Budget Session 2026: સંસદનું બજેટ સત્ર (Budget Session 2026) આજથી શરૂ થઈ ગયું છે. આ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વિશેષ સંબોધન સાથે થઈ હતી. તેમણે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને એકસાથે સંબોધિત કર્યા હતા. હવે સૌની નજર 1 ફેબ્રુઆરી પર છે, જ્યારે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જોકે, સત્રની શરૂઆત પહેલાં જ વિપક્ષે સરકાર સામે બાંયો ચઢાવી છે અને અનેક મુદ્દે ચર્ચાની માંગ કરી છે.
વિપક્ષનો વિરોધ અને માંગણીઓ
બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતાઓએ 'વિકસિત ભારત-જી રામ જી અધિનિયમ' અને મતદાર યાદીની તપાસ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે, પ્રાપ્ત માહિતી મુજબ સરકારે હાલમાં આ માંગણીઓ સ્વીકારી નથી, જેના કારણે સત્ર તોફાની બનવાની શક્યતા છે.
મહિલાઓની પ્રગતિ અને નારી શક્તિ
રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ભાષણમાં સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, સરકારની પ્રોગ્રેસિવ નીતિઓને કારણે દેશની મહિલાઓએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. તેમણે એક મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા એકાદમી (NDA)માંથી મહિલા કેડેટ્સની પ્રથમ બેચ પાસ આઉટ થઈ છે. આ ઘટના દેશના વિકાસમાં 'નારી શક્તિ' ના મહત્વને સાબિત કરે છે.
2 લાખ સ્ટાર્ટઅપ અને આર્થિક બદલાવ
દેશની આર્થિક પ્રગતિ વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આજે ભારતમાં 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ છે. મુદ્રા યોજનાને કારણે સ્વરોજગારમાં મોટો વધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક સ્તરે સમીકરણો બદલાઈ રહ્યા છે અને ભારત એક મજબૂત વિદેશ નીતિ સાથે આગળ વધી રહ્યું છે. ભારત આજે દુનિયામાં એક સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે.
ગામડાઓમાં 125 દિવસની રોજગાર ગેરંટી અને હોબાળો
રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય 'વિકસિત ભારત-ગ્રામ વિકાસ કાયદો' રહ્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ નવા સુધારાથી ગામડાઓમાં હવે 125 દિવસના રોજગારની ગેરંટી મળશે. આ સાંભળતા જ સત્તાધારી NDA અને ભાજપના સાંસદોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું. બીજી તરફ, વિપક્ષી સાંસદોએ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જગ્યા પર ઉભા થઈને કાયદો પાછો ખેંચવાની માંગ કરવા લાગ્યા હતા.
ઓપરેશન સિંદૂર અને સામાજિક સુરક્ષા
સુરક્ષાના મોરચે રાષ્ટ્રપતિ મુર્મુએ 'ઓપરેશન સિંદૂર' નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં સેનાનું શૌર્ય જોવા મળ્યું અને સરકારે આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા છે.
આ ઉપરાંત, સામાજિક સુરક્ષા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર દલિત, પછાત અને આદિવાસીઓ માટે સંવેદનશીલતાથી કામ કરી રહી છે. 2014 માં માત્ર 25 કરોડ લોકોને સામાજિક સુરક્ષા મળતી હતી, જે સરકારના પ્રયાસોથી વધીને હવે 95 કરોડ લોકો સુધી પહોંચી છે.
#WATCH | Budget session | President Droupadi Murmu receives Guard of Honour as she arrives at the Parliament. (Video: Sansad TV) pic.twitter.com/sUV4pBGiBK
આ બજેટ સત્ર કુલ 65 દિવસ સુધી ચાલશે, જેમાં અંદાજે 30 બેઠકો યોજાશે. સત્રની પૂર્ણાહુતિ 2 એપ્રિલના રોજ થશે. નોંધનીય છે કે, 13 ફેબ્રુઆરીથી બંને ગૃહોની કામગીરી સ્થગિત કરવામાં આવશે અને 9 માર્ચના રોજ ફરીથી મળશે. આ સમયગાળા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીઓ વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ અને માંગણીઓની ચકાસણી કરશે.