Budget Session 2026: આજથી સંસદમાં જંગ! 'વીબી-જીરામજી' અને 'SIR' પર સરકાર-વિપક્ષ આમને-સામને, જાણો શું છે આખો વિવાદ?
India Budget Session 2026: આજથી સંસદનું બજેટ સત્ર 2026 શરૂ થઈ રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર રવિવારે બજેટ રજૂ થશે. બીજી તરફ, 'વીબી-જીરામજી' અને 'SIR' મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કરના એંધાણ છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.
India Budget Session 2026: આજથી સંસદનું બજેટ સત્ર 2026 શરૂ થઈ રહ્યું છે.
India Budget Session 2026: ભારતીય રાજનીતિ અને દેશના અર્થતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી સંસદના બજેટ સત્ર 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પહેલા તબક્કાની શરૂઆત થઇ છે.. જોકે, સત્ર શરૂ થાય તે પહેલાં જ સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે સંસદમાં હંગામો થવાની પૂરી શક્યતા છે.
આ વખતનું બજેટ સત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો થોડા બ્રેક બાદ 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે.
સૌથી રસપ્રદ વાત એ છે કે, ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર રજાના દિવસે એટલે કે રવિવારે બજેટ રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેની પર આખા દેશની નજર રહેશે.
'વીબી-જીરામજી' (VB-G RAM G) પર કેમ છે બબાલ?
સત્ર શરૂ થાય તે પહેલાં યોજાયેલી સર્વદળીય બેઠકમાં વિપક્ષે એક મહત્વની માંગ મૂકી હતી, જેને સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે. વિપક્ષ 'વીબી-જીરામજી' કાયદા પર ચર્ચા કરવા માંગતો હતો.
તમને જણાવી દઈએ કે, આ કાયદો જૂના મનરેગા (MGNREGA) કાયદાનું સ્થાન લઈ રહ્યો છે. સરકારનો દાવો છે કે આ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને રોજગારીની વધુ ગેરંટી મળશે. મનરેગામાં 100 દિવસનું કામ મળતું હતું, જ્યારે આ નવા કાયદામાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવી છે.
સરકારે વિપક્ષની માંગ ફગાવતા સ્પષ્ટ કહ્યું છે કે, આ કાયદો શિયાળુ સત્રમાં જ પસાર થઈ ગયો છે અને હવે તે અમલમાં આવી ચૂક્યો છે. કાયદો બની ગયા પછી તેના પર ફરીથી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.
'SIR' અને મતદાર યાદીનો બીજો મોટો વિવાદ
વિપક્ષ પાસે બીજો મોટો મુદ્દો 'SIR' (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) નો છે. આનો અર્થ થાય છે મતદાર યાદીમાં વિશેષ સુધારણા. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદાર યાદીમાંથી અમુક ચોક્કસ લોકોના નામ હટાવવામાં આવી રહ્યા છે, તેવી વિપક્ષને શંકા છે.
આ મુદ્દે પણ સરકાર અને વિપક્ષ આમને-સામને છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે આ વિષય પર પહેલા પણ વાતચીત થઈ ચૂકી છે. તેમણે વિપક્ષને અપીલ કરી છે કે સંસદની કાર્યવાહી શાંતિથી ચાલવા દેવા માટે તેઓ સહયોગ આપે.
ચૂંટણીનો પડછાયો અને બજેટનું મહત્વ
આ બજેટ સત્રનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે દેશના 5 મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે.
સ્વાભાવિક છે કે, સરકાર બજેટમાં આ રાજ્યોના મતદારોને આકર્ષવા માટે મોટી જાહેરાતો કરી શકે છે. બીજી તરફ, વિપક્ષ પણ આ જ કારણોસર સરકારને ઘેરવાનો કોઈ મોકો છોડવા માંગતો નથી. કુલ મળીને, આગામી દિવસોમાં સંસદની અંદર અને બહાર રાજકીય ગરમાવો જોવા મળશે તે નક્કી છે.