PPF માં રોકાણ કરો છો? આ 'ગોલ્ડન રૂલ' અપનાવો અને કમાઓ 1 લાખ રૂપિયાથી વધુ વધારાનું વ્યાજ
PPF માં રોકાણ કરીને 1 લાખ રૂપિયાથી વધુનું વધારાનું વ્યાજ કમાવવા માંગો છો? તો જાણો દર મહિનાની 5 તારીખનો આ ખાસ 'ગોલ્ડન રૂલ'. કઈ રીતે થશે ફાયદો, વાંચો અહીં.
આમ, માત્ર વર્ષની શરૂઆતમાં એકસાથે રોકાણ કરવાનો સાચો સમય પસંદ કરવાથી, રોકાણકારને 15 વર્ષમાં સીધો 1.24 લાખ રૂપિયાનો વધારાનો ફાયદો (વ્યાજ) મળે છે.
PPF Investment Formula: જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા માટે આ એક ખૂબ જ કામના સમાચાર છે. દેશમાં PPF એ સૌથી સુરક્ષિત અને સારું રિટર્ન આપતી અત્યંત લોકપ્રિય સ્મોલ સેવિંગ સ્કીમ છે. જોકે, માત્ર રોકાણ કરવું જ પૂરતું નથી, પરંતુ 'ક્યારે' રોકાણ કરવું તે પણ ખૂબ જ મહત્વનું છે. સાચા સમયે રોકાણ કરીને તમે તમારા PPF ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુનું વધારાનું વ્યાજ કમાઈ શકો છો. આ માટે તમારે બસ વ્યાજ ગણવાના નિયમને અને દર મહિનાની 5 તારીખના 'ગોલ્ડન રૂલ' ને સમજવો પડશે.
શું છે 5 તારીખનો ગોલ્ડન રૂલ અને વ્યાજનું ગણિત?
PPF માં રોકાણ કરવાનો સમયગાળો ઘણો ફ્લેક્સિબલ હોય છે, પરંતુ તમે પૈસા ક્યારે જમા કરો છો તેની સીધી અસર તમારા રિટર્ન પર પડે છે.
નિયમ મુજબ, ખાતામાં મહિનાની 5 તારીખ અને મહિનાની છેલ્લી તારીખ વચ્ચે જે સૌથી ઓછું બેલેન્સ હોય છે, તેના પર જ વ્યાજ ગણવામાં આવે છે.
જો તમે મહિનાની 5 તારીખ કે તે પહેલાં તમારા PPF ખાતામાં પૈસા જમા કરાવો છો, તો તમને તે આખા મહિનાનું વ્યાજ મળશે. પરંતુ, જો તમે 5 તારીખ પછી પૈસા જમા કરશો, તો તે રકમ પર તમને તે મહિનાનું કોઈ વ્યાજ નહીં મળે. તેનું વ્યાજ તમને આવતા મહિનાથી મળવાનું શરૂ થશે.
(ખાસ નોંધ: ઓગસ્ટ 2026 ના લેટેસ્ટ અપડેટ મુજબ PPF પર વાર્ષિક 7.1% લેખે વ્યાજ મળી રહ્યું છે.)
એકસાથે રોકાણ vs મંથલી SIP: 15 વર્ષે કેટલો ફરક પડશે?
PPF માં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. ચાલો જોઈએ બંને રીતે રોકાણ કરવાથી રિટર્નમાં કેટલો ફરક પડે છે:
એકસાથે રોકાણ : જો તમારી પાસે નાણાકીય વર્ષની શરૂઆતમાં પૈસા હોય, તો 5 એપ્રિલ પહેલાં એકસાથે 1.5 લાખ રૂપિયા જમા કરવા સૌથી વધુ ફાયદાકારક છે. આનાથી તમારી આખી રકમ પર પૂરા 12 મહિનાનું 7.1% ના દરે વ્યાજ મળશે. આ રીતે 15 વર્ષની મેચ્યોરિટી પછી આ ફંડ લગભગ 40.68 લાખ રૂપિયા જેટલું થશે.
દર મહિને રોકાણ : જો કોઈ વ્યક્તિ પાસે એકસાથે પૈસા નથી અને તે દર મહિને 5 તારીખ પહેલા 12,500 રૂપિયાનો હપ્તો જમા કરે છે, તો 15 વર્ષ પછી તેનું ફંડ લગભગ 39.44 લાખ રૂપિયા થશે.
આમ, માત્ર વર્ષની શરૂઆતમાં એકસાથે રોકાણ કરવાનો સાચો સમય પસંદ કરવાથી, રોકાણકારને 15 વર્ષમાં સીધો 1.24 લાખ રૂપિયાનો વધારાનો ફાયદો (વ્યાજ) મળે છે.
નોકરિયાતો માટે મંથલી SIP કેમ છે બેસ્ટ વિકલ્પ?
ભલે એકસાથે રોકાણ કરવાથી થોડું વધારે રિટર્ન મળતું હોય, પણ નોકરી કરતા લોકો (સિલેરીડ ક્લાસ) માટે દર મહિને નાની રકમ જમા કરવી વધુ અનુકૂળ અને પ્રેક્ટિકલ માનવામાં આવે છે.
વર્ષના અંતે એકસાથે 1.5 લાખ રૂપિયા ભેગા કરવાનું ટેન્શન રાખવા કરતાં, દર મહિને પગારમાંથી નાની રકમ કાઢવી સરળ રહે છે. જો બેંક ખાતામાં મહિનાઓ સુધી પૈસા પડ્યા રહે, તો તે ઘરખર્ચ કે ફરવા જવામાં વપરાઈ જવાની શક્યતા વધુ રહે છે. દર મહિનાની 5 તારીખ પહેલા ઓટો-ડેબિટ (Auto-debit) સેટ કરવાથી બચત કરવાની શિસ્તબદ્ધ ટેવ પડે છે.
ટેક્સમાં છૂટછાટ અને રોકાણકારો માટે સલાહ
PPF તેની 'EEE' (Exempt-Exempt-Exempt) ટેક્સ કેટેગરી માટે ખૂબ જાણીતું છે.જૂની ટેક્સ સિસ્ટમમાં કલમ 80C હેઠળ તમને વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાંથી સીધી છૂટ મળે છે. આ ઉપરાંત, આ સ્કીમમાંથી મળતું વ્યાજ અને 15 વર્ષ પછી મળતી કુલ મેચ્યોરિટી રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી હોય છે. જોકે, જે રોકાણકારોએ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી છે, તેમણે આ સ્કીમમાં ટેક્સ સેવિંગના દાવાઓ કરતા પહેલા નિયમો ખાસ ચેક કરી લેવા.