સોના-ચાંદીને ટક્કર આપશે ‘તાંબુ’! શું હવે Copper કરાવશે મોટી કમાણી? જાણો ક્યાં અને કેવી રીતે કરવું રોકાણ
Copper Investment: સોના અને ચાંદીમાં જોરદાર રિટર્ન બાદ હવે રોકાણકારોની નજર કોપર પર છે. શું કોપરમાં રોકાણ કરવું ફાયદાકારક છે? ભારતમાં સામાન્ય રોકાણકારો માટે તેમાં રોકાણના કયા વિકલ્પો ઉપલબ્ધ છે? જાણો આ રિપોર્ટમાં.
Copper Investment: સોના અને ચાંદીમાં જોરદાર રિટર્ન બાદ હવે રોકાણકારોની નજર કોપર પર છે.
Copper Investment: છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. બંને કિંમતી ધાતુઓએ રિટર્નના તમામ રેકોર્ડ તોડ્યા છે. જોકે, હવે શેરબજારમાં જોવા મળી રહેલી સુસ્તી વચ્ચે રોકાણકારોનું ધ્યાન અન્ય કોમોડિટી તરફ વળ્યું છે. ગોલ્ડ અને સિલ્વર બાદ હવે ‘કોપર’ રોકાણકારો માટે નવો હોટ ફેવરિટ વિકલ્પ બની રહ્યો છે. બજારમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું કોપર સોના-ચાંદીની જેમ જ મોટું વળતર આપી શકશે? અને શું સામાન્ય માણસ તેમાં સીધું રોકાણ કરી શકે છે? ચાલો વિગતે સમજીએ.
સોના-ચાંદી બાદ હવે કોપરનો વારો?
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના આંકડા દર્શાવે છે કે છેલ્લા થોડા સમયમાં ETF અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સોના-ચાંદીમાં જબરદસ્ત રોકાણ આવ્યું છે. હવે જ્યારે સોનું અને ચાંદી રેકોર્ડ સ્તરે છે, ત્યારે રોકાણકારો બીજી મોટી તક શોધી રહ્યા છે. આ શોધ હવે ‘કોપર’ પર આવીને અટકી છે. ઘણા સમય સુધી બેઝ મેટલ તરીકે અવગણના પામેલું કોપર હવે રોકાણકારોના રડાર પર આવી ગયું છે.
કોપરના ભાવ રેકોર્ડ હાઈ લેવલ પર
લંડન મેટલ એક્સચેન્જ (LME) ના ડેટા મુજબ, કોપરના ભાવ માર્ચ 2022 પછીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમેરિકન કોમોડિટી એક્સચેન્જ COMEX પર 6 જાન્યુઆરી 2026 ના રોજ કોપર $6.069 પ્રતિ પાઉન્ડના નવા રેકોર્ડ પર પહોંચ્યું હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ 60% નો ઉછાળો દર્શાવે છે. જોકે, 10 જાન્યુઆરીએ થોડી નરમાઈ સાથે તે $5.85 આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.
ભારતીય બજારની વાત કરીએ તો, અહીં પણ કોપર ફ્યુચર્સે છેલ્લા એક વર્ષમાં લગભગ 36% જેટલું શાનદાર રિટર્ન આપ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે કોપર અત્યારે સૌથી સારું પરફોર્મન્સ આપતી કોમોડિટીઝ પૈકી એક છે.
ભાવ વધવા પાછળના મુખ્ય કારણો
નિષ્ણાતોના મતે કોપરમાં આવેલી આ તેજી પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે:
EV સેક્ટર: ઈલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, જેમાં કોપરનો મોટો ઉપયોગ થાય છે.
ડેટા સેન્ટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ટેકનોલોજીના યુગમાં ડેટા સેન્ટર્સનું નેટવર્ક વધી રહ્યું છે, જે કોપરની માંગ વધારે છે.
ડિફેન્સ સેક્ટર: સંરક્ષણ ક્ષેત્રે પણ કોપરની માંગ મજબૂત બની છે.
સપ્લાયની તંગી: સૌથી મહત્વનું કારણ એ છે કે ગ્લોબલ લેવલે કોપરની સપ્લાય મર્યાદિત છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કોપરની ફિઝિકલ સપ્લાય ઓછી છે જ્યારે ઈલેક્ટ્રિફિકેશનને કારણે માંગ સતત વધી રહી છે. આ ઉપરાંત, ડૉલર નબળો પડવો અને વ્યાજદરોમાં ઘટાડાની આશાએ પણ રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે.
શું સામાન્ય રોકાણકારો કોપરમાં રોકાણ કરી શકે?
કોઈ ETF કે ફંડ નહીં: ભારતમાં હજુ સુધી કોપર આધારિત કોઈ ETF કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઉપલબ્ધ નથી.
ફિઝિકલ ખરીદી મુશ્કેલ: સોના-ચાંદીની જેમ કોપરના સિક્કા કે બાર ખરીદવા માટે કોઈ સંગઠિત માર્કેટ નથી.
ફ્યુચર્સ ટ્રેડિંગનું જોખમ: રોકાણ માટે એકમાત્ર રસ્તો કોપર ફ્યુચર્સ (MCX) છે. પરંતુ અહીં એક કોન્ટ્રાક્ટ 2.5 ટનનો હોય છે. આ માટે મોટું માર્જિન જોઈએ અને તેમાં જોખમ પણ ખૂબ વધારે હોય છે. ભાવમાં નાના ફેરફારથી મોટો નફો કે નુકસાન થઈ શકે છે.
ટૂંકમાં, જેમને કોમોડિટી માર્કેટની ઊંડી સમજ હોય તેવા મોટા ખેલાડીઓ માટે જ અત્યારે કોપર ટ્રેડિંગ યોગ્ય છે. સામાન્ય રોકાણકારો માટે હાલ સીધો અને સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ નથી.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સના રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા પ્રમાણિત એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.)