Weather forecast today: દિલ્હી, UPથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદની ચેતવણી, કેરળમાં રેડ એલર્ટ અને આ રાજ્યોમાં પૂરનો પ્રકોપ | Moneycontrol Gujarati
Get App

Weather forecast today: દિલ્હી, UPથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદની ચેતવણી, કેરળમાં રેડ એલર્ટ અને આ રાજ્યોમાં પૂરનો પ્રકોપ

દેશભરમાં અત્યારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! IMD એ દિલ્હી, UP, બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાત અને અસમમાં પૂર, જ્યારે કેરળમાં રેડ એલર્ટ. જાણો લેટેસ્ટ હવામાન અપડેટ.

અપડેટેડ 10:34:49 AM Aug 05, 2026 પર
Story continues below Advertisement
5 થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વ યુપી, હરિયાણા, દિલ્હી, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં ધોધમાર વરસાદની આગાહી છે.

Weather forecast today: દેશભરમાં અત્યારે ચોમાસું જામ્યું છે અને મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી, યુપી, બિહારથી લઈને હિમાચલ અને કેરળ સુધી ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ગુજરાત, અસમ અને ઓડિશામાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 5 થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વ યુપી, હરિયાણા, દિલ્હી, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં ધોધમાર વરસાદની આગાહી છે.

બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ

પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગે આજે અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉપ-હિમાલયી વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.


બિહાર અને ઝારખંડમાં 8 ઓગસ્ટ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. છત્તીસગઢમાં 5 થી 10 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.ઓડિશામાં 5 અને 6 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ અને કર્ણાટકના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.

કેરળમાં રેડ એલર્ટ: ભારે તબાહી અને જાનહાનિ

દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આગામી 24 કલાક માટે કેરળના 8 જિલ્લાઓ - પથાનમથિટ્ટા, ઇડુક્કી, કોટ્ટાયમ, એર્નાકુલમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. અહીં 204 મીમી કરતા વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. જ્યારે મલપ્પુરમ, પલક્કડ, ત્રિશૂર અને અલપ્પુઝામાં 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે.

કેરળમાં 1 ઓગસ્ટથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, 4 લોકો લાપતા છે અને 10 લોકો ઘાયલ થયા છે. 4 ઓગસ્ટ સુધીમાં 52 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે અને 565 મકાનોને નુકસાન પહોંચ્યું છે. હજારો લોકોએ ઘર છોડીને રાહત છાવણીઓમાં રહેવા મજબૂર થવું પડ્યું છે. પૂરના કારણે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.

ગુજરાત, ઓડિશા અને અસમમાં પૂરનો પ્રકોપ

સતત વરસાદના કારણે ગુજરાત, અસમ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ઓડિશાના જાજપુર, ભદ્રક અને જગતસિંહપુર જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હજુ પણ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. બીજી તરફ, ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી ભરાયા છે, જેનાથી સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2026 10:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.