જૂન મહિનામાં ભારતની વેપાર ખાધ વધીને 30.43 અબજ ડોલર થઈ ગઈ છે. જોકે, આ સમયગાળામાં નિકાસમાં પણ 15% નો વધારો નોંધાયો છે. જાણો અર્થવ્યવસ્થાના લેટેસ્ટ આંકડા.
ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) ના સરકારી આંકડા મુજબ,,દેશની કુલ નિકાસ 15.92 ટકાના વધારા સાથે 129.32 અબજ ડોલર નોંધાઈ છે.
Trade Deficit Data: દેશના અર્થતંત્રને લઈને સરકાર દ્વારા નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, જૂન મહિનામાં ભારતની વેપાર ખાધમાં મોટો વધારો જોવા મળ્યો છે. જોકે, અર્થવ્યવસ્થા માટે એક સારી બાબત એ પણ છે કે વિદેશોમાં ભારતીય સામાનની માંગ વધી છે, જેના કારણે આપણી નિકાસમાં પણ સારો એવો ઉછાળો નોંધાયો છે.
શું હોય છે વેપાર ખાધ ?
આંકડાઓ સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે વેપાર ખાધ કોને કહેવાય. જ્યારે કોઈ દેશ વિદેશમાં સામાન મોકલે તેના કરતા વિદેશથી સામાન વધુ મંગાવે, ત્યારે આ બંને વચ્ચે જે નાણાકીય તફાવત ઊભો થાય છે તેને વેપાર ખાધ કહેવામાં આવે છે. જ્યારે નિકાસ વધુ હોય અને આયાત ઓછી હોય, ત્યારે તેને 'ટ્રેડ સરપ્લસ' કહેવાય છે.
જૂન મહિનાના લેટેસ્ટ આંકડા
જૂન મહિનાના આયાત અને નિકાસના ડેટા પર નજર કરીએ તો,,,દેશની વેપાર ખાધ વધીને 30.43 અબજ ડોલર થઈ ગઈ છે. નિકાસ 15.5 ટકા વધીને 40.41 અબજ ડોલર નોંધાઈ છે. આયાત જૂન મહિનામાં આયાત લગભગ 31 ટકાના જંગી ઉછાળા સાથે 70.84 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિક ગાળાની સ્થિતિ
ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) ના સરકારી આંકડા મુજબ,,દેશની કુલ નિકાસ 15.92 ટકાના વધારા સાથે 129.32 અબજ ડોલર નોંધાઈ છે. આ જ સમયગાળા દરમિયાન આયાતમાં 19.89 ટકાનો વધારો થયો છે, અને તે 216.18 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
આયાત વધવા પાછળનું મુખ્ય કારણ શું?
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ભારત દેશમાં કાચું તેલ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, મશીનરી અને કિંમતી ધાતુઓની આયાત વધવાને કારણે કુલ આયાતનો આંકડો ઊંચો ગયો છે. જોકે, પશ્ચિમ એશિયાના દેશો સાથેના વેપારમાં ભારતને ફાયદો થયો છે. જૂનમાં પશ્ચિમ એશિયાઈ દેશોમાં ભારતની નિકાસ 7.29 ટકા વધીને 5 અબજ ડોલર થઈ ગઈ છે.
સોનાની આયાતમાં મોટો ઉછાળો
ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ આંકડાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં સોનાની આયાત વધીને 11.01 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં સોનાની આયાત 7.49 અબજ ડોલર હતી.