દિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે સ્વીકારી 'ચીની જાસૂસ' સાથેના અફેરની વાત! ભારતની GDP કરતા પણ મોટું છે કંપનીનું માર્કેટ કેપ
Nvidia CEO Controversy: AI ચિપ બનાવતી દિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે ચીનની કથિત મહિલા જાસૂસ સાથેના અફેરની વાત સ્વીકારી છે. કંપનીના બોર્ડે આ મામલે તપાસ શરૂ કરી છે. જાણો સંપૂર્ણ વિગત.
તાઈવાનમાં જન્મેલા 63 વર્ષીય જેન્સન હુઆંગે કંપનીના કર્મચારીઓની માફી માંગતા કહ્યું કે, "મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી છે. મારી આ હરકતોથી મારી પત્ની અને બાળકોને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. મેં જે કંઈ કર્યું છે, તેના બચાવમાં મારી પાસે કોઈ જ બહાનું નથી."
Nvidia CEO Controversy: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ બનાવતી વિશ્વની દિગ્ગજ અમેરિકન કંપની એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે ચીની મૂળની એક મહિલા સાથે પોતાના અફેર (સંબંધો) હોવાની વાત સ્વીકારી લીધી છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓને શંકા છે કે આ મહિલા ચીન માટે જાસૂસી કરે છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ કંપનીના બોર્ડે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ કેપની દ્રષ્ટિએ એપલ પછી એનવીડિયા દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે અને તેનું માર્કેટ કેપ $4.506 ટ્રિલિયન ડોલર છે.
કર્મચારીઓ સામે માફી માંગીને કહ્યું- 'મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી'
તાઈવાનમાં જન્મેલા 63 વર્ષીય જેન્સન હુઆંગે કંપનીના કર્મચારીઓની માફી માંગતા કહ્યું કે, "મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી છે. મારી આ હરકતોથી મારી પત્ની અને બાળકોને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. મેં જે કંઈ કર્યું છે, તેના બચાવમાં મારી પાસે કોઈ જ બહાનું નથી."
તાજેતરમાં આવેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુઆંગને સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'Megaspeed'ની ચાઈનીઝ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથે સંબંધો છે. અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓનો આરોપ છે કે આ મહિલા ચીન માટે જાસૂસીનું કામ કરે છે.
અમેરિકા અને ચીન વચ્ચેની ચિપ વોર વચ્ચે મોટો વિવાદ
જેન્સન હુઆંગે ચીનને થતા ચિપના વેચાણના નિયમોમાં છૂટછાટ આપવા માટે ટ્રમ્પ પ્રશાસનમાં લોબિંગ કર્યું હતું. જોકે, એનવીડિયાનું કહેવું છે કે તેમની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે કંપનીના ગુપ્ત રહસ્યો કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ છે, તેમ છતાં કંપનીનું બોર્ડ આ આરોપોની તપાસ કરી રહ્યું છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચિપ ઈકોસિસ્ટમ પર કબજો જમાવવા માટે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ કંપનીનો આંતરિક મામલો છે અને તેઓ તેના પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. અમેરિકાની AI ક્રાંતિમાં જેન્સન હુઆંગની ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને તેમને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. ટ્રમ્પ પણ અનેકવાર કહી ચૂક્યા છે કે ચીન આગળ ન નીકળી જાય તે માટે તેઓ AI ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણો લગાવવાના પક્ષમાં નથી.
ભારતની GDP કરતા પણ મોટું છે Nvidia નું માર્કેટ કેપ
અમેરિકાએ ચીનને આધુનિક સિલિકોન ચિપ્સની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. એનવીડિયા એવી ચિપ્સ બનાવે છે જેનો ઉપયોગ AI મોડલને ટ્રેન કરવામાં અને ચલાવવામાં થાય છે. આ ચિપ્સની વધતી માંગને કારણે કંપનીના શેરમાં ભારે ઉછાળો આવ્યો છે અને તે 5 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ હાંસલ કરનારી દુનિયાની પ્રથમ કંપની બની હતી.
હાલમાં એનવીડિયાનું માર્કેટ કેપ ભારતની કુલ GDP કરતા પણ વધારે છે. ભારતની GDP આશરે 4 ટ્રિલિયન ડોલર છે, જ્યારે એનવીડિયા $4.506 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. તેનાથી આગળ માત્ર આઈફોન બનાવતી કંપની એપલ છે, જેની માર્કેટ વેલ્યુ $4.975 ટ્રિલિયન છે.
દુનિયાની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓનું લિસ્ટ:
1. એપલ (અમેરિકા): $4.975 ટ્રિલિયન
2. એનવીડિયા (અમેરિકા): $4.506 ટ્રિલિયન
3. માઈક્રોસોફ્ટ (અમેરિકા): $3.940 ટ્રિલિયન
4. આલ્ફાબેટ - ગૂગલ (અમેરિકા): $3.490 ટ્રિલિયન
5. એમેઝોન (અમેરિકા): $2.803 ટ્રિલિયન
6. TSMC (તાઈવાન): $1.947 ટ્રિલિયન
7. સ્પેસએક્સ (અમેરિકા): $1.823 ટ્રિલિયન
8. સાઉદી અરામકો (સાઉદી અરેબિયા): $1.681 ટ્રિલિયન
9. મેટા પ્લેટફોર્મ્સ (અમેરિકા): $1.560 ટ્રિલિયન
10. ટેસ્લા (અમેરિકા): $1.415 ટ્રિલિયન
વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે જેન્સન હુઆંગ
થોડા વર્ષો પહેલા સુધી એનવીડિયાનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હતું. જેન્સન હુઆંગે વર્ષ 1993 માં આ કંપનીની સ્થાપના કરી હતી અને શરૂઆતમાં તે માત્ર વીડિયો-ગેમ માટે ગ્રાફિક્સ ચિપ્સ બનાવતી હતી. પરંતુ આજે માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓમાં એનવીડિયા પાસેથી વધુમાં વધુ ચિપ ખરીદવાની હોડ જામી છે. આજે જેન્સન હુઆંગ 155 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ છે.