આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે: તમે EPFO ના સભ્ય હોવા જોઈએ અને તમારું PF એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ.
LIC Premium Payment from PF: જો તમે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ની પોલિસી લીધી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ઘણીવાર એવું બને છે કે આર્થિક ભીંસ અથવા પૈસાની તંગીને કારણે આપણે સમયસર વીમાનું પ્રીમિયમ ભરી શકતા નથી. જેના કારણે પોલિસી લેપ્સ થવાનો ડર રહેતો હોય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
EPFO તેના સભ્યોને એક ખાસ સુવિધા આપે છે. જે અંતર્ગત તમે તમારા EPF એકાઉન્ટમાં જમા થયેલા પૈસામાંથી LIC નું પ્રીમિયમ સીધું ભરી શકો છો. ચાલો જાણીએ આ સુવિધાનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે.
શું છે EPFO નો નિયમ?
EPFOના નિયમો મુજબ, EPF સ્કીમનો 'પેરા 68(DD)' સભ્યોને આ સુવિધા આપે છે. આ નિયમ હેઠળ તમે નવી LIC પોલિસી ખરીદવા અથવા તમારી જૂની પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે PF ના પૈસાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા મુશ્કેલ સમયમાં એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે.
કોણ લઈ શકે છે આ સુવિધાનો લાભ?
આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે: તમે EPFO ના સભ્ય હોવા જોઈએ અને તમારું PF એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. તમારા PF ખાતામાં ઓછામાં ઓછો 2 મહિનાના પગાર જેટલો બેલેન્સ હોવો જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે LIC પોલિસી ફક્ત તમારા પોતાના નામે હોવી જોઈએ. જો પોલિસી પત્ની કે બાળકોના નામે હશે તો આ સુવિધા નહીં મળે. આ સુવિધા માત્ર LIC ની પોલિસી માટે જ છે, બીજી કોઈ પ્રાઈવેટ કંપની માટે નહીં.
કેટલા પૈસા ઉપાડી શકાય?
તમે PF ખાતામાંથી એટલી જ રકમનો ઉપયોગ કરી શકો છો જેટલી પ્રીમિયમ ભરવા માટે જરૂરી હોય. એકવાર તમે આ રકમ વાપરો એટલે તે તમારા PF બેલેન્સમાંથી ઓછી થઈ જશે. એટલે કે તમારા રિટાયરમેન્ટ ફંડ પર તેની અસર પડશે. વર્ષમાં એકવાર જ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
PF માંથી LIC પ્રીમિયમ કેવી રીતે ભરવું?
જો તમારે આ સુવિધાનો લાભ લેવો હોય તો નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે સૌથી પહેલા તમારે ફોર્મ-14 (Form-14) જમા કરાવવું પડશે. ત્યારબાદ EPFO ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારા UAN નંબર અને પાસવર્ડથી લોગ-ઈન કરો. ત્યાં 'KYC' સેક્શનમાં જઈને LIC નો વિકલ્પ પસંદ કરો. તમારો પોલિસી નંબર અને બીજી જરૂરી વિગતો ત્યાં ભરો. બધી વિગતો ચકાસીને સબમિટ કરો. એકવાર તમારી પોલિસી લિંક થઈ જશે, પછી જ્યારે પ્રીમિયમ ભરવાની તારીખ (Due Date) આવશે ત્યારે તમારા PF એકાઉન્ટમાંથી પૈસા આપોઆપ કપાઈ જશે.
આ સુવિધાના ફાયદા શું છે?
પૈસાની તંગી હોય તો પણ પોલિસી ચાલુ રહે છે અને લેપ્સ થતી નથી. પ્રીમિયમ ભરવા માટે કોઈની પાસે ઉછીના પૈસા કે લોન લેવાની જરૂર પડતી નથી. આખી પ્રોસેસ ઓનલાઇન હોવાથી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ધ્યાન રાખવા જેવી બાબતો
આ સુવિધાનો લાભ લેતા પહેલા એ ખાસ ધ્યાન રાખવું કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની વિગતો (KYC) અપડેટ હોવી જોઈએ. જો માહિતી ખોટી હશે તો તમારી રિક્વેસ્ટ રિજેક્ટ થઈ શકે છે. સામાન્ય રીતે આ સુવિધા વાર્ષિક પ્રીમિયમ માટે જ મળે છે, ત્રિમાસિક કે અર્ધ-વાર્ષિક માટે નહીં.
PF ના પૈસા LIC પ્રીમિયમ માટે વાપરવા એ મુશ્કેલીના સમયમાં સારો વિકલ્પ છે. પરંતુ સલાહ એ જ છે કે આને કાયમી આદત ન બનાવવી. કારણ કે PF એ તમારા ઘડપણનો સહારો છે. જ્યારે બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે જ આ વિકલ્પ પસંદ કરવો હિતાવહ છે.