શું હવે UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? 2000થી વધુના ટ્રાન્ઝેક્શન અંગે સંસદમાં નવું બિલ, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે
શું તમે પણ UPI નો ઉપયોગ કરો છો? તો આ મોટા સમાચાર ખાસ વાંચો. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.40% સુધીનો ચાર્જ લાગી શકે છે. જાણો લોકસભામાં રજૂ થયેલા નવા બિલની તમારા પર શું અસર થશે.
નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ ગ્રાહક કોઈપણ વેપારીને 2000 રૂપિયાથી વધુનું UPI પેમેન્ટ કરશે, તો તેના પર 0.25% થી લઈને 0.40% સુધીનો MDR ચાર્જ વસૂલવાની મંજૂરી મળી શકે છે.
આજના સમયમાં શાકભાજી લેવાથી માંડીને શોપિંગ કરવા સુધી આપણે સૌ ડિજિટલ પેમેન્ટનો છૂટથી ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી આ સુવિધા એકદમ ફ્રી હતી, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વેપારીઓને કરવામાં આવતા મોટા પેમેન્ટ પર ટૂંક સમયમાં ચાર્જ ચૂકવવો પડી શકે છે.
સંસદમાં રજૂ થયું નવું બિલ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું છે. આ બિલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા અમુક નક્કી કરેલા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લગાવવા પરનો પ્રતિબંધ હટાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવો નિયમ ક્યારથી લાગુ થશે, તેનો નિર્ણય હજુ લેવાયો નથી.
કેટલો ચાર્જ લાગશે?
નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ ગ્રાહક કોઈપણ વેપારીને 2000 રૂપિયાથી વધુનું UPI પેમેન્ટ કરશે, તો તેના પર 0.25% થી લઈને 0.40% સુધીનો MDR ચાર્જ વસૂલવાની મંજૂરી મળી શકે છે.
સામાન્ય માણસને ડરવાની જરૂર નથી
આ સમાચાર સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે સામાન્ય લોકોના રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય.એક વ્યક્તિના સામાન્ય UPI એકાઉન્ટમાંથી બીજી વ્યક્તિના સામાન્ય એકાઉન્ટમાં પૈસા મોકલવા પર કોઈ જ ચાર્જ લાગશે નહીં. દૂધ, શાકભાજી, કરિયાણું કે ઓટો-ટેક્સીના ભાડા જેવી નાની ખરીદી પર આ નિયમની કોઈ અસર નહીં થાય, કારણ કે તે વ્યવહારો મોટાભાગે 2000 રૂપિયાની અંદર જ હોય છે.
95 ટકા ટ્રાન્ઝેક્શન રહેશે એકદમ ફ્રી
આંકડાઓ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં દેશમાં લગભગ 23.7 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ કિંમત 29.9 લાખ કરોડ રૂપિયા હતી. સરકારી અંદાજ મુજબ, 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ કુલ UPI વ્યવહારોના માત્ર 5% જ હોય છે (જોકે વેલ્યુની દ્રષ્ટિએ તે 65% હિસ્સો ધરાવે છે). આનો સીધો અર્થ એ છે કે જો આ નિયમ લાગુ પણ થશે, તો 95% ટ્રાન્ઝેક્શન પર કોઈ જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહીં લાગે.
ચાર્જની મહત્તમ મર્યાદા નક્કી થઈ શકે
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, ક્રેડિટ કાર્ડથી વિપરીત UPI ટ્રાન્ઝેક્શનમાં કોઈ મોટી ફંડિંગ કોસ્ટ હોતી નથી. તેથી, ખર્ચ કવર થઈ જાય તે માટે સરકાર ચાર્જ વસૂલવા માટે એક ચોક્કસ 'મેક્સિમમ લિમિટ' નક્કી કરી શકે છે. વળી, એવું પણ જરૂરી નથી કે વેપારીઓ આ ચાર્જનો બોજ સીધો ગ્રાહકો પર જ નાખે, કારણ કે આ રકમ ખૂબ નાની હશે.
હાલમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર કેટલો લાગે છે ચાર્જ?
તમને જણાવી દઈએ કે અત્યારે ક્રેડિટ અને ડેબિટ કાર્ડના સ્વાઇપ પર MDR વસૂલવામાં આવે છે. ક્રેડિટ કાર્ડમાં આ ફી રેગ્યુલેટ ન હોવાથી તે ટ્રાન્ઝેક્શન વેલ્યુના 3% સુધી હોઈ શકે છે. ડેબિટ કાર્ડ દ્વારા 20 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 0.40% ની લિમિટ છે, જ્યારે 20 લાખથી વધુ રકમ માટે આ ચાર્જ 0.90% સુધી લાગે છે.