સોનું જ છે ભારતની અસલી તાકાત! જેફરીઝનો ગોલ્ડ પર મોટો દાવો, જાણો 4 લાખ કરોડ ડોલરના સોનાનું ગણિત અને આજના લેટેસ્ટ ભાવ
જેફરીઝના રિપોર્ટ મુજબ ભારતીયો પાસે રહેલું 4 લાખ કરોડ ડોલરનું સોનું જ દેશની અસલી તાકાત છે. જાણો આજે MCX પર સોના-ચાંદીના ભાવ કેમ ઘટ્યા અને કયા શેરોમાં થશે મોટો ફાયદો.
એક તરફ સોનાની બોલબાલા છે, તો બીજી તરફ શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
Gold price : ભારતીયોને સોના પ્રત્યે પહેલેથી જ અનેરો લગાવ રહ્યો છે, પરંતુ આ જ સોનું દેશના અર્થતંત્રની કરોડરજ્જુ બની શકે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝએ ગોલ્ડ પર પોતાનો નવો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની અસલી તાકાત તેના સોનામાં જ છુપાયેલી છે અને સોનું જ ભારતનો 'સુપર પાવર' છે.
ભારત પાસે છે 4 લાખ કરોડ ડોલરનું સોનું
જેફરીઝના રિપોર્ટ મુજબ, આજે પણ ભારતીયોનો સૌથી મોટો ભરોસો સોના પર જ છે. દેશમાં લોકો પાસે લગભગ 4 લાખ કરોડ ડોલરનું સોનું પડેલું છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, આ રકમ દેશના કુલ ઇક્વિટી રોકાણ કરતા 4 ગણી વધારે છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે જો દેશમાં સોનાના ભાવમાં માત્ર 10 ટકાનો વધારો થાય છે, તો ભારતની GDPમાં સીધો 0.80 ટકાનો ઉછાળો જોવા મળે છે.
ગોલ્ડ લોનથી અર્થતંત્રને મળી રહ્યો છે બૂસ્ટ
સોનાના વધતા ભાવથી દેશની ઇકોનોમી અને માર્કેટ બંને ચમકી રહ્યા છે. જેફરીઝનું કહેવું છે કે, હવે લોકો ઘરમાં સોનું સાચવીને બેસી રહેવાને બદલે તેનો ઉપયોગ કરી રહ્યા છે. ગોલ્ડ લોનનો ક્રેઝ ખૂબ વધ્યો છે. લોકો સોના પર લોન લઈને તે પૈસાનો બિઝનેસ કે અન્ય કામોમાં ઉપયોગ કરી રહ્યા છે. આ પૈસા બજારમાં ફરતા થવાથી અર્થતંત્રને જબરદસ્ત બૂસ્ટ મળી રહ્યો છે.
આજે સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો ઘટાડો?
એક તરફ સોનાની બોલબાલા છે, તો બીજી તરફ શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોશ જેક્સન હોલ ખાતે મહત્વનું ભાષણ આપવાના છે. આ ભાષણ પહેલા જ રોકાણકારો સાવચેતી રાખીને પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. બપોરે 12 વાગ્યાની આસપાસ MCX પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટનું સોનું 716 રૂપિયા (0.45 ટકા) ઘટીને 158,282 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી પણ 101 રૂપિયા (0.04 ટકા) ઘટીને 240,550 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. વિદેશી બજારોમાં પણ આવો જ માહોલ છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 0.40 ટકા ઘટીને 4,627.95 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.
જેફરીઝના 'ગોલ્ડન' પોર્ટફોલિયોમાં કયા શેરો છે સામેલ?
સોનાની આ તેજીને ધ્યાનમાં રાખીને જેફરીઝે પોતાના મોડલ પોર્ટફોલિયોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે:
ગોલ્ડ થીમમાં 'મણપ્પુરમ' અને સિલ્વર થીમમાં 'હિન્દુસ્તાન ઝિંક' નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, કન્ઝમ્પશન થીમમાંથી 'મીશો' અને કેમિકલ થીમમાંથી 'નવીન ફ્લોરિન' ને પોર્ટફોલિયોમાં એડ કરાયા છે. સામે પક્ષે, 'જિંદાલ સ્ટેનલેસ' અને 'અંબુજા સિમેન્ટ' ને પોર્ટફોલિયોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.