RBI Guidelines: ફાટેલી કે જૂની નોટોને લઈ ચિંતા છોડો! એક દિવસમાં કેટલી નોટ બદલી શકાશે? જાણો RBIના મહત્વના નિયમો | Moneycontrol Gujarati
Get App

RBI Guidelines: ફાટેલી કે જૂની નોટોને લઈ ચિંતા છોડો! એક દિવસમાં કેટલી નોટ બદલી શકાશે? જાણો RBIના મહત્વના નિયમો

RBI Guidelines: શું તમારી પાસે પણ ફાટેલી કે રંગ લાગેલી નોટો પડી છે? ચિંતા કરશો નહીં! RBIના નિયમ મુજબ તમે બેંકમાં જઈને આ નોટો સરળતાથી બદલાવી શકો છો. જાણો એક દિવસમાં કેટલી નોટ બદલી શકાય અને તેની મર્યાદા શું છે.

અપડેટેડ 07:33:19 PM Jan 06, 2026 પર
Story continues below Advertisement
BIના સ્પષ્ટ નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ બેંકની શાખામાં જઈને જૂની કે ફાટેલી નોટો બદલાવી શકે છે. એક વ્યક્તિ એક દિવસમાં વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે.

RBI Guidelines: આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ દુકાનદાર ભૂલથી ફાટેલી, ગંદી કે ટેપ મારેલી નોટ પધરાવી દે છે. ક્યારેક તો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે પણ આવી ખરાબ હાલતની નોટો નીકળી આવે છે. જ્યારે આપણે આ નોટ બજારમાં વાપરવા જઈએ છીએ, ત્યારે કોઈ તેને લેવા તૈયાર થતું નથી. આવી સ્થિતિમાં સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ નોટનું કરવું શું?

પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફાટેલી અને જૂની નોટો બદલવા માટે ગ્રાહકોના હિતમાં કેટલાક સરળ નિયમો બનાવ્યા છે. ચાલો જાણીએ કે તમે બેંકમાં જઈને એક દિવસમાં કેટલી નોટ બદલાવી શકો છો અને તેના માટે કોઈ ચાર્જ લાગે છે કે નહીં.

એક દિવસમાં કેટલી નોટ બદલી શકાય?

RBIના સ્પષ્ટ નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ બેંકની શાખામાં જઈને જૂની કે ફાટેલી નોટો બદલાવી શકે છે. એક વ્યક્તિ એક દિવસમાં વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. જોકે, આ નોટોની કુલ કિંમત 5,000 રૂપિયા થી વધારે હોવી જોઈએ નહીં. જો તમારી નોટો આ મર્યાદામાં હશે, તો બેંક તમને કાઉન્ટર પર જ તરત રોકડા પૈસા ચૂકવી દેશે.

જો તમારી પાસે 5,000 રૂપિયાથી વધુ કિંમતની નોટો છે, તો બેંક તે નોટો સ્વીકારી લેશે પરંતુ તેના પૈસા રોકડા આપવાને બદલે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. વળી, જો નોટોની કિંમત 50,000 રૂપિયા થી વધુ હોય, તો બેંક તેને બદલવાની પ્રક્રિયામાં થોડો વધુ સમય લઈ શકે છે અને નિયમ મુજબ કાર્યવાહી કરશે.


શું નોટ બદલવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડે?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું બેંક નોટ બદલવાના પૈસા કાપે છે? તો જવાબ છે - ના. RBIની ગાઈડલાઈન મુજબ, સામાન્ય રીતે ફાટેલી નોટો બદલવા માટે બેંક કોઈ પણ પ્રકારની ફી (Fee) લઈ શકતી નથી. આ સેવા ગ્રાહકો માટે મફત છે.

જોકે, નોટ કેટલી ખરાબ છે તેના પર તમને કેટલા પૈસા મળશે તે નક્કી થાય છે. જે નોટોની ઓળખ સ્પષ્ટ છે અને તેના સિક્યુરિટી ફીચર્સ જેમ કે ગાંધીજીનો ફોટો, સીરીયલ નંબર, વોટરમાર્ક દેખાય છે, તેવી નોટો બેંકોએ બદલી આપવી પડે છે. તેમાં ગંદી, ફાટેલી કે થોડી તૂટેલી નોટોનો સમાવેશ થાય છે. પરંતુ જો કોઈ નોટ ઈરાદાપૂર્વક ફાડવામાં આવી હોય કે કાપવામાં આવી હોય, તો બેંક તેને બદલવાની ના પાડી શકે છે.

વધુ ખરાબ કે બળી ગયેલી નોટોનું શું?

જો તમારી પાસે એવી નોટ છે જે આગમાં બળી ગઈ હોય, એકબીજા સાથે ચોંટી ગઈ હોય અથવા જેની હાલત ખૂબ જ ખરાબ હોય, તો સામાન્ય બેંક શાખા તેને લેવાની ના પાડી શકે છે. આવી અત્યંત ખરાબ નોટો બદલવા માટે તમારે RBIની ઈશ્યુ ઓફિસનો સંપર્ક કરવો પડે છે. ત્યાં સ્પેશિયલ ઓફિસર્સ આ નોટોનું નિરીક્ષણ કરે છે અને તેના આધારે નક્કી કરે છે કે ગ્રાહકને કેટલા પૈસા પરત મળશે.

નાની નોટો પર પૂરા પૈસા મળવાનો નિયમ

RBI એ ગ્રાહકોના ફાયદા માટે એક ખાસ નિયમ બનાવ્યો છે. 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની નાની ચલણી નોટોમાં અડધા પૈસા આપવાનો કોઈ નિયમ નથી. એટલે કે, જો આ નોટો બદલાવા લાયક હોય તો તેના બદલામાં પૂરેપૂરા પૈસા જ મળે છે.

જ્યારે 50 થી 500 રૂપિયા સુધીની મોટી નોટોમાં, નોટની હાલત જોઈને નિર્ણય લેવામાં આવે છે. જો નોટ વધારે ફાટેલી હોય તો કદાચ થોડા પૈસા કપાઈ શકે છે. યાદ રાખો, એપ્રિલ 2017 માં RBI એ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બેંક ફાટેલી કે ગંદી નોટો સ્વીકારવાની ના પાડી શકે નહીં. તેથી જો તમારી પાસે આવી નોટો હોય, તો તેને કચરામાં ફેંકવાને બદલે બેંકમાં જઈને બદલાવી લો. આ તમારો હક છે.

આ પણ વાંચો-LICનું પ્રીમિયમ ભરવા માટે પૈસા નથી? ચિંતા છોડો! હવે સીધા PF એકાઉન્ટમાંથી ભરી શકાશે હપ્તો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2026 7:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.