ચીનની લાંબા ગાળાની આર્થિક રણનીતિ અને ડોલર પર નિર્ભરતા ઘટાડવી
China Gold Reserve 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ સતત નવી ઊંચાઈઓ આંબી રહ્યા છે અને ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આમ છતાં, ચીન સોનાની ખરીદી મામલે કોઈ બ્રેક મારવાના મૂડમાં નથી. પીપલ્સ સેન્ટ્રલ બેંક ઓફ ચાઇના (PBOC) દ્વારા સોનાની ખરીદીનો સિલસિલો અવિરત ચાલુ છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 2026માં ચીને પોતાના ખજાનામાં વધુ 20 ટન સોનું ઉમેર્યું છે. આ સાથે જ ચીને સતત 22મા મહિને ગોલ્ડ ખરીદીને દુનિયાભરના દેશોને ચોંકાવી દીધા છે.
ઓક્ટોબર 2023 પછીનો સૌથી મોટો માસિક ઉછાળો
ચાઇના ડેલીના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2026માં ચીનની સેન્ટ્રલ બેંકે 20,217 કિલોગ્રામ (લગભગ 20.22 મેટ્રિક ટન) સોનું ખરીદ્યું છે. આ શાનદાર ખરીદી બાદ દેશનું કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 2387 ટન પર પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2023 પછી કોઈપણ એક મહિનામાં થયેલી આ સૌથી મોટી ખરીદી છે. ઓક્ટોબર 2023માં ચીને 23,016 કિલોગ્રામ (લગભગ 23.02 મેટ્રિક ટન) સોનું ખરીદ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાના આંકડા જોઈએ તો ઓગસ્ટ 2026નો આ આંકડો સૌથી હાઈએસ્ટ લેવલ પર છે.
શું છે ડ્રેગનનો માસ્ટરપ્લાન?
સતત 22 મહિનાથી ચાલી રહેલી આ ઐતિહાસિક ખરીદી માત્ર કોઈ ટૂંકા ગાળાનું રોકાણ નથી. આની પાછળ ચીનની એક બહુ મોટી અને લાંબા ગાળાની આર્થિક રણનીતિ કામ કરી રહી છે.
ડોલર પર નિર્ભરતા ઘટાડવી: ચીનનો મુખ્ય ટાર્ગેટ અમેરિકન ડોલર પરની પોતાની નિર્ભરતા ધીમે ધીમે ખતમ કરવાનો છે.
અર્થતંત્રની સુરક્ષા: વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ મજબૂત કરવા અને ભવિષ્યના આર્થિક જોખમોથી બચવા માટે ચીન પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં સોના જેવી અત્યંત સુરક્ષિત અને નક્કર સંપત્તિ જમા કરી રહ્યું છે.
વર્ષ 2015 પછીનો સૌથી લાંબો સિલસિલો
ચીનની આ ગોલ્ડ બાઇંગ પોલિસી સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાના ગોલ્ડ રિઝર્વને મજબૂત કરવા કેટલું કટિબદ્ધ છે. પીપલ્સ સેન્ટ્રલ બેંક દ્વારા છેલ્લા 22 મહિનાથી જે રીતે સોનું ખરીદવામાં આવી રહ્યું છે, તે વર્ષ 2015 પછીનો સૌથી લાંબો અને અવિરત ખરીદીનો સમયગાળો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે સોનાનું વધતું મહત્ત્વ અને ચીનનું આ આક્રમક આર્થિક પગલું આગામી સમયમાં આખી દુનિયાના નાણાકીય બજાર પર બહુ ઊંડી અસર છોડી શકે છે.