India-EU FTA: ગુજરાતના વેપારીઓ માટે ખુશખબર! આ ડીલથી સુરત-રાજકોટ સહિત 4 જિલ્લાનું નસીબ બદલાશે, જાણો કેવી રીતે થશે બખ્ખાં
India-EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ ડીલ ગુજરાત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. જાણો આ કરારથી ટેક્સટાઈલ, હીરા અને ફાર્મા સેક્ટરને કેવી રીતે થશે ફાયદો અને કયા જિલ્લાઓમાં આવશે તેજી.
India-EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ ડીલ ગુજરાત માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
India-EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થઈ રહેલો મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement - FTA) ગુજરાતના અર્થતંત્ર માટે કોઈ સોનાના સુરજથી ઓછો નથી. જો તમે પણ કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આ કરાર માત્ર કાગળ પરની સહી નથી, પરંતુ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગકારો માટે યુરોપના દરવાજા ખોલતી ચાવી છે. આ ડીલને કારણે રાજ્યના મુખ્ય ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને યુવાનો માટે રોજગારીની ભરપૂર તકો ઊભી થશે.
હવે ટેક્સ વગર યુરોપ જશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સામાન
સૌથી મોટી વાત એ છે કે યુરોપિયન યુનિયનના 27 દેશોમાં ભારતની લગભગ 9425 જેટલી વસ્તુઓ પર આયાત ડ્યુટી લગભગ નાબૂદ થઈ જશે. સરળ ભાષામાં કહીએ તો, ભારતની 99 ટકા નિકાસ હવે કોઈપણ જાતના ટેક્સ વગર યુરોપના બજારોમાં પ્રવેશી શકશે. અત્યાર સુધી જે ટેક્સના કારણે ભારતીય વસ્તુઓ મોંઘી પડતી હતી, તે હવે સસ્તી થશે અને તેનો સીધો ફાયદો આપણા વેપારીઓને થશે.
ટેક્સટાઈલમાં ગુજરાતનો વાગશે ડંકો
ગુજરાત એટલે કાપડ ઉદ્યોગનું હબ. આ ડીલથી સૌથી મોટો ફાયદો ટેક્સટાઈલ સેક્ટરને થવાનો છે. ભારતીય કપડાં પરથી ટેરિફ હટી જવાથી આપણા કપડાં યુરોપમાં સસ્તા થશે. અત્યાર સુધી બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો ટેક્સ ઓછો હોવાથી આગળ હતા, પરંતુ હવે ભારત તેમને પછાડીને ટેક્સટાઈલમાં ‘નંબર વન’ બની શકે છે. આ સિવાય લેધર (ચામડું) અને જેમ્સ એન્ડ જ્વેલરીના વેપારીઓ માટે પણ યુરોપનું વિશાળ માર્કેટ ખુલી જશે.
ગુજરાતના કયા સેક્ટરને થશે સીધો લાભ?
આ કરારથી ગુજરાતના અનેક ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકાશે:
* ટેક્સટાઈલ્સ અને એપેરલ: કાપડની નિકાસ વધશે, જેથી ઉત્પાદન વધારવું પડશે.
* કેમિકલ્સ અને ફાર્મા: ગુજરાત ફાર્મા હબ છે. ભારતની જેનેરિક દવાઓ માટે યુરોપના 27 દેશોના * બજાર ખુલશે. રસાયણોના વેપારમાં પણ મોટો ઉછાળો આવશે.
* એન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રોનિક્સ: નવી ટેકનોલોજી અને મશીનરીના પાર્ટ્સ યુરોપ મોકલવા સરળ બનશે.
* મરીન પ્રોડક્ટ્સ: દરિયાઈ ખેતી અને માછીમારી ઉદ્યોગને નિકાસમાં મોટી રાહત મળશે.
આ 4 જિલ્લાઓ માટે ડીલ બનશે ‘ગેમ-ચેન્જર’
આ કરારની અસર આખા ગુજરાતમાં થશે, પરંતુ નીચે મુજબના 4 વિસ્તારના ઉદ્યોગોને બમ્પર ફાયદો થવાની શક્યતા છે:
* સુરત: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ હોવાને કારણે સુરતને સૌથી મોટો ફાયદો થશે. હીરા-* ઝવેરાત અને કાપડની નિકાસમાં ધરખમ વધારો જોવા મળશે.
* ભરૂચ-વડોદરા: આ વિસ્તાર કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સનો ગઢ છે. દવાઓ અને રસાયણોની યુરોપમાં માંગ વધતા અહીંના પ્લાન્ટ્સ ધમધમતા થશે.
* રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર એન્જિનિયરિંગ ગુડ્સ માટે જાણીતું છે. હવે રાજકોટના મશીન ટૂલ્સ અને ઓટો પાર્ટ્સ યુરોપ સુધી પહોંચશે.
* વેરાવળ: દરિયાઈ પટ્ટી પર આવેલા વેરાવળના સી-ફૂડ (માછલી અને અન્ય ઉત્પાદનો) ઉદ્યોગને યુરોપના માર્કેટમાં એન્ટ્રી મળતા મોટો નફો થશે.
45 કરોડ લોકોનું માર્કેટ અને રોજગારી
આ ડીલનો અર્થ એ છે કે ભારતીય કંપનીઓને યુરોપના 45 કરોડ લોકોના વિશાળ બજારમાં સીધી એન્ટ્રી મળશે. જ્યારે નિકાસ વધશે, ત્યારે ઉત્પાદન વધારવું પડશે, અને તેના માટે મેનપાવરની જરૂર પડશે. પરિણામે, ગુજરાતમાં અનેક નવી નોકરીઓ ઊભી થશે. બીજી તરફ, યુરોપિયન કંપનીઓ પણ ભારતમાં રોકાણ (FDI) વધારશે. સપ્લાય ચેઇન મજબૂત થવાથી ચીન પરની આપણી નિર્ભરતા પણ ઘટશે.
ટૂંકમાં કહીએ તો, ભારત-EU વચ્ચેનો આ કરાર ગુજરાતના વેપાર-ધંધા માટે નવા યુગની શરૂઆત સમાન છે.