Donald Trump Venezuela Oil Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની નવી સરકાર સાથે 50 મિલિયન બેરલ ઓઈલની મોટી ડીલ કરી છે. જાણો આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું અસર થશે અને ઓઈલની કમાણીનો ઉપયોગ ક્યાં થશે.
Donald Trump Venezuela Oil Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની નવી સરકાર સાથે 50 મિલિયન બેરલ ઓઈલની મોટી ડીલ કરી છે.
Donald Trump Venezuela Oil Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિર્ણયથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું ક્રૂડ ઓઈલ આપવા માટે તૈયાર થઈ ગઈ છે. આ સમાચાર આવતાની સાથે જ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે.
નવા સંબંધોની શરૂઆત
આ જાહેરાતનો સમય ખૂબ જ સૂચક છે. વેનેઝુએલામાં વચગાળાના પ્રમુખ તરીકે ડેલ્સી રોડ્રિગ્ઝે શપથ લીધા, તેના બરાબર બીજા જ દિવસે ટ્રમ્પે આ ડીલની જાણકારી આપી હતી. આ બાબત સ્પષ્ટ કરે છે કે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના રાજદ્વારી સંબંધો હવે બદલાઈ રહ્યા છે અને બંને દેશો એકબીજાની નજીક આવી રહ્યા છે.
ઓઈલના પૈસાનો ઉપયોગ ક્યાં થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઓઈલ મફતમાં નથી મળી રહ્યું, પરંતુ તેને બજાર કિંમતે વેચવામાં આવશે. જોકે, આ ડીલની ખાસ વાત એ છે કે ઓઈલ વેચવાથી જે પણ આવક થશે, તેના પર નિયંત્રણ ડોનાલ્ડ ટ્રમ્પનું રહેશે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, "અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આ ફંડ પર મારું કંટ્રોલ રહેશે અને આ પૈસાનો ઉપયોગ અમેરિકા તથા વેનેઝુએલાના સામાન્ય લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે."
આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ટ્રમ્પે ઉર્જા સચિવ ક્રિસ રાઈટને તાત્કાલિક કામ પર લાગી જવાની સૂચના આપી દીધી છે, જેથી સ્ટોરેજ જહાજો મારફતે ઓઈલ જલ્દીથી અમેરિકા પહોંચાડી શકાય.
ઓઈલ ક્યાં છે અને અમેરિકા કેવી રીતે પહોંચશે?
વ્હાઇટ હાઉસના સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, 50 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. આ તેલનો મોટો જથ્થો હાલમાં દરિયામાં જહાજો પર છે. હવે આ જહાજોને સીધા મેક્સિકોના અખાત તરફ વાળવામાં આવશે, જ્યાં અમેરિકન રિફાઈનરીઓમાં તેને પ્રોસેસ કરવામાં આવશે. અમેરિકામાં રોજના લગભગ 20 મિલિયન બેરલ ઓઈલની ખપત છે, તેથી આ નવો જથ્થો પૂરવઠો જાળવી રાખવામાં મદદરૂપ થશે.
શું પેટ્રોલ સસ્તું થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ તરત જ ઓઈલના ભાવ પર અસર જોવા મળી હતી. અમેરિકન ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 1 ડોલરનો ઘટાડો થયો હતો અને ભાવ ઘટીને 56 ડોલર સુધી પહોંચી ગયા હતા. આ લગભગ 2% નો ઘટાડો છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે લોકોએ પેટ્રોલના ભાવમાં મોટા ઘટાડાની આશા ન રાખવી જોઈએ. ઈતિહાસ તપાસીએ તો, 2022માં જ્યારે જો બાઈડને 180 મિલિયન બેરલ રિઝર્વ ઓઈલ માર્કેટમાં મૂક્યું હતું, ત્યારે પણ પેટ્રોલના ભાવમાં પ્રતિ ગેલન માત્ર 13 થી 31 સેન્ટનો જ ઘટાડો થયો હતો. એટલે કે, ભાવ ઘટશે ખરા, પરંતુ બહુ મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે.