અમેરિકામાં દવાઓ મોંઘી થશે? ટ્રમ્પ સરકારનો 100% ટેક્સનો પ્રસ્તાવ, જાણો ભારતીય કંપનીઓ પર કેટલી અસર પડશે | Moneycontrol Gujarati
Get App

અમેરિકામાં દવાઓ મોંઘી થશે? ટ્રમ્પ સરકારનો 100% ટેક્સનો પ્રસ્તાવ, જાણો ભારતીય કંપનીઓ પર કેટલી અસર પડશે

Trump tariffs on pharma: અમેરિકાની ટ્રમ્પ સરકારે પેટન્ટવાળી દવાઓ પર 100% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાણો જેનરિક દવાઓ પર ભારતને કેટલી રાહત મળશે અને ફાર્મા સેક્ટર પર આની શું અસર થશે.

અપડેટેડ 11:27:08 AM Apr 05, 2026 પર
Story continues below Advertisement
Trump tariffs on pharma: અમેરિકાની ટ્રમ્પ સરકારે પેટન્ટવાળી દવાઓ પર 100% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Trump tariffs on pharma: અમેરિકાની ટ્રમ્પ સરકારે ફાર્મા કંપનીઓને એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકામાં જ દવાઓનું ઉત્પાદન વધારવાની રણનીતિના ભાગરૂપે વિદેશથી આવતી ફાર્મા પ્રોડક્ટ્સ પર 100% ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાનો નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હાલ પૂરતી જેનરિક દવાઓ બનાવતી કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આ રાહત કાયમી નથી. થોડા સમય પછી ચિત્ર બદલાઈ શકે છે.

પેટન્ટવાળી દવાઓ પર આકરા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. મોટા ફાર્મા પ્લેયર્સ માટે આ નવો 100% ટેરિફ 120 દિવસમાં અને નાની કંપનીઓ માટે 180 દિવસમાં લાગુ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ છે. જોકે બધા માટે નિયમો એકસરખા નથી. યુરોપિયન યુનિયન, જાપાન, કોરિયા, સ્વિટ્ઝરલેન્ડ અને લિક્ટેંસ્ટીન જેવા દેશોમાંથી આવતી પ્રોડક્ટ્સ પર માત્ર 15% ટેક્સ લાગશે. બ્રિટનથી આવતા ઉત્પાદનો પર તો આનાથી પણ ઓછો ચાર્જ વસૂલવામાં આવશે.

ટ્રમ્પ પ્રશાસને કંપનીઓ સામે એક રસ્તો પણ ખુલ્લો રાખ્યો છે. જે કંપનીઓ અમેરિકામાં જ ઉત્પાદન કરવા અને ‘મોસ્ટ ફેવર્ડ નેશન' (MFN) પ્રાઈસિંગ એગ્રીમેન્ટ સ્વીકારવા તૈયાર થશે તેમને 20 જાન્યુઆરી 2029 સુધી આ ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. MFN પ્રાઈસિંગનો સીધો અર્થ એ છે કે કંપની પોતાના અન્ય કોઈ પણ ગ્રાહકને જે સૌથી ઓછી કિંમતે દવા આપે છે તે જ કિંમત અમેરિકન ખરીદદારોને પણ આપવી પડશે. જો ક્યાંય બીજી જગ્યાએ ભાવ ઘટે તો તેનો ફાયદો અમેરિકાને પણ આપવો પડે. જોકે જે કંપનીઓ માત્ર અમેરિકામાં ઉત્પાદન કરવાની શરત માનશે તેમણે શરૂઆતમાં 20% ટેરિફ ચૂકવવો પડશે. આ દર ધીમે ધીમે વધીને ચાર વર્ષમાં 100% સુધી પહોંચી જશે.

સામાન્ય લોકોને સસ્તામાં મળતી જેનરિક દવાઓ, બાયોસિમિલર પ્રોડક્ટ્સ અને તેના કાચા માલને હાલ આ ટેરિફના દાયરામાંથી બહાર રખાયા છે. દુર્લભ બીમારીઓની દવાઓ અને પ્રાણીઓની સ્વાસ્થ્ય સંબંધિત પ્રોડક્ટ્સ પર પણ કોઈ નવો ટેક્સ નથી. મોટી વાત એ છે કે એક વર્ષ પછી આ આખી સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવશે. સરકાર કડક ઓડિટ સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે જેમાં જરૂર પડ્યે પાછલી અસરથી પણ ટેરિફ વસૂલી શકાય તેવી જોગવાઈ છે.

ભારતીય દવા બજાર પર આ નિર્ણયની સીધી અસર જોવા મળશે. દેશની જાણીતી કંપની સન ફાર્મા માટે આ સમાચાર થોડી ચિંતા વધારી શકે છે. સન ફાર્મા ભારતની એવી મોટી કંપની છે જેની બ્રાન્ડેડ દવાઓમાં સારી પકડ છે અને તેની લગભગ 20% આવક આ બ્રાન્ડેડ દવાઓમાંથી જ આવે છે. એક સારી બાબત એ છે કે તેમની મુખ્ય દવા Illumya યુરોપમાં બને છે એટલે તેને ઓછો ટેરિફ લાગવાનો ફાયદો મળી શકે છે.


ભારત અમેરિકાને 40થી 50% જેનરિક દવાઓ સપ્લાય કરે છે. એક વર્ષ પછી થનારી સમીક્ષાને કારણે ભારતીય જેનરિક ફાર્મા કંપનીઓમાં અત્યારથી થોડી અનિશ્ચિતતાનો માહોલ છે. આંકડા પર નજર કરીએ તો ભારતના કુલ ફાર્મા નિકાસનો 34થી 35% હિસ્સો માત્ર અમેરિકા જાય છે. નાણાકીય વર્ષ 2025માં આ આંકડો લગભગ $3000 કરોડ (2.78 લાખ કરોડ) રહ્યો હતો. અમેરિકાને થયેલા અંદાજિત $1050 કરોડ (97.38 હજાર કરોડ)ના એક્સપોર્ટમાં 95%થી વધુ હિસ્સો તો માત્ર જેનરિક દવાઓનો જ હતો. આ સમયગાળા દરમિયાન નિકાસમાં 20.4%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહે છે કે એક વર્ષ પછી અમેરિકાની સરકાર જેનરિક દવાઓ માટે શું નવો નિર્ણય લે છે.

આ પણ વાંચો- Bank of Baroda vs Union Bank: માર્ચ ક્વાર્ટરમાં કઈ સરકારી બેંકનું પ્રદર્શન રહ્યું શાનદાર? જાણો આંકડા અને શેરોની ચાલ

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 05, 2026 11:27 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.