશરે 8.3 લાખ કરોડ છે. તેમણે વચન આપ્યું છે કે તેઓ આગામી 20 વર્ષોમાં પોતાના 'ગેટ્સ ફાઉન્ડેશન' મારફતે પોતાની લગભગ તમામ સંપત્તિ દાન કરી દેશે. આમ છતાં, તેમનું માનવું છે કે ચેરિટી (દાન) ક્યારેય સરકારી પ્રાથમિકતાઓ અને સામાજિક સુરક્ષા વ્યવસ્થાનું સ્થાન લઈ શકે નહીં.
ગેટ્સે કહ્યું કે, "આર્થિક અસમાનતા સામે લડવાની પ્રાથમિક જવાબદારી હંમેશા સરકારોની જ રહેશે. આપણે દાન-પુણ્ય પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે તે સમાજ માટે 'સેફ્ટી નેટ' (સુરક્ષા કવચ) નું કામ કરશે, કારણ કે દાન કરવું એ સ્વભાવથી જ સ્વૈચ્છિક બાબત છે." તેમના મતે જેમ-જેમ AI આધારિત બિઝનેસ વધુ નફો કમાશે, તેમ-તેમ ટેક્સ સિસ્ટમમાં એવો બદલાવ કરવો જોઈએ જેથી અબજોપતિઓ અને અતિ-ધનિક લોકો સમાજમાં પોતાનું યોગ્ય યોગદાન આપી શકે.
રોબોટ અને AI પર કેમ ટેક્સ લગાવવા માંગે છે બિલ ગેટ્સ?
માણસોની નોકરીઓને ઓટોમેશનથી બચાવવા માટે બિલ ગેટ્સે 'રોબોટ અને AI ટૂલ્સ પર ટેક્સ' લગાવવાનો એક અનોખો પ્રસ્તાવ મૂક્યો છે. પોતાના બ્લોગ 'ગેટ્સ નોટ્સ' પર પ્રકાશિત એક લેખમાં તેમણે વર્તમાન ટેક્સ સિસ્ટમની ખામી સમજાવતા કહ્યું કે જ્યારે કોઈ કંપની માણસને નોકરી પર રાખે છે, ત્યારે કંપનીએ પેરોલ ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જ્યારે એ જ કંપની કોઈ રોબોટ કે AI ખરીદે છે, ત્યારે તેને બિઝનેસના ખર્ચ તરીકે બતાવીને કંપનીને ટેક્સમાં છૂટ મળી જાય છે.
આ વર્તમાન ટેક્સ સિસ્ટમ કંપનીઓને માણસોની જગ્યાએ મશીનો લગાવવા માટે આર્થિક પ્રોત્સાહન આપે છે. જો રોબોટિક્સ અને AI પર ટેક્સ લગાવવામાં આવે, તો એક તરફ જ્યાં માણસોની જગ્યાએ મશીનો લાવવાની રફ્તાર થોડી ધીમી પડશે, તો બીજી તરફ આ ટેક્સમાંથી મળતી આવકનો ઉપયોગ નોકરી ગુમાવનારા કર્મચારીઓને નવી ટ્રેનિંગ આપવામાં અને સામાજિક સુરક્ષા નેટવર્કને મજબૂત બનાવવામાં કરી શકાશે.
Nvidia ના ચીફ જેન્સન હુઆંગે નોંધાવ્યો વિરોધ
જોકે, ટેકનોલોજી જગતના તમામ દિગ્ગજો બિલ ગેટ્સના આ વિચાર સાથે સહમત નથી. દિગ્ગજ ચિપ નિર્માતા કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે ફોક્સ બિઝનેસ સાથેની વાતચીતમાં રોબોટ પર ટેક્સ લગાવવાના પ્રસ્તાવ સામે અસંમતિ દર્શાવી છે.
હુઆંગનું માનવું છે કે માણસોએ પોતાની કમાણી અને સંપત્તિ પર ટેક્સ આપવો જોઈએ, પરંતુ રોબોટ અને ઓટોમેશન ટેકનોલોજી પર સીધો ટેક્સ લગાવવાથી ટેકનિકલ ઈનોવેશન (નવીનતા) ની ગતિ ધીમી પડી શકે છે. આનાથી વિપરીત, બિલ ગેટ્સ માટે સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે AI દ્વારા પેદા થતી અપાર સંપત્તિનો લાભ માત્ર આ ટેકનોલોજીના માલિકો પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સમગ્ર સમાજને તેનો ફાયદો મળે.