Gold-Silver Price Drop: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! 4.20 લાખની ચાંદી ગગડીને 2.44 લાખ પર આવી ગઈ છે જ્યારે સોનું 37000 રૂપિયા સસ્તું થયું છે. જાણો ભાવ તૂટવા પાછળના 4 મુખ્ય કારણો.
Gold-Silver Price Drop: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! 4.20 લાખની ચાંદી ગગડીને 2.44 લાખ પર આવી ગઈ છે જ્યારે સોનું 37000 રૂપિયા સસ્તું થયું છે.
Gold-Silver Price Drop: સોનું અને ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે છેલ્લા થોડા દિવસો કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછા નથી રહ્યા. જે રીતે ભાવ ઉપર ચડ્યા હતા અને હવે જે રીતે પટકાયા છે, તે જોઈને રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. હજુ માંડ 3 અઠવાડિયા પહેલાની જ વાત છે જ્યારે સોના-ચાંદીના ભાવ આસમાને હતા, પણ અત્યારે ચિત્ર આખું બદલાઈ ગયું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદી 4.20 લાખ અને સોનું 1.93 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું. પણ હવે બજારમાં એક મોટી સુનામી આવી છે.
વૈશ્વિક કારણો અને નફાખોરીને લીધે કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. હાલમાં સ્થિતિ એવી છે કે ચાંદી તેના ટોચના ભાવથી લગભગ 40% અને સોનું 20% જેટલું સસ્તું મળી રહ્યું છે.
ચાંદીમાં ઐતિહાસિક ગાબડું
ચાંદીના ભાવમાં જે ઘટાડો આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ વાયદાની ચાંદી 2,44,360 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. હવે જો આપણે ગણતરી માંડીએ અને તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત એટલે કે 4,20,048 રૂપિયા સાથે સરખામણી કરીએ, તો ચાંદી અત્યારે સીધી 1,75,688 રૂપિયા સસ્તી મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આવેલો આ કડાકો છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. જે લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ આંકડા રાહતના સમાચાર સમાન છે.
સોનું પણ 37000 રૂપિયા સસ્તું થયું
માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 29 જાન્યુઆરીના રોજ 1,93,096 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલે પહોંચી ગયું હતું. ત્યાંથી ગગડીને અત્યારે સોનું 1,55,895 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. સીધો હિસાબ લગાવીએ તો સોનું તેના હાઈ લેવલથી અત્યારે લગભગ 37,201 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. લગ્નસરાની સીઝન પહેલા આ ઘટાડો ગ્રાહકોને થોડીક રાહત આપી શકે છે.
ભાવ તૂટવા પાછળના 4 મોટા કારણો
બજારના જાણકારો કહે છે કે આ ઘટાડો કોઈ એક કારણસર નથી આવ્યો. આની પાછળ મુખ્યત્વે ચાર પરિબળો કામ કરી રહ્યા છે.
1) ટ્રમ્પની નીતિઓ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં છે અને તેમની નીતિઓની અસર દેખાવા લાગી છે. તેમણે ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે કેવિન વોર્શનું નામ જાહેર કર્યું છે. આ જાહેરાત બાદ ડોલર મજબૂત થયો છે અને જ્યારે ડોલર મજબૂત થાય ત્યારે સોના-ચાંદી પર દબાણ આવે તે સ્વાભાવિક છે.
2) નફાખોરી (Profit Booking): જાન્યુઆરી મહિનામાં જ્યારે ભાવ રોકેટ ગતિએ વધ્યા ત્યારે મોટા રોકાણકારોએ પોતાનો નફો બુક કરવાનું શરૂ કરી દીધું. તેમણે ઊંચા ભાવે સોનું-ચાંદી વેચીને રોકડી કરી લીધી, જેના કારણે બજારમાં વેચવાલીનું દબાણ આવ્યું.
3) વ્યાજ દરોની ચિંતા: અમેરિકામાં રોજગારીના આંકડા ધારણા કરતા વધુ મજબૂત આવ્યા છે. આનો અર્થ એ થયો કે ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત છે, જેથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં જલ્દી કાપ મૂકે તેવી શક્યતા ઓછી થઈ ગઈ છે. વ્યાજ દર ઘટવાની આશા ઓછી થતા સોનામાં રોકાણનું આકર્ષણ થોડું ઘટ્યું છે.
4) ચીનનું કનેક્શન: ચીન સોના-ચાંદીનું મોટું બજાર છે. ત્યાંના બજારોમાં ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. સ્વાભાવિક છે કે વૈશ્વિક બજારમાં ચીનની અસર મોટી હોય છે, તેથી તેની સીધી અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે.