આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલ $90 ને પાર પહોંચતા મોંઘવારીનો ખતરો વધ્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ.
મિડલ ઈસ્ટમાં વણસી રહેલી પરિસ્થિતિ સીધી રીતે ગ્લોબલ એનર્જી સપ્લાય અને માર્કેટ સેન્ટિમેન્ટને હિટ કરી રહી છે.
Gold Rate Today: મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સીધી અસર હવે વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. દેશ અને દુનિયાના બજારોમાં સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે દુનિયાભરમાં ફરી એકવાર મોંઘવારી વધવાની ચિંતા સતાવી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
રશિયા-યુક્રેન બાદ હવે મિડલ ઈસ્ટના તણાવે બજારનું ગણિત બગાડ્યું છે. રોયટર્સના અહેવાલ મુજબ, ગ્લોબલ માર્કેટમાં કીમતી ધાતુઓના ભાવ નીચે મુજબ ટ્રેડ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ ઘટીને 4,014.53 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. ઓગસ્ટ મહિનામાં ડિલિવરી વાળા US ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ પણ ગગડીને 4,019.80 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો છે. સ્પોટ સિલ્વરની કિંમત ઘટીને 56.95 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?
સામાન્ય રીતે જ્યારે બજારમાં અસ્થિરતા હોય ત્યારે લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે, પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે. મિડલ ઈસ્ટના તણાવને કારણે અમેરિકન સેન્ટ્રલ બેન્ક 'ફેડરલ રિઝર્વ' ના નીતિ-ઘડવૈયાઓએ સંકેત આપ્યા છે કે, વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવો પડી શકે છે.
જ્યારે પણ કેન્દ્રીય બેન્કો વ્યાજદર વધારે છે, ત્યારે તે સોના-ચાંદી માટે નેગેટિવ ફેક્ટર સાબિત થાય છે. કારણ કે, વ્યાજદર વધવાથી રોકાણકારોને બેન્ક ડિપોઝીટ કે બોન્ડ જેવા અન્ય સ્ત્રોતોમાંથી સોના કરતા વધુ સારું રિટર્ન મળવા લાગે છે. તેથી રોકાણકારો સોનામાંથી પૈસા કાઢીને અન્ય જગ્યાએ રોકે છે, પરિણામે સોનાના ભાવ ઘટે છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ અને ક્રૂડનો ભડકો
આ ભૌગોલિક રાજકીય તણાવ હવે ભયજનક સ્તરે પહોંચી ગયો છે. યુદ્ધના માહોલ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 90 ડોલર પ્રતિ બેરલની પાર જતી રહી છે, જે આખા વિશ્વના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. અમેરિકાએ ઈરાન પર સતત 9મી રાત્રે પણ હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાન દ્વારા જોર્ડન પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 2 અમેરિકન સૈનિકોના મોત નીપજ્યા છે. ઈઝરાયેલનો દાવો: રવિવારે ઈઝરાયેલી સેનાએ મોટો દાવો કર્યો છે કે ઈરાને તેના પાડોશી દેશ જોર્ડન તરફ અનેક મિસાઈલો છોડી છે.