Gujarat Budget 2026-27: યાત્રાધામ અંબાજીમાં કાશી જેવો ભવ્ય કોરિડોર અને દાહોદમાં એરપોર્ટ; પ્રવાસન ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોક | Moneycontrol Gujarati
Get App

Gujarat Budget 2026-27: યાત્રાધામ અંબાજીમાં કાશી જેવો ભવ્ય કોરિડોર અને દાહોદમાં એરપોર્ટ; પ્રવાસન ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોક

ગુજરાત બજેટ 2026-27 માં પ્રવાસન માટે મોટી જાહેરાતો: અંબાજીમાં 300 કરોડનો ભવ્ય કોરિડોર, દાહોદમાં નવું એરપોર્ટ અને 'વેડ ઇન ગુજરાત' અભિયાન. જાણો સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 03:32:36 PM Feb 18, 2026 પર
Story continues below Advertisement
વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલ લોકની તર્જ પર હવે અંબાજી શક્તિપીઠનો વિકાસ કરવામાં આવશે.

Gujarat Budget 2026-27: ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકાવવા માટે રાજ્ય સરકારે બજેટ 2026-27 માં જાહેરાતોનો પિટારો ખોલ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રોના નવનિર્માણથી લઈને આધુનિક હવાઈ મુસાફરી સુધી, સરકાર રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા સજ્જ છે.

અંબાજી કોરિડોર: શક્તિપીઠનો નવો અવતાર

વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલ લોકની તર્જ પર હવે અંબાજી શક્તિપીઠનો વિકાસ કરવામાં આવશે. મા અંબાના દર્શનાર્થે આવતા કરોડો ભક્તોની સુવિધા માટે 300 કરોડના ખર્ચે 'અંબાજી કોરિડોર' બનાવવાની જાહેરાત થઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ મંદિર પરિસરને ભવ્ય બનાવવાની સાથે પદયાત્રીઓ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.

દાહોદને મળશે પાંખો: નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ

કનેક્ટિવિટીના ક્ષેત્રમાં સરકારે દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરીને આદિવાસી પટ્ટાના વિકાસને વેગ આપ્યો છે. આ ઉપરાંત, પોરબંદર, ભાવનગર અને સુરત સહિતના પાંચ એરપોર્ટના વિસ્તરણ માટે 95 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વેપાર અને પ્રવાસન બંને માટે ફાયદાકારક રહેશે.


સોમનાથ અને દ્વારકાનો કાયાકલ્પ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યાત્રિકોની સુવિધા માટે 'મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ' અને આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ, દ્વારકા, ડાકોર અને કચ્છના માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગિરનાર મહાશિવરાત્રી મેળો અને નર્મદા પરિક્રમા પથ માટે પણ વિશેષ બજેટની ફાળવણી કરાઈ છે.

'વેડ ઇન ગુજરાત': લગ્ન માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન

રાજ્યમાં પ્રવાસન દ્વારા રોજગારી વધારવા માટે સરકારે 'Wed In Gujarat' અભિયાન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઇન દ્વારા ગુજરાતના ઐતિહાસિક અને કુદરતી સ્થળોને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રોમોટ કરવામાં આવશે, જેનાથી લોકલ ઇકોનોમીને મોટો ફાયદો થશે.

લોથલ અને હેરિટેજ ટુરિઝમ

હડપ્પીય સંસ્કૃતિના કેન્દ્ર એવા લોથલને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા માટે PPP મોડલ પર ટ્રંક ફેસિલિટી વિકસાવવામાં આવશે. આનાથી હેરિટેજ ટુરિઝમમાં રસ ધરાવતા વિદેશી પ્રવાસીઓનો ધસારો વધશે. બજેટની આ જોગવાઈઓ દર્શાવે છે કે સરકાર 'વિકાસ પણ અને વિરાસત પણ' ના મંત્ર સાથે આગળ વધી રહી છે. અંબાજી કોરિડોર અને દાહોદ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકશે.

આ પણ વાંચો-Gujarat Budget 2026-27: અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’: 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત બજેટમાં રુપિયા 1278 કરોડની લહાણી

MoneyControl News

MoneyControl News

First Published: Feb 18, 2026 3:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.