સોનાની સામે અમેરિકા અને ચીન પણ ઝાંખા! માર્કેટ કેપ ભારતની GDP કરતા 8 ગણું થયું, 1 તોલાનો ભાવ સાંભળીને ચોંકી જશો | Moneycontrol Gujarati
Get App

સોનાની સામે અમેરિકા અને ચીન પણ ઝાંખા! માર્કેટ કેપ ભારતની GDP કરતા 8 ગણું થયું, 1 તોલાનો ભાવ સાંભળીને ચોંકી જશો

સોના-ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા! સોનાનું માર્કેટ કેપ હવે અમેરિકાની GDP કરતા પણ વધી ગયું છે અને ભારતની ઇકોનોમી કરતા 8 ગણું મોટું છે. જાણો ભારતમાં 10 ગ્રામ સોનાનો અને 1 કિલો ચાંદીનો લેટેસ્ટ ભાવ.

અપડેટેડ 02:35:19 PM Jan 28, 2026 પર
Story continues below Advertisement
આપણા ભારતની વાત કરીએ તો, ફોર્બ્સના રિપોર્ટ મુજબ ભારતની GDP 4.13 ટ્રિલિયન ડૉલર છે. જેની સરખામણીમાં સોનાનું માર્કેટ કેપ ભારતની અર્થવ્યવસ્થા કરતા લગભગ 8 ગણું વધારે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે સોના અને ચાંદીની તેજી જોઈને મોટા-મોટા અર્થશાસ્ત્રીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આપણે શેરબજારમાં કંપનીઓના વેલ્યુએશનની વાત કરતા હતા, પરંતુ હવે સોના (Gold) અને ચાંદી (Silver) એ જે હરણફાળ ભરી છે, તેની સામે દુનિયાની મોટી મહાસત્તાઓ પણ વામણી પુરવાર થઈ રહી છે. લેટેસ્ટ આંકડા મુજબ, સોનાનું માર્કેટ કેપ હવે 35 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.

ભાવ આસમાને: સોનું 5100 ડૉલર અને ચાંદી 108 ડૉલરને પાર

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આગ લાગી છે. એક ઔંશ (આશરે 31.10 ગ્રામ) સોનાનો ભાવ 5100 ડૉલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ચાંદી પણ પાછળ નથી, તેનો ભાવ પ્રતિ ઔંશ 108 ડૉલરને ક્રોસ કરી ગયો છે. આ તોતિંગ વધારાને કારણે સોનાનું કુલ માર્કેટ કેપ 35 ટ્રિલિયન ડૉલર અને ચાંદીનું 6 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે.


અમેરિકા અને ચીનની ઇકોનોમી કરતા પણ સોનું મોટું!

તમને જાણીને નવાઈ લાગશે કે સોનાનું એકલાનું માર્કેટ કેપ હવે અમેરિકા જેવી સુપરપાવર કંટ્રીની કુલ GDP કરતા પણ વધારે થઈ ગયું છે.

અમેરિકાની GDP: 30.62 ટ્રિલિયન ડૉલર

સોનાનું માર્કેટ કેપ: 35.348 ટ્રિલિયન ડૉલર

આમ, સોનાએ અમેરિકાને પછાડી દીધું છે. એટલું જ નહીં, ચીનની 19.4 ટ્રિલિયન ડૉલરની GDP કરતા સોનાનું માર્કેટ કેપ લગભગ બમણું છે.

ભારતની ઇકોનોમી કરતા 8 ગણું મોટું માર્કેટ

આપણા ભારતની વાત કરીએ તો, ફોર્બ્સના રિપોર્ટ મુજબ ભારતની GDP 4.13 ટ્રિલિયન ડૉલર છે. જેની સરખામણીમાં સોનાનું માર્કેટ કેપ ભારતની અર્થવ્યવસ્થા કરતા લગભગ 8 ગણું વધારે છે. મજાની વાત એ છે કે માત્ર ચાંદીનું માર્કેટ કેપ (6.205 ટ્રિલિયન) પણ ભારતની કુલ GDP કરતા મોટું થઈ ગયું છે.

દુનિયાની સૌથી મોટી કંપનીઓ પણ પાણી ભરે છે

હાલમાં AI ચિપ બનાવતી કંપની 'એનવીડિયા' (Nvidia) દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની છે, જેનું માર્કેટ કેપ 4.569 ટ્રિલિયન ડૉલર છે. પરંતુ જો સોના અને ચાંદીના માર્કેટ કેપનો સરવાળો કરીએ તો તે એનવીડિયા કરતા 9 ગણો વધી જાય છે.

વિશ્વની ટોપ-5 સૌથી મોંઘી એસેટ્સ (સંપત્તિ):

સોનું (Gold): 35.348 ટ્રિલિયન ડૉલર

ચાંદી (Silver): 6.205 ટ્રિલિયન ડૉલર

એનવીડિયા (Nvidia): 4.569 ટ્રિલિયન ડૉલર

અલ્ફાબેટ (Google): 3.964 ટ્રિલિયન ડૉલર

એપલ (Apple): 3.665 ટ્રિલિયન ડૉલર

2026 ના વર્ષમાં ભાવમાં જબરદસ્ત ઉછાળો

વર્ષ 2025 બાદ 2026 માં પણ બુલિયન માર્કેટમાં તેજીનો તોફાની દોર ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 18% અને ચાંદીમાં 51% નો અધધ વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરિફ અંગેની સુનાવણી અને ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયો બજારની દિશા નક્કી કરશે. ઉપરાંત, 1 ફેબ્રુઆરીએ ભારતના બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર થશે તો તેની સીધી અસર ભાવ પર પડશે.

ભારતમાં સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ (MCX)

ભારતીય વાયદા બજાર (MCX) પર નજર કરીએ તો, ગત સપ્તાહના અંતે (23 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ આ મુજબ રહ્યા હતા:

સોનું (10 ગ્રામ): ભાવ 1,55,963 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન હાઈ લેવલ 1,59,226 અને લો લેવલ 1,55,248 રહ્યું હતું.

ચાંદી (1 કિલો): ભાવ 3,34,699 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન 3,34,927 સુધી ઉછાળો અને 3,27,502 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

આમ, રોકાણકારો માટે 'ગોલ્ડ ઈઝ કિંગ'ની કહેવત સાચી પડી રહી છે, કારણ કે સોનું હવે માત્ર ઘરેણું નહીં પણ દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત બની ગયું છે.

આ પણ વાંચો-India-EU FTA: ગુજરાતના વેપારીઓ માટે ખુશખબર! આ ડીલથી સુરત-રાજકોટ સહિત 4 જિલ્લાનું નસીબ બદલાશે, જાણો કેવી રીતે થશે બખ્ખાં

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 2:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.