સૌથી મોટો ઉછાળો ઈંધણ અને વીજળી ક્ષેત્રે જોવા મળ્યો છે. ઓક્ટોબર 2026 માં ઈંધણ અને વીજળીની જથ્થાબંધ મોંઘવારી વધીને 32.84% થઈ ગઈ છે, જે સપ્ટેમ્બર મહિનામાં 25.85% હતી.
Wholesale Inflation: છૂટક મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારીના મોરચે પણ દેશના અર્થતંત્ર અને સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. ઓક્ટોબર મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29% પર પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2026 માં 11.39% નોંધાયો હતો. ઈંધણ અને વીજળી, ખાણી-પીણીની ચીજવસ્તુઓ, ખનિજો તેમજ નોન-ફૂડ આઈટમ્સની કિંમતોમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારીમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ખાદ્ય ચીજવસ્તુઓ અને ખનિજોના ભાવમાં વધારો
16 નવેમ્બરના રોજ જારી કરવામાં આવેલા સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં વિવિધ કેટેગરીમાં મોંઘવારીની સ્થિતિ નીચે મુજબ રહી છે:
ફૂડ આર્ટિકલ્સ (ખાદ્ય ચીજો): ઓક્ટોબરમાં ખાદ્ય ચીજવસ્તુઓની જથ્થાબંધ મોંઘવારી વધીને 8.26% રહી છે, જે સપ્ટેમ્બરમાં 8.14% હતી.
નોન-ફૂડ આઈટમ્સ: બિન-ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી દર 11.69% નોંધાયો છે, જે સપ્ટેમ્બરમાં 10.28% હતો.
ખનિજો : ખનિજોની જથ્થાબંધ કિંમતોમાં વધારાનો દર વધીને 12.64% રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં 9.51% પર હતો.
પ્રાઈમરી આર્ટિકલ્સ: એકંદરે પ્રાઈમરી આર્ટિકલ્સ કેટેગરીમાં ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી 9.24% રહી છે, જે સપ્ટેમ્બરમાં 8.67% હતી.
ઈંધણ અને વીજળીની મોંઘવારી 32% ને પાર
સૌથી મોટો ઉછાળો ઈંધણ અને વીજળી ક્ષેત્રે જોવા મળ્યો છે. ઓક્ટોબર 2026 માં ઈંધણ અને વીજળીની જથ્થાબંધ મોંઘવારી વધીને 32.84% થઈ ગઈ છે, જે સપ્ટેમ્બર મહિનામાં 25.85% હતી. જોકે, મેન્યુફેક્ચર્ડ આઈટમ્સ (ઉત્પાદિત વસ્તુઓ) માં મોંઘવારી દર સામાન્ય ઘટીને 9.54% રહ્યો છે, જે અગાઉ સપ્ટેમ્બરમાં 9.76% હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "વિવિધ જૂથોમાં ખનિજ તેલ (જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો સામેલ છે), ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, વીજળી, ખાદ્ય ચીજવસ્તુઓ, બેઝિક મેટલ્સનું નિર્માણ, કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટ્સનું નિર્માણ, ફૂડ પ્રોડક્ટ્સ, નોન-ફૂડ આર્ટિકલ્સ, કાપડ નિર્માણ તેમજ રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ભાવમાં થયેલો વધારો ઓક્ટોબર 2026 માં જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળના મુખ્ય કારણો રહ્યા છે."
છૂટક મોંઘવારીએ પણ તોડ્યો 2 વર્ષનો રેકોર્ડ: ડિસેમ્બરમાં વધી શકે છે રેપો રેટ
ગયા અઠવાડિયે જાહેર થયેલા આંકડા મુજબ, ખાદ્ય ચીજો અને સર્વિસિસની કિંમતો વધવાને કારણે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી પણ વધીને 6.09% પર પહોંચી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં 5.54% હતી.
સરકારે ભારતીય રિઝર્વ બેંકને છૂટક મોંઘવારી દર 2% થી 6% ના દાયરામાં રાખવાની જવાબદારી સોંપી છે. છેલ્લા 2 વર્ષમાં પહેલીવાર છૂટક મોંઘવારી RBI ના 6% ના સંતોષકારક સ્તરની ઉપર ગઈ છે. આ પહેલાં ઓક્ટોબર 2024 માં છૂટક મોંઘવારી 6.25% રહી હતી. છૂટક અને જથ્થાબંધ બંને મોંઘવારીમાં થયેલા આ વધારાને કારણે હવે આગામી ડિસેમ્બર મહિનાની પોલિસી બેઠકમાં RBI દ્વારા રેપો રેટમાં વધુ એક વધારો કરવામાં આવે તેવી આશંકા વધી ગઈ છે.