રશિયા પર અમેરિકાના આકરા પ્રતિબંધો: કાચા તેલની સપ્લાયમાં મોટું જોખમ, જાણો ભારત માટે કેમ વધી શકે છે મુશ્કેલી | Moneycontrol Gujarati
Get App

રશિયા પર અમેરિકાના આકરા પ્રતિબંધો: કાચા તેલની સપ્લાયમાં મોટું જોખમ, જાણો ભારત માટે કેમ વધી શકે છે મુશ્કેલી

અમેરિકી સેનેટે રશિયાના તેલ વેચાણને રોકવા કડક બિલ પસાર કર્યું છે. આનાથી રશિયન કાચા તેલની સપ્લાય ખોરવાઈ શકે છે. જાણો ભારતની ઉર્જા સુરક્ષા અને ક્રૂડ ઓઈલના ભાવ પર શું અસર થશે.

અપડેટેડ 05:28:54 PM Aug 09, 2026 પર
Story continues below Advertisement
ફેબ્રુઆરી 2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવામાં મોટો વધારો કર્યો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાએ ભારત જેવા એશિયાઈ દેશોને તેલમાં મોટું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.

અમેરિકી સેનેટે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા માટે એક મહત્વપૂર્ણ મતદાન કર્યું છે. આ પગલાંને કારણે વૈશ્વિક સ્તરે રશિયન કાચા તેલની સપ્લાયમાં મોટી અડચણો ઊભી થવાનું જોખમ વધી ગયું છે. જોકે, માર્કેટ રિસર્ચ ફર્મ Kpler ના એનાલિસ્ટ સુમિત રિતોલિયાના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ભારત અને ચીન જેવા મોટા દેશોને થતી તેલની સપ્લાયમાં તાત્કાલિક કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ લાંબા ગાળે આની ગંભીર અસરો જોવા મળી શકે છે.

શું છે નવો અમેરિકન કાયદો?

શુક્રવારે અમેરિકી સેનેટે 'લિન્ડસે ઓ ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2026'નામનું બિલ પસાર કર્યું છે. આ બિલનો મુખ્ય હેતુ રશિયાને તેલ અને ગેસના વેચાણમાંથી થતી કમાણીને કાપવાનો છે. આ કાયદો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સત્તા આપશે કે તેઓ રશિયન ઊર્જાના 5 સૌથી મોટા ખરીદદાર દેશોની આયાત પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકે. જોકે, આ બિલને હજુ અમેરિકન પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માંથી મંજૂરી મળવાની બાકી છે અને કાયદો બનતા પહેલા તેણે ઘણા વહીવટી તબક્કાઓમાંથી પસાર થવું પડશે.

પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તો શું થશે?

સુમિત રિતોલિયાના મતે, આ કાયદાની અસર એ વાત પર નિર્ભર કરશે કે અમેરિકન સરકાર તેને કેટલી આક્રમક રીતે લાગુ કરે છે. અત્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની સપ્લાય પહેલેથી જ દબાણ હેઠળ છે. આવા સમયે જો રશિયન તેલ પર મોટો પ્રતિબંધ લાદવામાં આવે, તો તે માત્ર વેપારની દિશા જ નહીં બદલે, પરંતુ આખી દુનિયામાં તેલની અછત ઊભી કરી શકે છે.


ભારત માટે રશિયન તેલનું મહત્વ

ફેબ્રુઆરી 2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવામાં મોટો વધારો કર્યો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાએ ભારત જેવા એશિયાઈ દેશોને તેલમાં મોટું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.

આંકડાઓ પર નજર કરીએ તો,,વર્ષ 2021 માં ભારત રશિયા પાસેથી રોજના 1,00,000 બેરલથી પણ ઓછું તેલ ખરીદતું હતું (જે કુલ આયાતના માત્ર 2.5 ટકા હતું). વર્ષ 2022માં આ આંકડો વધીને 7,40,000 બેરલ પ્રતિ દિવસ (bpd) થયો. વર્ષ 2023 માં તે વધીને 1.8 મિલિયન bpd થઈ ગયો, જેથી રશિયા ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું (કુલ આયાતમાં 39 ટકા હિસ્સો).

જુલાઈ 2026માં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ

Kplerના લેટેસ્ટ ડેટા મુજબ, જુલાઈ 2026 માં ભારતીય રિફાઇનરીઓએ રેકોર્ડ 2.8 મિલિયન bpd રશિયન કાચા તેલની આયાત કરી છે. ભારતના કુલ 5 મિલિયન bpd તેલની આયાતમાં આ હિસ્સો અધધ 55.5 ટકા જેટલો છે. મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા તેલના રૂટમાં થતી સમસ્યાઓ સમયે રશિયા ભારત માટે એક મજબૂત અને સસ્તો વિકલ્પ બનીને ઊભું રહ્યું છે.

જો સપ્લાય અટકે તો ભારતને શું નુકસાન?

નિષ્ણાતો માને છે કે આટલા મોટા જથ્થામાં આવતા રશિયન તેલનો વિકલ્પ રાતોરાત શોધવો લગભગ અશક્ય છે. જો રશિયાની સપ્લાય અચાનક બંધ થાય કે તેમાં કાપ આવે, તો દુનિયાભરમાં કાચા તેલના ભાવ ભડકે બળી શકે છે.

ભારત માટે આની અસર માત્ર રિફાઇનરીઓના ખર્ચ પૂરતી સીમિત નહીં રહે. દેશનું કુલ ક્રૂડ ઓઈલ ઇમ્પોર્ટ બિલ ઘણું વધી જશે. આનાથી દેશની ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવશે અને ભારતની ઉર્જા સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થશે.

આ પણ વાંચો-સેન્સેક્સની ટોપ 10માંથી 4 કંપનીઓનું માર્કેટ કેપ 1.43 લાખ કરોડ વધ્યું, SBIને થયો બમ્પર ફાયદો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 09, 2026 5:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.